આરે કોલોનીમાં કારશેડ: મુંબઈમાં ફરી ઘમસાણ

ઇન્ટરવલ

આયોજન વિનાનો વિકાસ અને આંધળું શહેરીકરણ પર્યાવરણનો ભોગ લઈ રહ્યાં છે

કવર સ્ટોરી -પૂજા શાહ

મહારાષ્ટ્રના લોકો છેલ્લા પંદર દિવસથી રોલરકોસ્ટરમાં બેઠા હોય તેવી સ્થિતિ છે. આમ પણ કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની ત્રણ પૈડાંની રિક્ષા માંડ માંડ ચાલી રહી હતી. તેમાં કોરોનાની મહામારીએ સૌને ભારે પજવ્યા. તે બાદ છએક મહિનાથી માંડ બધું થાળે પડ્યું હોય તેમ લાગ્યું ત્યાં તો ફરી ચક્કર ફર્યું. શિવસેનાના નેતા અને થાણેના નાથ એવા એકનાથ શિંદેએ સુરત ને પછી ગુવાહાટી તરફ ઉડાન ભરી અને ત્રણેય પક્ષને ઝંઝોડી નાખ્યા. એ ઓછું હોય તેમ છેલ્લે ભાજપે બાગીઓ સાથે અપેક્ષા મુજબ હાથ મિલાવ્યા બાદ એકનાથને જ મહારાષ્ટ્રના નાથ બનાવી દીધા અને જેમનો રાજ્યાભિષેક એકદમ નક્કી હતો તેવા દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનાવી ઝટકો આપ્યો. હજુ આ શમ્યું નથી. ઘણી ટેક્નિકલ બાબતો છે, કોર્ટમાં કેસ છે, આથી આ યુદ્ધ ચાલ્યા જ કરશે, પણ નાયબ મુખ્ય પ્રધાન બનતાંની સાથે જ ફડણવીસે એક નિર્ણય લીધો અને તેને લીધે મુંબઈગરા ફરી રોલરકોસ્ટરમાં બેસશે, તેમ જણાઈ રહ્યું છે. ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે જે સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હતો, તે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ થોડો હળવો કર્યો હતો. જોકે તે સમયે પણ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે બબાલ ચાલતી હતી. અબ યે આગ કબ બુઝેગી કે ઔર બઢેગી તે સમય બતાવશે, પરંતુ આરે કોલોનીમાં મેટ્રો કારશેડ ચર્ચાનો વિષય ચોક્કસ છે.
ઠાકરેએ પર્યાવરણપ્રેમીઓની વાતને માન આપી મેટ્રો-થ્રી કોરશેડ કાંજુરમાર્ગ ખાતેના પ્લોટમાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો. આ વિવાદ મેટ્રો-થ્રીના ભૂમિપૂજનથી જ હતો, જે ૨૦૧૪ની શરૂઆતમાં તત્કાલીન કોંગ્રેસી મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કર્યું હતું. તે બાદ સરકાર બદલાતાં આ સંઘર્ષ વધતો ગયો. ફડણવીસના કાર્યકાળમાં ઝડપી નિર્ણયો લેવાયા અને કોલાબાથી સિપ્ઝની ૩૩.૫ કિમીની મેટ્રોલાઈનનું કામ ઝડપભેર થવા લાગ્યું. આ મેટ્રો-થ્રીનો કારશેડ આરે મિલ્ક કોલોની ખાતે પ્રસ્તાવિત હતો. આરે કોલોની લગભગ ૧,૮૦૦ એકરનું સુંદર શહેરી જંગલ છે અને મુંબઈગરાઓને શુદ્ધ હવા આપવામાં તેમ જ વરસાદનું પાણી સંગ્રહવા સહિતની ઘણી કુદરતી સેવાઓ આપે છે, જેની મુંબઈમાં રહેનારાઓને પણ લગભગ જાણ નહીં હોય. અહીં ૩૦૦ અલગ અલગ વનસ્પતિ છે અને દીપડા સહિતનાં પ્રાણીઓનો પણ વસવાટ છે. આ સાથે અહીં આદિવાસી પ્રજા રહે છે. અહીંના ૨૭ પાડામાં લગભગ ૧૦,૦૦૦ આદિવાસી રહે છે અને નાનીમોટી ખેતી કરી પેટિયું રળે છે.
૨૦૧૪ના ઘર્ષણ દરમિયાન આ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો. પર્યાવરણવાદીઓ અને આરેના રહેવાસીઓએ આરેમાં વૃક્ષો કાપવાના મુંબઈ મહાનગરપાલિકાની ટ્રી ઓથોરિટીના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો. પિટિશનરોએ કોર્ટને આરેને પૂર મેદાન (ફ્લડ પ્લેન) અને વન્યવિસ્તાર ઘોષિત કરવાની અપીલ કરી. કોર્ટકચેરી લાંબી ચાલી અને ૨૦૧૯માં મુંબઈ હાઈ કોર્ટે જનહિતની અરજીને નકારી. આ નિર્ણય થતાંના ૨૪ કલાકમાં મુંબઈ મેટ્રોરેલ કોર્પોરેશન લિમિટેડે આરેના જંગલમાંથી ૨૦૦ વૃક્ષની કત્લેઆમ કરી નાખી અને તમામ વૃક્ષપ્રેમીઓના હૃદય પર પણ કુહાડી મારી. બે દિવસ બાદ સુપ્રીમ કોર્ટે વધારે વૃક્ષો કાપવા પર રોક લગાવી અને આરેમાં સ્ટેટ્સ ક્વોનો આદેશ આપ્યો.
આ દરમિયાન પર્યાવરણપ્રેમીઓ અને સરકાર વચ્ચેનો સંઘર્ષ ભારે ઉગ્ર બન્યો. પોલીસ બંદોબસ્ત અને ધરપકડ સુધી પહોંચ્યો. તે બાદ વિધાનસભાની ચૂંટણી થઈ અને મહાવિકાસ આઘાડી સરકારના ગઠબંધને રાજ્યની કમાન સંભાળી. સત્તા મેળવ્યાના બીજા જ દિવસે ઉદ્ધવ સરકારે ફડણવીસ સરકારના નિર્ણયને ફગાવ્યો. આરે કારશેડના પ્રોજેક્ટને જ તેમણે રદ કર્યો અને કાંજુરમાર્ગ ખાતેની મીઠાના અગરની જમીન પર તેને પ્રસ્તાવિત કરવામાં આવ્યો. આ સાથે આરે કોલોનીની લગભગ ૮૦૦ એકર જગ્યાને આરક્ષિત વન જાહેર કર્યું.
જોકે આ વિવાદનો અંત સાબિત ન થતાં એક નવા વિવાદની શરૂઆત થઈ. કાંજુરમાર્ગની જમીન કારશેડ માટે નક્કી કરવામાં આવી કે કેન્દ્ર સરકારના સોલ્ટ કમિશનરે આ જમીન પર પોતાનો દાવો ઠોક્યો અને બોમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને કાંજુરમાર્ગની જગ્યા પર મેટ્રોના કામ કરવા પર સ્ટે મૂક્યો. આ સ્ટે સમયાંતરે એક્સ્ટેન્ડ થતો રહ્યો. તે બાદ કેન્દ્ર, રાજ્ય અને ખાનગી લોકોએ કાંજુરમાર્ગની જમીન પર પોતાની માલિકી જતાવી. તે સમયે હાલના મુખ્ય પ્રધાન અને તત્કાલીન શહેરી વિકાસપ્રધાન એકનાથ શિંદેએ જ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેઓ આ મુદ્દે રાજકારણ રમી રહ્યા છે અને કારશેડ આરેમાંથી ખસેડવો એ જનતાના હિતમાં છે. આ કેસમાં રાજ્ય અને કેન્દ્રની ટસલ બાદ કોર્ટે જ બન્નેને સમજદારીપૂર્વક વિવાદનો નિવેડો લાવવા તાકીદ કરી હતી.
તે સમયે રાજકીય સમીરકરણો અલગ હતાં. હવે અલગ છે. ફરી મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન છે, આથી આરેપ્રેમીઓને ખબર છે કે આરે માટે ફરી લડવા તૈયાર થઈ જવું પડશે. ફડણવીસના જણાવ્યા અનુસાર આરેમાંથી કારશેડ હટાવવાના રાજ્ય સરકારના નિર્ણયને લીધે પ્રોજેક્ટ અટકી પડ્યો છે અને તેની કિંમત પણ દિવસે દિવસે કરોડોમાં વધી રહી છે. આ હકીકત પણ છે. ફડણવીસ સરકાર દરમિયાન મેટ્રોનું કામ ઝડપી હોવાનું સૌ કોઈએ જોયું છે. ૨૦૧૫થી લઈને આરે કારશેડ મામલે ઘણા અભ્યાસ થયા છે, જેમાં કાંજુરમાર્ગ એક વિકલ્પ તરીકે જણાવાયો છે, પરંતુ આરે કોલોની વધારે સાનુકૂળ હોવાનું તારણ પણ આવ્યું છે.
બીજી બાજુ પર્યાવરણપ્રેમીઓ મજબૂતપણે માને છે કે કાંજુરમાર્ગની જમીન પર કારશેડ કરવાનું શક્ય છે. વળી, તેમનો એવો આક્ષેપ પણ છે કે આરે કોલોનીમાં કારશેડના નામે રાજ્ય સરકાર ધીમે ધીમે આ વિસ્તાર બિલ્ડરોને નામે કરવા માગે છે અને કારશેડથી તેની શરૂઆત થઈ છે.
આરેના જંગલને રાજકારણીઓ અને બિલ્ડરલોબીની નજર તો વર્ષો પહેલાં લાગી જ ચૂકી છે. અહીં બાંધકામ, અતિક્રમણ મોટા પ્રમાણમાં છે જ.
બીજી બાજુ મુંબઈમાં મેટ્રો જેવા જાહેર પરિવહનની જરૂર છે તે વાતનો ઈનકાર ન થઈ શકે, પણ સામે પક્ષે દિલ્હીમાં આટલું મોટું મેટ્રો નેટવર્ક હોવા છતાં ટ્રાફિક અને પર્યાવરણ બન્નેની સમસ્યા ઓછી થઈ નથી.
આ બધામાં જો કોઈ ખરો વિલન હોય તો તે છે આયોજન વિનાનો વિકાસ અને આંધળું શહેરીકરણ. પર્યાવરણ અને વિકાસ વચ્ચેનો જંગ દરેક શહેરમાં છે. ખરા અર્થમાં આ બન્ને વચ્ચે જંગ કરવાની જરૂર જ નથી. જો યોગ્ય આયોજન પહેલેથી જ થયું હોય.
જેમ જેમ લોકોની સંખ્યા વધે તેમ તેમ માળખાકીય જરૂરિયાતો વધવાની જ અને જે તે તંત્ર હોય તેમની પાસે લોકોની માગ હોય અને તેમણે સુવિધાઓ એક યા બીજા પ્રકારે આપવી જ પડે. બીજી બાજુ શહેરમાં જીવતા લોકોને પણ એટલા જ ઓક્સિજનની જરૂર પડે છે અને કોંક્રીટના જંગલ વચ્ચે મુંબઈના હૃદયમાં આવેલું આરે ઉદ્દ્વસ્ત થાય તે તેમને પાલવે તેમ નથી. દેશનાં મોટા ભાગનાં શહેરોનો આ પ્રાણપ્રશ્ર્ન છે. રોજગારી અને સારા સ્વતંત્ર જીવન માટે યુવાનો શહેરો તરફ આવે છે, પણ અહીં પાયાની સુવિધાઓ જ નથી. એક સમયે મુંબઈગરાઓ શહેરના વિકાસને લઈને છાતી ફુલાવતા હતા, પરંતુ જો વિકાસનું વિકેન્દ્રીકરણ થયું હોત તો આખા દેશનો બોજો અમુક જ શહેરોએ ન ઉઠાવવો પડ્યો હોત. આજે આ છાતી ફુલાવતા મુંબઈગરાઓ માટે પ્રદૂષણ અને ગીચતાને લીધે છાતીમાં શ્ર્વાસ ભરવાનું અઘરું થઈ ગયું છે. વળી, મેટ્રો તો એક પબ્લિક પ્રોજેક્ટ છે, પરંતુ આ સાથે રાજકીય સાઠગાંઠ અને માનવજાતની લાલચને લીધે દરેક જગ્યાએ પર્યાવરણનો ખો નીકળી રહ્યો છે. મુંબઈમાં માત્ર મેટ્રો આવવાથી ટ્રાફિકની સમસ્યા હળવી નહીં થાય. અંધેરી પૂર્વથી ઘાટકોપર પશ્ર્ચિમ વચ્ચે ચાલતી મેટ્રો-વન સફળ સાબિત થઈ છે, પરંતુ આ વિસ્તારનો ટ્રાફિક હળવો થયો નથી. સાકીનાકાથી શરૂ કરી મરોલ અને અંધેરી પૂર્વ સ્ટેશન વચ્ચે આજે પણ કાર અને ટૂ વ્હીલરનો ખડકલો છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા રોડ સ્પેસ મેનેજમેન્ટની જરૂર પડે છે, પણ રોડ તો બધા ફેરીવાળાઓને નામે કરી દીધા છે ત્યારે મેનેજમેન્ટ શેનું કરવું. જ્યારે બીજી બાજુ આરે બચાવવાથી પર્યાવરણ બચી નહીં જાય. પ્લાસ્ટિકના અનહદ ઉપયોગ, ઠેર ઠેર બાંધકામ, ઔદ્યોગિક પ્રદૂષણ, વૃક્ષોના જતનનો અભાવ, વરસાદી પાણીના સંચયનો અભાવ, પાણીનું ગળતર, ડમ્પિંગ યાર્ડનો અભાવ, કચરાના નિકાલની વ્યવસ્થાનો અભાવ, નદીનાળાંની જાળવણીનો અભાવ વગેરે જેવા અનેક મોરચે લડવાનું છે.
હાલમાં મુદ્દો આરે બચાવવાનો છે ત્યારે મેટ્રો કારશેડના મામલે મુંબઈમાં ફરી ઘમસાણ થશે તે વાત નક્કી છે, પરંતુ આવી સ્થિતિ શા માટે પેદા થઈ છે એ આપણે સૌએ વિચારવાની જરૂર છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.