યુક્રેનનું કાર્ગો પ્લેન ઉત્તરી ગ્રીસમાં ક્રેશ થયું, આઠ લોકો સવાર હતા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

યુક્રેન સ્થિત એર કેરિયર દ્વારા સંચાલિત કાર્ગો પ્લેન શનિવારે મોડી રાત્રે ઉત્તર ગ્રીસના કાવલા શહેર નજીક ક્રેશ થયું હતું. આ વિમાન સર્બિયાથી જોર્ડન જઇ રહ્યું હતું. ગ્રીક નાગરિક ઉડ્ડયન અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાં આઠ લોકો સવાર હતા. પાયલોટે એન્જિનની ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગની વિનંતી કરી હતી. પ્લેનને કાવલા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ પ્લેને સિગ્નલ ગુમાવ્યું હતું અને કાવલા એરપોર્ટથી પશ્ચિમમાં લગભગ 40 કિલોમીટર (25 માઇલ) દૂર ક્રેશ થયું હતું. સ્પેશિયલ ડિઝાસ્ટર રિસ્પોન્સ યુનિટ ઘટનાસ્થળે તપાસ કરી રહ્યું છે. ફાયર બ્રિગેડના એક અધિકારીએ કહ્યું હતું કે આ કાર્ગો પ્લેનમાં 12 ટન ખતરનાક સામગ્રી (વિસ્ફોટકો) ભરેલી હતી, જોકે સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેમની પાસે કાર્ગોના સામાન અંગે ચોક્કસ માહિતી નથી.
સ્થાનિક રહેવાસીઓએ અગ્નિ જ્વાળાઓ જોઇ હતી અને વિમાન ક્રેશ થયા બાદ આશરે બે કલાક સુધી વિસ્ફોટોના અવાજ સાંભળ્યા હતા.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે અને રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. યુક્રેન પણ તેના તરફથી રશિયાને દરેક સંભવિત રીતે જવાબ આપી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.