વાહનચલાકોની ભૂલ કે બેદરકારીએ મહિસાગર જિલ્લાના એક પરિવારના રંગમાં ભંગ પાડી દીધો હતો. અહીં લગ્ન દરમિયાન નાચી રહેલા વરઘોડીયા પર અચાનકથી કાર ધસી આવી હતી. એક મહિલાનું મૃત્યુ થયું હતું જ્યારે ઘણા જાનૈયાઓને ઈજા થઈ છે. બન્ને પક્ષની લગ્નની મજા બગડી ગઈ છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરના સેવાલિયા રોડ પર પેટ્રોલ પંપ પાસે જાનનો વરઘોડો નીકળી રહ્યો હતો. તે સમયે અચાનક લોકો પર કાર ફરી વળી હતી. જેમાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાત્રીના સુમારે આશરે 12થી 1 વાગે વરઘોડો બાલાસિનોર શહેરમાં ફરીને પરત ઘરે ફરી રહ્યો હતો. તે સમયે સેવાલિયા બાજુથી એક સફેદ કલરની સિફ્ટ કાર આવી અને વરઘોડામાં ઘૂસી ગઈ. માતેલા સાંઢની જેમ કાર વરઘોડામાં ઘૂસી અને 25થી વધુ લોકોને અડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માત સર્જતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર થઈ ગયા હતા. મણિબેન નામની મહિલાને વધુ ઇજા પહોંચતા તેમને વધુ સારવાર માટે નડિયાદ લઈ જતા રસ્તામાં જ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ અન્ય ઇજાગ્રસ્તોને બાલાસિનોર શહેરની અલગ અલગ હોસ્પિટલ સાગર સર્જિકલ, કે.એસ.પી હોસ્પિટલ તેમજ મહા ગુજરાત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તેમજ વધુ ઇજાગ્રસ્તોને નડિયાદ અને ગોધરા સારવાર માટે ખસેડાયા હતા. જેમાં અંદાજિત 26 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. તેમજ કેટલાક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
અહીંના જાનૈયાઓના જણાવ્યા અનુસાર વારોઘોડો ગામ ફરીને ઘરે જઈ રહ્યો હતો. તે સમયે અચાનક જ એક કાર સેવાલિયા તરફથી ફૂલ સ્પીડમાં આવી અને અમે કશું સમજી શકીએ એ પહેલા તો અમારા પર ફરી વળી હતી. જેમાં કેટલાય લોકોને ઇજાઓ પહોંચી છે.
જાનૈયાઓની જાન પર આવી બનીઃ વરઘોડા પર કાર ફરી વળી
RELATED ARTICLES