ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
સ્વતંત્રતા સેનાની લક્ષ્મી સ્વામીનાથનનું નામ સાંભળ્યું છે?
આ સવાલના જવાબ ભાગ્યે જ કોઈ હકારમાં આપશે. પણ જો એવું પૂછવામાં આવે કે કેપ્ટન લક્ષ્મીનું નામ સાંભળ્યું છે, તો નકારમાં ઉત્તર વાળનાર કદાચ જ કો’ક નીકળશે.
કેપ્ટન લક્ષ્મી સહગલ… નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજનાં સૈનિક. રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન. માતૃભૂમિની આઝાદી માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ જ રાણી ઝાંસી રેજિમેન્ટની કેપ્ટન લક્ષ્મીએ પણ હથિયાર ઉઠાવ્યાં અને અપ્રતિમ વીરતાનો પરિચય આપ્યો. લક્ષ્મી કેપ્ટનમાંથી કર્નલના હોદ્દે પહોંચી, પણ આજેય કેપ્ટન લક્ષ્મી તરીકે જ મશહૂર છે!
લક્ષ્મીનો જન્મ ૨૪ ઓક્ટોબર, ૧૯૧૪ના પરંપરાવાદી બ્રાહ્મણ કુટુંબમાં થયો. પિતા બી. સ્વામીનાથન. માતા અમ્મુ સ્વામીનાથન. બી. સ્વામીનાથને કાનૂનની પરીક્ષા ઉત્તીર્ણ કરી. મદ્રાસના વિધિ મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક અને પ્રાચાર્ય રહ્યા. સ્વામીનાથનના મૃત્યુ પછી અમ્મુ મહાત્મા ગાંધીજીથી પ્રભાવિત થઈને કૉંગ્રેસમાં જોડાયાં. બેય દીકરી મૃણાલિની અને લક્ષ્મીને અંગ્રેજી શાળામાંથી સરકારી શાળામાં બેસાડી. ઘરનું વાતાવરણ ભારતીય બન્યું. દક્ષિણ ભારતીય પહેરવેશ અપનાવ્યો. અંગ્રેજી ફ્રોકને બદલે મદ્રાસી ઘાઘરો-કબજો અને એના પર જાકીટ પહેરવાનું શરૂ કર્યું. ઘરમાં બોલાતી અંગ્રેજીનું સ્થાન મલયાલમ અને તમિળ ભાષાએ લીધું.
દરમિયાન, ૧૯૩૦માં સવિનય કાનૂન ભંગનું આંદોલન શરૂ થયું. લક્ષ્મીની ઉંમર ત્યારે સોળ વર્ષની. એમણે ખાદી પહેરવાનું શરૂ કરી દીધેલું. ગાંધીજી એમને દેવદૂત જેવા લાગતા. ગાંધીજી મદ્રાસ આવ્યા ત્યારે લક્ષ્મીએ પોતાનાં બધાં ઘરેણાં આંદોલનને મદદ કરવા માટે આપી દીધાં. સરઘસ અને સભાઓનું આયોજન કરવામાં લક્ષ્મી અગ્રેસર રહેતાં. એક વાર ઝંડો લઈને સરઘસનું નેતૃત્વ કર્યું. લક્ષ્મીની ધરપકડ થઇ. કોર્ટ પૂરી થાય ત્યાં સુધીની સજા થઇ. ગાંધીજીએ કહેલું કે લાઠીના હુમલાનો સામનો અહિંસકપણે કરવો જોઈએ. લક્ષ્મીની બંડખોર પ્રકૃતિથી આ વિપરીત હતું. એથી ગાંધીજી પ્રત્યે અસીમ આદરભાવ હોવા છતાં ગાંધીવાદી વિચારધારાથી એમનું અંતર
વધતું ગયું.
લક્ષ્મીના મનમાં ક્રાંતિનાં બીજનું આરોપણ થઇ ચૂકેલું. વર્ષ ૧૯૨૮માં કોલકાતામાં અખિલ ભારતીય કૉંગ્રેસના અધિવેશનમાં નેતાજી સુભાષચંદ્રને જોયા ત્યારથી લક્ષ્મીએ એમને આદર્શ માની લીધેલા. લક્ષ્મીના શબ્દોમાં સાંભળીએ:
વાત છે ૧૯૨૮ની. કૉંગ્રેસ સેવાદળના અધ્યક્ષ તરીકે નેતાજી સુભાષચંદ્ર બોઝને મેં પહેલી જ વાર જોયા. સેવાદળના સ્વયંસેવકો કોલકાતાના મેદાનમાં રોજ સવારે પરેડ કરતા. હું પણ પરેડ નિહાળતી. હું ત્યારે જ સમજી ગઈ કે સુભાષચંદ્ર બોઝ અન્ય નેતાઓથી જુદા છે. હું એવું માનતી હતી કે બ્રિટન જેવા ઘોર સામ્રાજ્યવાદી દેશને માત્ર સત્યાગ્રહથી ધ્વસ્ત નહીં કરી શકાય. એની હકાલપટ્ટી માટે બીજો રસ્તો જ અખત્યાર
કરવો રહ્યો.
આ બીજો રસ્તો એ ક્રાંતિનો. પણ ક્રાંતિના માર્ગે મંડાણ કરતાં પહેલાં લક્ષ્મીએ ૧૯૩૮માં મદ્રાસ મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યો. આ અરસામાં બીજા વિશ્ર્વયુદ્ધનો આરંભ થયો. ૧ સપ્ટેમ્બર ૧૯૩૯ના પોલેન્ડ પર આક્રમણ કરીને જર્મનીના તાનાશાહ હિટલરે બીજા વિશ્ર્વયુદ્ધનું બ્યૂગલ વગાડી દીધેલું. પોલેન્ડની સહાયતા માટે વચનબદ્ધ બ્રિટને પણ જર્મની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી દીધી. ભારતની બ્રિટિશ સરકાર પણ યુદ્ધમાં કૂદી પડી. એ સમયે અંગ્રેજોને ભારતીય સૈનિકોની સાથે ભારતીય ડૉક્ટરોની પણ ખૂબ જરૂર હતી. ભારતીય સેનાની મેડિકલ સર્વિસમાં મહિલા ડૉક્ટરોની ભરતી થવા લાગી. એ દિવસોમાં મદ્રાસમાં સૌથી વધુ મહિલા ડૉકટરો હતી. લક્ષ્મીને ભય પેઠો કે બળજબરીથી એની પણ ભરતી કરી દેવાશે. એમણે ભારત પર રાજ કરી રહેલા અંગ્રેજોની સેનાની સેવા કરવી નહોતી. સિંગાપુરમાં કેટલાક સંબંધીઓ રહેતાં હતા, એથી ડૉ. લક્ષ્મી ૧૯૩૯માં ત્યાં જતાં રહ્યાં. સિંગાપુરમાં તબીબ તરીકે કાર્યરત થયાં.
સિંગાપુરમાં લક્ષ્મીની મુલાકાત નેતાજી બોઝ સાથે થઇ. લક્ષ્મીએ ૧૯૨૮માં નિ:શસ્ત્ર નેતાજીને જોયેલા, પણ ૨ જુલાઈ ૧૯૪૩ આઝાદ હિંદ ફોજના સેનાનાયકના વેશમાં સશસ્ત્ર બોઝ પ્રતિભાશાળી જણાયા. અંગ્રેજો વિરુદ્ધ લડવામાં નેતાજીની સેના જાપાનીઓની સહાય કરી રહેલી. ૯ જુલાઈ ૧૯૪૩ના નેતાજીએ દરેક સશક્ત માણસને આઝાદ હિંદ ફોજમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. આ જ સભામાં રાણી ઝાંસી રેજિમેન્ટની કલ્પના પણ રજૂ થઇ.
લક્ષ્મીનું રોમરોમ પુલકિત થઇ ગયું. એ કોઈ પણ હિસાબે રાણી ઝાંસી રેજિમેન્ટમાં જોડાવા ઉત્સુક હતાં. નેતાજીએ લક્ષ્મીને જ પલટનની જવાબદારી સોંપી. ૧૪ જુલાઈ ૧૯૪૩થી લક્ષ્મીએ પલટનના કમાન્ડર અને સંગઠકના રૂપમાં કામ શરૂ કર્યું. યંગ ઇન્ડિયાના ૧૯ ડિસેમ્બર ૧૯૪૩ના અંકમાં પ્રકાશિત થયેલા અને સિંગાપુર આકાશવાણી પરથી પ્રસારિત થયેલા પોતાના ભાષણમાં લક્ષ્મીએ કહ્યું:
ભારતીય સ્ત્રી માટે હાથમાં શસ્ત્ર ઉપાડવાનું કોઈ નવી વાત નથી. ૧૮૫૭ના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં બ્રિટિશરો સાથે ટક્કર લેનારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને શી રીતે ભૂલાય? ભારતની આ સુપુત્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે નેતાજીએ સ્ત્રીઓની પલટનને રાણી ઝાંસી રેજિમેન્ટ નામ આપ્યું છે…અમારા સર્વશ્રેષ્ઠ નેતાએ આ યુદ્ધની ઘોષણા કરી છે ચલો દિલ્લી! દિલ્લીના લાલ કિલ્લા પર અમારા નેતાજી વિજયપતાકા લહેરાવશે અને વાઈસરોયના સ્થાનને પોતાના હસ્તક લઈને વિજયી સેનાની સલામી ઝીલશે. જય હિંદ..!
એ અરસામાં નેતાજી બોઝે આઝાદ હિંદ સરકારની ઘોષણા કરી. ડૉ. લક્ષ્મીને આ સરકારની કેબિનેટમાં મહિલા કલ્યાણ ખાતાનું મંત્રીપદ અપાયું. વિશ્ર્વમાં કોઈ સ્ત્રી સ્થાયી કે અસ્થાયી સરકારના મંત્રીમંડળમાં સભ્ય બની નહોતી. આવું બહુમાન મેળવનાર ડૉ. લક્ષ્મી કદાચ દુનિયાનાં પ્રથમ સ્ત્રી હતી. હવે લક્ષ્મી પર બે જવાબદારી હતી: મંત્રીપદ અને પલટનનું પ્રમુખપદ.
એક મ્યાનમાં બે તલવાર રાખીને લક્ષ્મી સુપેરે કામગીરી કરવા માંડી. એવામાં યુદ્ધ માટે બર્મા જવાનો આદેશ મળ્યો. લક્ષ્મીએ એક ટુકડીને રવાના કરી. પાછળ મહિલા પલટનના બે અધિકારી અને દસ જવાનોને લઈને બર્માના પહાડી સ્થળ મેમિયો જવા નીકળી પડ્યાં. દિવસના સૈનિક ટ્રકમાં મુસાફરી, જંગલમાં રસોઈ કરીને ખાવાનું. રાત્રે ટ્રકમાં સૂવાનું… મેમિયો પહોંચ્યાં. પ્રશિક્ષણ ફરી શરૂ થયું. બે મહિના ચાલ્યું. દરમિયાન દિવસે બોમ્બહુમલાઓ શરૂ થયા. મહિલા પલટન પાસે હવાઈ વિમાનો પર તાકવાની તોપો કે બંકરો નહોતી. એથી વિમાનોએ નીચા ઊતરીને છાવણીનો નાશ કર્યો. બધો સામાન નાશ પામ્યો હોવાથી ફોજના જવાનોના કપડાં લાવ્યાં. એને કાપીને રાણીઓનાં માપનાં વસ્ત્રો તૈયાર કર્યા. રાણીઓનો ગણવેશ જોધપુરી બ્રીચીઝ અને લાંબી બાંયના બ્લાઉઝ જેવું શર્ટ હતો. પુરુષ જવાનની જેમ પેન્ટશર્ટ બન્યો.
મેમિયોના મોરચા પર ઘણા સૈનિકો માર્યા ગયા. અતિસાર અને મેલેરિયાના દર્દીઓની સંખ્યા વધી ગઈ. કેપ્ટન લક્ષ્મી ડૉ. લક્ષ્મી બનીને ઉપચાર કરવા લાગી. દરમિયાન નેતાજીએ લક્ષ્મીને રંગૂન જવા આદેશ આપ્યો. પણ રંગૂનને રસ્તે ત્રણ સાથીઓ સહિત લક્ષ્મી અંગ્રેજોના સાણસામાં સપડાઈ. કેદ કરી લેવાઈ. એક મહિના પછી એને છોડી મુકાઈ. વર્ષ હતું ૧૯૪૫.
કેપ્ટન લક્ષ્મીને ૪ માર્ચ ૧૯૪૬ના વાયુસેનાના વિમાનમાં ભારત મોકલવામાં આવી. સિંગાપુરમાં પરિચયથી પરિણય થયેલો એ કર્નલ પ્રેમકુમાર સહગલ સાથે ૧૯૪૭માં લગ્નબંધને બંધાઈ. કાનપુરમાં બેય વસ્યાં. લક્ષ્મી સમાજસેવાનાં કાર્યોમાં પરોવાયાં. એમની સેવાઓને બિરદાવવા ભારત સરકારે ૧૯૯૮માં પદ્મવિભૂષણથી ડૉ. લક્ષ્મીને પુરસ્કૃત કર્યા. ૨૩ જુલાઈ ૨૦૧૨ના ૯૭ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી એમનું મૃત્યુ થયું. પણ આઝાદીના લડવૈયા તરીકે અમર થઇ ગયાં.
માભોમની આઝાદી કાજે શસ્ત્ર ઉઠાવનાર ઝાંસીની રાણી અને રાણી ઝાંસી પલટનની કેપ્ટન, બેયનાં નામ લક્ષ્મી જ હતાં એ કેવો અજબ યોગાનુયોગ છે!