Homeઉત્સવહળવા વિરામમાં છે સિંગલ - મિંગલ લોકોનું મંગલ!

હળવા વિરામમાં છે સિંગલ – મિંગલ લોકોનું મંગલ!

કેન્વાસ-અભિમન્યુ મોદી

મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા થતા નથી જોયા? નહીં જોયા હોય તો મમ્મી – પપ્પાની સાથે માથાકૂટ નથી થતી શું? પોતાના જ લાઇફ પાર્ટનર સાથે ઝઘડા નથી થતા? પાડોશીઓને પોતાના જ પરિવારમાં ઝઘડતા નથી સાંભળ્યા? પોતાનાં જ બાળકો સાથે સામસામે બોલવાનું નથી થતું? બાળકો મા – બાપથી નારાજ હોય કે મા – બાપને બાળકોના વર્તનથી ખોટું લાગે એવું નથી થતું? ઓકે. આજુબાજુના પરિસરની વાત મૂકીએ. બહારની દુનિયાની વાત કરીએ. દર અઠવાડિયે આપણે કેટલા ડિવોર્સ સાંભળીએ છીએ? મોટા મોટા હીરો – હિરોઈન લગ્ન કર્યાં પાંચ મહિના પછી કે પંદર વર્ષ પછી પણ છૂટા પડી જતાં હોય છે. ભલભલા નેતાઓ કે લેખકોની પણ મેરીડ લાઇફ આદર્શ નથી હોતી. કેટકેટલા કલાકારો કે સર્જકો એક તો શું બે કરતાં પણ વધુ વખત લગ્ન કરે છે. આવું કેમ થાય છે? કોર્ટમાં આવતા કેસોમાં અઢળક કેસો છૂટાછેડાના હોય છે અથવા તો લીવ-ઈન રિલેશનશીપમાં રહેતા કપલના ઝઘડાના હોય છે.
કેમ આવું થાય છે? માણસને માણસ સાથે ફાવતું કેમ નથી? એ પણ એવા માણસ સાથે જેને એ પ્રેમ કરે છે એવું એક સમયે માનતા. જે પોતાનું છે તે જગજાહેર કરેલું છે. જેની સાથે આજીવન રહેવાના કોલ આપેલા કે જનમોજનમના વાયદા નીભાવેલા. જેની સાથે નામ રેશન કાર્ડમાં છે, જેનું નામ આધાર કાર્ડમાં પાછળ લાગે છે, જેના ફોટોઝ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં છે, જે સ્વજન છે, આપ્તજન છે, પરિવારનું સભ્ય છે, જેને દિલ આપેલું છે એ જ દુશ્મન કેમ લાગવા માંડે છે? ક્યારેય વિચાર્યું છે? કે આવું શીદને થાય છે? ફૂલગુલાબી સંબંધ કાંટાળી વાડ બની જાય છે? આ સવાલ અઘરો છે. સમાજશાસ્ત્ર, માનવ સંસ્કૃતિ અને મનોવિજ્ઞાન એમ ત્રણેય શાખાએ મળીને તેનો જવાબ આપવો પડે, પરંતુ ડિરેક્ટર સંદીપ પટેલ તેનો જવાબ બહુ સરળ રીતે માતૃભાષામાં આપે છે. ઓમ મંગલમ્ સિંગલમ્ ફિલ્મ દ્વારા.
રિલેશનમાં આવતાં વિઘ્નોના આ સવાલોનો જવાબ એક જ શબ્દમાં જવાબ મળે છે : પોઝ. પ્લેના બટનની સાથે પોઝ આવે ને? એ પોઝ. સતત પ્લે મોડ ઉપર રહેતા રિલેશનમાં પોઝનું બટન રાખવું અને તેનો ઉપયોગ કરવો આવશ્યક જ નહિ અનિવાર્ય છે. મનોવિજ્ઞાનનું શાસ્ત્ર કહે છે કે ગમે તેવો પ્રેમ બે વ્યક્તિ વચ્ચે હોય, તેમણે દર થોડા અંતરાલે સંબંધમાંથી થોડો પોઝ લેવો જોઈએ. થોડા દિવસો દૂર રહેવું જોઈએ. સતત સાનિધ્યની વેલ્યૂ નથી રહેતી જો વચ્ચે વચ્ચે એકાંતને જગ્યા ન મળે તો. અતિરેક વિનાશ નોતરે. વડવાઓ એટલે જ અતિને ગતિ નહીં એવું કહેતા. દોરીની ગાંઠ જો લાંબો સમય સુધી યથાવત રહે તો દોરીનો આકાર કાયમ માટે બદલાઈ જાય. નિશાન રહે જ. આ મડાગાંઠ કાયમ માટે ન બંધાઈ જાય એના માટે દોરીના દરેક રેસાને થોડો સમય મુક્તિ આપવી પડે.
ઓમ મંગલમ્ સિંગલમ્ બ્રેક – અપની વાત નથી કરતું. એ કપલને થોડો સમય માટે પોઝ લેવાનું કહે છે, અમુક સમજદારી સાથે થોડા દિવસો છૂટા રહેવાનું કહે છે. નાનપણથી સતત સાથે રહેતા હોય એવા કપલને ખબર છે ખરી કે સિંગલ લાઇફ શું છે? સતત પોતાને કોઈની સાથે જોડાયેલા જ રાખીને વિચાર્યું હોય ત્યારે પોતાની અસલી જાત થોડી ખોવાઈ ગઈ હોય છે, આડે હાથે મુકાઈ ગઈ હોય છે. ખરેખર આપણું મન શું ચાહે છે, શું ઈચ્છે છે, શું કરવા ધારે છે એ અહેસાસ કરવા માટે પણ એકલા રહેવું પડે. સુંદર વાર્તા સાથે આ જ વાત આ ગુજરાતી ફિલ્મમાં કરી છે. સાયકોલોજીનો બહુ અઘરો ટોપિક લઈને એક ગુજરાતી ફિલ્મ બનાવવી એના માટે હિંમત જોઈએ. બ્રેવો, આરતી સંદીપ પટેલ!
ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ વાળી દરેક પ્રોડક્ટ વચ્ચે ટ્રાઇડ, ટ્રાઇડ અને ટેસ્ટેડ લખાઈને આવવું જોઈએ. સ્ટાર્ટ અને સ્ટોપ બટન વચ્ચે પોઝ બટન ફક્ત ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં જ નહિ, લાઈફ વત્તા રિલેશનમાં પણ આવવું જોઈએ. એકસો આડત્રીસ સેક્ધડ્સ વાળા સિગ્નલ પર ઊભા રહીને એક શાંતિનો અનુભવ થયો ત્યાં કોઈએ હોર્ન માર્યું ને ટોળામાં ભળી જતી વખતે વિચાર આવ્યો કે કેટલો જરૂરી પોઝ હતો આ, ત્રણ મિનિટ કરતાં ઓછાં સમયનો આ પોઝ જો મનમાં ચાલતાં અવિરામ યુદ્ધ માટે ઈજન બનતો હોય તો એકાદ મોટો પોઝ કેમ ન મળે?!!
સતત ભાગદોડ, સતત ભીડ, સતત ભીંસ ને એમાં જો ક્યારેય એકાદ ભીંત મળી જાય તો ટેકો દેવાનું મન ન થઈ આવે?!! રૂટિન લાઈફમાંથી કંટાળીને ફરવા જઈએ ત્યાં ભીડ, જમવા જઈએ ત્યાં વેઇટિંગ, દુર્ઘટના વખતે માણસ ભાગે તો હૉસ્પિટલમાં ખાટલા ફૂલ, સવારે ટ્રાફિક, સાંજે છૂટીને નીકળી ત્યારે ટ્રાફિક, રાત્રે ગાંઠિયા ખાવા જઈએ ત્યાં ટેબલ પેક; સતત, અવિરત, અસ્ખલિત પ્રવાહ જાણે વહ્યા જ કરે, વહ્યા જ કરે. આ બધાની વચ્ચે આપણી પાસે બે જ બટન છે; પ્લે એન્ડ સ્ટોપ. સ્ટોપ મીન્સ ધી એન્ડ. જે કોઈને જોઈતો નથી. જિંદગી એક છે એટલે ભરપૂર માણી લેવી છે પણ મશીન હોય કે માણસ થાક તો લાગે જ છે. પગ નથી થાકતાં ત્યારે મન થાકે છે ને મન નથી થાકતું ત્યારે કોઈ બીજું આપણાંથી થાકી જાય છે. પ્લે બટન તો આપણી ઈચ્છા જાણ્યા વગર કે આપણી પરમિશન વગર શરૂ થઈ જ ગયું છે ને!
કોરોના વખતે બધું થંભી ગયું ત્યારે મેં જ ગાઈ વગાડીને ફકરા ફેંકેલા કે બહુ સૂનું સૂનું લાગે છે, પરંતુ આજે સમજાય છે કે કોઈ જાનહાનિ કે નુકસાન વગર કશુંક ક્યારેક અટકી જાય તો ઘણું બધું ફરી દોડવા લાગે. કેમ માણસ એકાંત ઝંખે છે, ઝનૂન વાળા પ્રેમને બદલે સુકુન વાળી દોસ્તીને પ્રાયોરિટી આપે છે, તોફાની દરિયાને બદલે શાંત વહેતી નદી પસંદ કરે છે, વહેલી સવાર અને અડધી રાતે વાંચવું પસંદ કરે, કામ અને મનોરંજન વચ્ચે અધ્યાત્મ તરફ વળે, જાણેલી જાત અને અજાણી નાત વચ્ચે જાણીતી રાતના સાથી તરફ ઢળે?!! એ પોરો ખાવા જે દરેક બચપણની રમતો વખતે ટાઈમ પ્લીઝ કરીને આપણે ખાઈ લેતાં.
બાળકોને સ્કૂલમાં વેકેશન જોઈએ, ગૃહિણીને રસોડામાંથી રજા જોઈએ, કર્મચારીઓને નોકરીમાંથી આરામ જોઈએ, ધંધાર્થીને ધંધામાંથી સમય જોઈએ, કલાકારને વધુ ક્રિએટિવ બનવા શાંતિ જોઈએ, ગર્લ ફ્રેન્ડ/બોય ફ્રેન્ડની છાતીમાં મળતાં નશા વચ્ચે પણ માનો ખોળો ને બાપનો ખભો જોઈએ, શ્ર્વાસ ઉચ્છવાસ વચ્ચે શ્ર્વાસ લેવા સમય જોઈએ અને જે જોઈએ છે એ જોઈએ જ છે; મળે છે કે નથી મળતું એ પછીનો પ્રશ્ર્ન છે. હકીકતમાં આવી શાંતિ કે સમય મળે છે ખરો એ સવાલનો ઉત્તર મેળવવાની મથામણ કરવા માટે પણ કદાચ જે શાંતિ ને સમય જોઈએ તે મળતો નથી એ પણ હકીકત છે. ગુજરાતી વિષયમાં એક પાઠ આવતો અવિરામ યુદ્ધ!! જે રોકવા સવાલ થયો તેનો જવાબ મળ્યો નહોતો પણ એ જવાબ આરોહીની આ ફિલ્મમાં મળ્યો. વિરામ જરૂરી છે. યુદ્ધ હોય કે પ્રેમ સંબંધ, પોઝ જરૂરી છે.
મનમાં સતત એક લડાઈ ચાલતી હોય. એ કચડાય, પછડાય, વીંધાય, ફરી ઊઠે ને ફરી ઊગે. કોઈ કહે કે ન કહે પણ સતત ઉદ્વેગમાં રહેતો માણસ એક એવો આશ્રમ ઝંખ્યા કરે છે જે આ પ્રવાસમાં વિશ્રામ બક્ષે.
ખરાં અર્થમાં પોઝ બટન મળે છે ખરું? ફ્રેશનેસ માટે થતાં કાર્યો સ્ટ્રેસલેસ બને છે ખરાં? તન, મન, ધનથી જોતરાઈ ગયેલો માણસ જિંદગી અને રિલેશનમાં અંત પહેલાં પરમ શાંતિ મળે તેવી ક્ષણો પામવા જેટલો સક્ષમ છે ખરો? જો આમાંથી કોઈ સવાલનો જવાબ આજની તારીખમાં કે નજીકનાં ભવિષ્યમાં પણ હકારમાં મળી શકતો હોય તો આ ભવનો ફેરો સફળ!! બાકી જૈસે થે, સંબંધના વપરાશ અને વેડફાટ વચ્ચે એક વિરામ મળી રહે તેવી શુભેચ્છા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular