કેન્વાસ – અભિમન્યુ મોદી
ઇમરાન ખાન માટેનું અરેસ્ટ વોરંટ નીકળી ચૂક્યું છે. કોર્ટ હજુ નક્કી નથી કરી રહી પણ ઇમરાનની ધરપકડ થઈ શકે છે. ઇમરાન વાજતે ગાજતે ફૂલ ટુ શક્તિ પ્રદર્શન સાથે ન્યાયાલયમાં હાજરી પુરાવવા જતા હોય છે. હવે ઇમરાન ખાનના એક નેતા તરીકે કે એક પબ્લિક ફિગર તરીકે પણ વળતા પાણી શરૂ થયા છે. જો કે પાકિસ્તાનના કયા શાસકને સત્તાકાળ પૂરો થયા પછી શાંતિ મળી છે? પાકિસ્તાન ખુદ પોતાના જે તે ભૂતપૂર્વ શાસકનો ભોગ લઈ લેવાની પરંપરા ધરાવે છે.
અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાનોએ જુદા જુદા મંત્રાલયો બનાવ્યાં છે. આ મંત્રાલયોમાં સંરક્ષણ, ન્યાય, માહિતી, નાણાં, શિક્ષણ અને ફતવા બહાર પાડવાના વિભાગની રચના કરી છે. પાકિસ્તાન પર કબજો મેળવવા માટે તાલિબાનોએ પાકિસ્તાનને બે ભાગમાં વહેંચ્યું છે. એક ભાગ એવો છે જ્યાં તાલિબાનોનું વર્ચસ્વ છે. બીજો ભાગ એવો છે જેના પર કબજો મેળવવા માટે તાલિબાનોએ લાંબો સંઘર્ષ કરવો પડે એમ છે. બંને માટે તાલિબાનોએ અલગ અલગ રણનીતિ બનાવી છે. અફઘાનિસ્તાનની બોર્ડરને અડીને જે વિસ્તારો આવેલા છે ત્યાં તાલિબાનોની ધાક પ્રવર્તે છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં તાલિબાનો પોતાનું ધાર્યું કરે છે. તાલિબાનોએ જે સંરક્ષણ વિભાગ બનાવ્યો છે તેની અંડરમાં જ સ્યૂસાઇડ સ્કવોડની રચના કરી છે.
પાકિસ્તાનમાં ગત ૧૧મી એપ્રિલ ૨૦૨૨ના રોજ ઇમરાન ખાનની સરકારને ગબડાવીને શહેબાઝ શરીફ વડા પ્રધાન બન્યા ત્યારે શાહબાઝે તાલિબાનો સાથે શાંતિ સમજૂતી કરી હતી. બંનેએ એવું નક્કી કર્યું હતું કે, આતંકવાદીઓ હુમલાઓ નહીં કરે અને પાકિસ્તાનની પોલીસ કે સેના આતંકવાદીઓને નિશાન નહીં બનાવે. આ ખોખલી સમજૂતી ગયા જ વર્ષે નવેમ્બર માસમાં તૂટી ગઇ હતી. પાકિસ્તાનની સેનાના જવાનોએ તાલિબાનોના આતંકવાદીઓ પર હુમલા કર્યા એટલે તાલિબાનોએ પણ વળતો પ્રહાર કર્યો. થોડા સમય માટે તો યુદ્ધ ચાલતું હોય એવાં દ્રશ્યો સર્જાયાં. આ સંઘર્ષમાં પાકિસ્તાનના સાત નિર્દોષ નાગરિકો અને ૧૭ સૈનિકોનાં મોત થયાં હતાં. સામાપક્ષે અફઘાનિસ્તાનનો વાળ પણ વાંકો ન થયો. આ ઘટના બાદ તાલિબાનને કોઈ પણ ભોગ પાકિસ્તાનની ભૂમિ પર પોતાની રાજગાદી સ્થાપવી છે. જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબ્જો કર્યો હતો એ સમયે કતાર, દુબઇ, ઇન્ડોનેશિયા,તૂર્કી, ઈરાન, યુએઈ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, બેહરિન, મોરોક્કો અને સુદાન સહિતનાં મુસ્લિમ રાષ્ટ્રોએ તેની પ્રશંસા કરી હતી અને પાકિસ્તાન-તાલિબાનની જેમ મિત્રતા રાખવાની સૂફિયાણી સલાહ વૈશ્ર્ચિક મંચ પર આપી હતી. હવે પાકિસ્તાન અને તાલિબાન આમને સામને તથા મુસ્લિમ રાષ્ટ્રોની એકતાનો ફુગ્ગો ફૂટ્યો હોય તેવું લાગી રહ્યું છે. મુસ્લિમ
રાષ્ટ્રોના આવા માટીપગા વલણથી વિશ્ર્વભરના સામાન્ય મુસ્લિમો આઘાતમાં છે.
પૂર્વ તૂર્કિસ્તાન નેશનલ અવેકનિંગ મૂવમેન્ટના સ્થાપક સોલેહ હૂદિયારી બન્ને રાષ્ટ્રોના વલણથી નારાજ છે. હૂદિયારીનો આક્રોશ વાજબી છે. ધર્મના નામે ઇસ્લામિક એકતાનો મુસ્લિમ રાષ્ટ્રોનો દાવો એક દંભથી વધુ કંઇ નથી.
કાશ્મીરમાં મુસ્લિમો પરના કથિત અત્યાચારો અને ભારતમાં થતા મુસ્લિમોના કથિત દમન અંગે રાત-દિવસ હોબાળો મચાવતા પાકિસ્તાનનો અસલી ચહેરો ઉઘાડો પડ્યો ત્યારે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને મૂંગું થઈ ગયું! ખાસ તો પાકિસ્તાનની સેના અને આઈએસઆઈના નવા પ્રમુખ જનરલ અસીમ મુનીર ક્યાં ગયા? તેના આગમનથી ચર્ચા બજાર ગરમ થયું હતું કે, મુનીર ભારત વિરોધી છે અને તાલિબાનો સાથે મળીને આતંકનો મેળો ઉત્પન્ન કરશે.મુનીર તો જાણે આતંકનો માતમ મનાવી રહ્યા હોય તેમ ખોવાઈ ગયા છે. પાકિસ્તાની મીડિયાના સવાલોથી બચવા તેઓ પોતાના મુખ પર ‘નો કમેન્ટ’નું માસ્ક પહેરીને ફરી રહ્યા છે. પોતે શું બોલે છે? ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી ઉર્ફે પિંકી પીરનીનો ઓડિયો લીક થયા બાદ પાકિસ્તાની સેનાના પૂર્વ અધિકારી મેજર આદિલ રઝાએ આરોપ લગાવ્યો છે કે દેશની સેનાના જનરલ કવર જાવેદ બાજવા અને મુનીર પાકિસ્તાની અભિનેત્રીઓનો ઉપયોગ કરીને હનીટ્રેપ કૌભાંડ ચલાવે છે. પાકિસ્તાનની નામાંકિત અભિનેત્રી તો દેહવિક્રયનયા વ્યવસાયમાં પણ જોડાઈ ગઈ છે અને તેમાં મુનીરનો જ હાથ છે. સામે પક્ષે તાલિબાનો ત્રાટક કરી રહ્યા છે. પાકિસ્તાનમાં તો જાણે એક સાંધે અને ૧૩ તૂટે તેવી સ્થિતિ છે.
આ વિષમ કાળમાં પાકિસ્તાન પ્રમુખને ચૂંટણીનો પણ સામનો કરવાનો છે. શહેબાઝ શરીફ પ્રત્યે પાકિસ્તાની પ્રજાનું વલણ કેવું અને કેટલું જલદ છે તેની પ્રતીતિ સોશિયલ મીડિયા પર થતી રહે છે ત્યારે પાકિસ્તાનની શાખ બચાવવા અને તાલિબાન સહિત ત્રણેય મોરચે લડવા શહેબાઝ શરીફ બદમાશ બનશે! કે પાકિસ્તાન પર તાલિબાનનું શાસન સ્થપાશે! એ તો આવનારો સમય જ બતાવશે.ઉ