Homeઆમચી મુંબઈસાવરકર અને હિન્દુત્વ જેવા વૈચારિક મુદ્દામાં સમાધાન નહીં થાય: રાઉત

સાવરકર અને હિન્દુત્વ જેવા વૈચારિક મુદ્દામાં સમાધાન નહીં થાય: રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે મંગળવારે કહ્યું હતું કે સાવરકરના સન્માન અને હિન્દુત્વ જેવા વૈચારિક મુદ્દા પર તેમનો પક્ષ કોઈપણ જાતનું સમાધાન કરશે નહીં, પછી ભલે તેઓ મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષ કેમ ન હોય.
તેમણે એવી પણ ટિપ્પણી કરી હતી કે ભાજપ સાથે મતભેદો હોવા છતાં વર્ષો સુધી યુતિમાં સાથે રહ્યા હતા અને સારું કામ કર્યું હતું.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના કેટલાક મુદ્દાઓ પર કોઈપણ જાતનું સમાધાન કરશે નહીં. જેમાં વીર સાવરકરના સન્માન અને હિન્દુત્વના મુદ્દાનો સમાવેશ થાય છે. અમારી પાર્ટી એક વિચારધારા પર આધારિત છે અને અમે તેને પડતા મુકવા તૈયાર નથી.
ગયા અઠવાડિયે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સાવરકર અંગે કેટલીક અપમાનજનક ટિપ્પણી કરી હતી ત્યારબાદ શિવસેનાએ પોતાની ભૂમિકા બચાવાત્મક રાખી હતી.
રાઉતે ચેતવણી આપી હતી કે સાવરકર અંગેની આવી ટિપ્પણી મહાવિકાસ આઘાડીમાં તિરાડ ઊભી કરી શકે છે.
એક પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ ગઠબંધન જો લોકોને આવશ્યક જણાશે તો લાંબા સમય માટે અકબંધ રહેશે. જો લોકશાહી, આઝાદી અને બંધારણને સુરક્ષિત રાખવું હોય તો આપણે સલાથે આવવાની આવશ્યકતા છે, એમ પણ રાઉતે કહ્યું હતું.
મંગળવારે દિલ્હીમાં રાઉતે કહ્યું હતું કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી-વાડ્રા અને અન્ય કૉંંગ્રેસી નેતાઓ સાથે વાટાઘાટો કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે સંકળાયલા વિવાદને મુદ્દે તેમણે કહ્યું હતું કે રાજ્યમાંથી અત્યારે કોશ્યારીને પાછા બોલાવી લેવાની માગણી જોર પકડી રહી છે.
ભાજપ અમને સવાલ કરે છે કે સાવરકરનું અપમાન તમે સહન કરશો? હવે અમે તેમને સામો સવાલ કરીએ છીએ કે તમારા રાજ્યપાલ કેવી રીતે છત્રપતિ શિવાજી મહારાજ અંગે આવી ટિપ્પણી કરી શકે છે, ત્યારે તેમની બોલતી બંધ થઈ ગઈ છે.
ભાજપના કાર્યકાળ દરમિયાન જે રાજ્યપાલો નિયુક્ત કરવામાં આવ્યા છે તે બધા જ આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પ્રચારકો છે. રાજ્યપાલ બન્યા પછી તેમણે નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular