અધૂરી ઇચ્છાઓની પૂર્તિ માટે મેનિફેસ્ટેશન ટેક્નિકનું કેટલાક લોકોને ઘેલું લાગ્યું છે. જે ઇચ્છતા હોય એને માનસપટલ પર માત્ર દૃશ્ય રૂપે જોવાથી એની પ્રાપ્તિ સંભવ છે ખરી? મેનિફેસ્ટેશન શું છે અને એ ખરેખર ઉપયોગી છે કે નહીં એ સમજવાનો એક પ્રયાસ
કવર સ્ટોરી -ગીતા માણેક
કારા ડેલવીન નામની અંગ્રેજ મોડેલ પોતાના નવજાત શિશુ માટે શોપિંગ માટે નીકળી પડી હતી. તેણે પોતાના બાળક માટે જાંબલી કલરના અને એના પર સિંહનો ફોટો હોય એવા ટચુકડાં મોજાં તેમ જ કપડાં સુધ્ધાં ખરીદ્યા. મા પોતાના બાળક માટે ખરીદી કરે એમાં અજુગતું શું છે એવું જો તમને લાગતું હોય તો કહી દઈએ કે કારા ડેલવીને ન તો કોઈ બાળકને જન્મ આપ્યો છે કે ન તો તે ગર્ભવતી છે. તે હજુ પરણી પણ નથી. વાત જાણે એમ છે કે આ મોડેલ એવું માને છે કે આપણે જે મેનિફેસ્ટ કરીએ એટલે કે વિચારીએ અને માનસપટલ પર દૃશ્યરૂપે જોઈએ તે આપણને મળે જ છે. આ બહેન ઇચ્છે છે કે ભવિષ્યમાં તેને બાળકો જોઈએ છે એટલે અત્યારથી જેનું અસ્તિત્વ જ નથી એ બાળક માટે અત્યારે શોપિંગ કરી રહ્યા છે!
આવું માનનારી તે એકલદોકલ નથી પણ છેલ્લા થોડા સમયથી માંગ્યુ મેળવવા માટે મેનિફેસ્ટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે જે ઘેલછાની હદે પહોંચ્યો છે. મેનિફેસ્ટ એટલે કે તમને જેની ઝંખના હોય, જે કંઈ મેળવવું હોય એ બંધ આંખે નજર સામે દૃશ્ય સ્વરૂપે લાવવું અને તમને એ મળી રહ્યું છે એવી ભાવના કરવી. જો કે આમાં અનેક લોકો પોતપોતાની રીતે ફેરફાર કરીને આ જ પ્રકારની વાતો કરતા હોય છે. કેટલાક કહે છે કે તમારે જે મેળવવું હોય એ તમારે પેન-કાગળ લઈને લખવું, રાતે સૂતાં પહેલાં તમારો છેલ્લો વિચાર એ હોવો જોઈએ કે મને અમુક વસ્તુ કે વ્યક્તિ મળે અથવા જે કંઈ તમને જોઈતું હોય એના વિશે એકાગ્ર ચિત્તે વિચારતા-વિચારતા સૂઈ જવું. આવી જાતભાતની ટેક્નિક શીખવનારાઓ વાસ્તવિક જીવનમાં અને ઇન્ટરનેટની બજારમાં ફૂટી નીકળ્યા છે.
જો મેનિફેસ્ટેશન ટેક્નિક એવું ગૂગલ પર સર્ચ કરશો તો લગભગ ૧૧,૮૦,૦૦૦૦૦ (અગિયાર કરોડ એંશી લાખ) જેટલી વેબસાઇટના સૂચનો આવશે. આના પરથી અંદાજ મેળવી શકાય કે કેટલાં લોકો આ મેનિફેસ્ટેશનના રવાડે ચડ્યા હશે!
આમ તો ૨૦૦૬માં ‘ધ સિક્રેટ’નામનું પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી આ ક્રેઝની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. આ લોકપ્રિય થયેલા પુસ્તકમાં મેનિફેસ્ટેશન ટેકનિકની વાત થઈ હતી. ત્યારબાદ મેનિફેસ્ટેશન ગુરુઓની ભરમાર શરુ થઈ રહી છે. કેટલાંક ખૂબ જ પ્રસિદ્ધ ગુરુઓ પણ આ ટેકનિક વિશે વાત કરવા માંડ્યા છે.
એક મેનિફેસ્ટેશન ગુરુ કહે છે આ બધું વાઇબ્રેશન એટલે કે તરંગો પર આધારિત છે. તેઓ કહે છે કે મારી પાસે આવનારી વ્યક્તિઓને હું કહું છું કે તમે જે મેળવવા ઇચ્છતા હો એ મેળવી શકતા નથી કારણ કે એના માટે તેઓ પોતાની ઊર્જાને કામે લગાડતા નથી. જે જોઈએ છે એના વિશે સ્પષ્ટ હોતા નથી. તેઓ શીખવે છે કે નાનામાં નાની બાબતો સહિત તમારા લક્ષ્યને તમારા માનસપટલ પર જુઓ, શ્રદ્ધા રાખો અને સકારાત્મક નિશ્ર્ચય કરો અથવા એને કાગળ પર લખો. આવું બધું કરવાથી જે ઇચ્છો એ મેળવી શકાય છે એવો દાવો ઘણા મેનિફેસ્ટેશન ગુરુઓ કરે છે.
પોતે જેને પ્રેમ કરતા હોય કે ચાહતા હોય એવી ગર્લફ્રેંડ કે બોયફ્રેંડ મેળવવા માટે પણ ઘણા યુવાન-યુવતીઓ અને આધેડ વયના લોકો પણ મેનિફેસ્ટેશન દ્વારા પોતાનું પ્રિય પાત્ર જિંદગીમાં આવે એ માટે આ ટેક્નિકનો સહારો લેવા માંડ્યા છે.
મેનિફેસ્ટેશન ટેકનિકની ખરેખર અસર થાય છે કે નહીં અને આપણે જે ધારીએ એ પ્રાપ્ત કરી શકીએ કે કેમ એ અંગેના ચોક્કસ આંકડાંઓ ઉપલબ્ધ નથી, પરંતુ આ ટેક્નિક લોકોને શીખવીને સફળતા અપાવવાનો દાવો કરતા ઘણાં બધા બની બેઠેલા ગુરુઓ ચોક્કસ માલામાલ થઈ ગયા છે.
જાણીતા મનોચિકિત્સક મુકુલ ચોકસી કહે છે કે મનોવિજ્ઞાનમાં સકારાત્મક કલ્પના નામની બાબત છે. જેમનો આત્મવિશ્ર્વાસ તળિયે ગયો હોય કે બહુ જ નાનપ અનુભવતા હોય એવા દર્દીઓ માટે અમે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે, કોઈ વિદ્યાર્થીને લાગતું હોય કે તેને કંઈ આવડતું નથી ત્યારે અમે તેની સંકલ્પશક્તિ જાગૃત કરવા માટે એ પ્રકારની કલ્પના કરવાનું કહીએ છીએ કે તું પરીક્ષા લખી રહ્યો છે અને તને બધા જ પ્રશ્ર્નોના જવાબ આવડી રહ્યા છે. અથવા તારું રિઝલ્ટ આવ્યું છે અને તું ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો છે. પરંતુ જે રીતની મેનિફેસ્ટેશનની ટેક્નિકનો રાફડો ફાટ્યો છે એ ખરેખર જોખમકારક છે. દાખલા તરીકે કોઈ રાજકીય પાર્ટીનો સામાન્ય કાર્યકર હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી છું કે તેમની ખુરશી પર બેઠો છું એવી કલ્પના માનસપટ પર લાવે તો તેને માનસિક રોગ કહેવાય.
આપણે ત્યાં સંકલ્પશક્તિની વાત કંઈ નવી નથી. પરંતુ સંકલ્પ પોતાની મર્યાદામાં રહીને અને વાસ્તવિક ભૂમિ પર રહીને કરવાનો હોય છે. સંકલ્પશક્તિ આપણી ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે હોય છે. પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે કલ્પનાના હવાઈ કિલ્લાઓ રચવા માંડીએ. કોઈ સામાન્ય બિઝનેસમેન પોતાનો ધંધો વિકસાવવાની કલ્પના કરે એ સમજી શકાય પણ એ સીધો એમ જ વિચારે કે હવે હું અંબાણી કે અદાણી થઈ જાઉં તો તે અવાસ્તવિક બાબત છે. એનો મતલબ એવો નથી કે કોઈ એટલા ઊંચા શિખર પર પહોંચી ન શકે પણ એના માટે માત્ર મેનિફેસ્ટેશન નહીં બીજી ઘણી બધી બાબતોની આવશ્યકતા હોય છે. ડો. મુકુલ ચોકસી કહે છે કે આવા અવાસ્તિવક મેનિફેસ્ટેશન લોકોને માનસિક દર્દી બનાવી શકે છે.
આમ જુઓ તો મેનિફેસ્ટેશન ટેક્નિકના નામે જે વેપલો ચાલી રહ્યો છે એ વાત આપણા શાસ્ત્રોમાંથી જ તફડાવેલી છે. વિજ્ઞાન ભૈરવ તંત્રમાં આ પ્રકારની એક ધ્યાન
વિધિ છે. વિજ્ઞાન ભૈરવ તંત્ર એ મહાદેવ અને તેમના પત્ની પાર્વતીજી વચ્ચેના સંવાદનો ગ્રંથ છે. જેમાં પરમાત્માની પ્રાપ્તિ અથવા જેને આત્મસાક્ષાત્કાર કહેવાય છે એના માટે શંકર ભગવાને કુલ ૧૧૨ ધ્યાન વિધિઓ આપી છે. એમાંની એક વિધિને મેનિફેસ્ટેશનનું રૂપાળા અંગ્રેજી નામ સાથે વેચવામાં આવી રહ્યું છે. એ ધ્યાન વિધિમાં સાધક પોતાના ઇષ્ટના દર્શન કરી રહ્યો છે, તેની પૂજા કરી રહ્યો છે એ પ્રકારની આધ્યાત્મિક અથવા સાધનામાં સહાયક બાબતોની ધારણા કરવાનું શીખવવામાં આવ્યું છે. એ આખી વિધિને સમજ્યા વિના અને તે જે હેતુથી આપવામાં આવી છે એને બાજુએ મૂકીને પૈસા, બોયફ્રેંડ-ગર્લફ્રેંડ, મકાન કે સંપત્તિ મેળવવા માટે તેનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે.
એ વાત સાચી છે કે આખા વિશ્ર્વમાં જે કંઈ પણ બની રહ્યું છે એ કોઈક વ્યક્તિના વિચારનું જ પરિણામ છે, પરંતુ સત્ય એ છે કે માત્ર વિચાર કે માનસપટ પર તેનું વિઝ્યુલાઇઝેશન કરવાથી પ્રાપ્તિ થતી નથી. એ સિવાયના પણ ઘણાંબધા પાસાંઓ છે જેમ કે જે જોઈતું હોય એને પામવા માટે પરિશ્રમ કરવો, એને લગતી માહિતી તેમ જ શિક્ષણ મેળવવું વગેરે. આ સિવાય વ્યક્તિનું પ્રારબ્ધ પણ ઘણી મોટી ભૂમિકા ભજવતું હોય છે.
વિજ્ઞાન ભૈરવ તંત્ર જેવા આધ્યાત્મિક ગ્રંથમાં આ વિધિ એવા સાધક માટે આપવામાં આવી છે જે વૈરાગ્યપૂર્ણ છે, જે આ બધી સાંસારિક મોહમાયામાંથી મુક્ત થયો છે અને જેનું લક્ષ્ય પરમાત્મા પ્રાપ્તિ છે. કેટલાંક મોર્ડન એઇજ ગુરુઓ પોતાના સ્વાર્થ માટે આવી વિધિઓનો અધકચરો અને આડેધડ ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે.