એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ગુજરાતમાં અંતે તમામ સ્કૂલોમાં ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી ફરજિયાત ભણાવવાનો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર થઈ ગયો. આ ખરડા પર રાજ્યપાલની સહી થાય એટલે કાયદો બની જશે ને જૂનથી શરૂ થતા ૨૦૨૩-૨૪ના નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ પણ થઈ જશે. ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી તમામ શાળાઓ ઉપરાંત અંગ્રેજી માધ્યમની સીબીએસઈ સાથે તથા ઇન્ટરનેશનલ બોર્જ સાથે સંકળાયેલી શાળાઓને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.
રાજ્ય સરકારે પસાર કરેલા ખરડાની જોગવાઈઓ પ્રમાણે, ગુજરાતમાં ચાલતી તમામ સ્કૂલે ધોરણ ૧થી ધોરણ-૮ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવી પડશે ને જે સ્કૂલ ચૂક કરશે તેને આકરો દંડ થશે. સ્કૂલની માન્યતા પણ રદ થઈ શકે છે. ફરજિયાત ગુજરાતી ભણાવવાના નિયમનો પ્રથમ વખત ભંગ કરવા બદલ રૂપિયા ૫૦,૦૦૦નો દંડ થશે જ્યારે બીજી વખત ભંગ બાદ એક લાખ રૂપિયાનો દંડ થશે. ત્રીજી વાર નિયમ ભંગ કર્યો તો બે લાખ રૂપિયાનો દંડ થશે.
જો ચોથી વખત નિયમનો ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ થશે. દરેક બોર્ડની સ્કૂલને આ કાયદો લાગુ કરાશે અને વારંવાર દંડ છતાં સ્કૂલ ના માને તો દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ કરાઈ છે. આ કાયદાના અમલ માટે અલગ તંત્ર ઊભું કરાશે કે જે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવાય છે કે નહીં તેના પર નજર રાખશે. ગ્રાન્ટેડ સ્કૂલો ગુજરાતી ના ભણાવે તો તેમની ગ્રાન્ટ બંધ કરી દેવાશે.
ગુજરાતમાં ગુજરાતી મુખ્ય ભાષા છે અને ગુજરાતમાં રહેનારાં મોટાભાગનાં લોકોની માતૃભાષા પણ ગુજરાતી છે. આમ છતાં ગુજરાતમાં ગુજરાતી ભાષાની કોઈ કિંમત જ નથી. સરકારી શાળાઓમાં તો ફરજિયાત ગુજરાતી ભણાવવી જ પડે કેમ કે મોટાભાગની સરકારી સ્કૂલોમાં ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ અપાય છે પણ બીજી સ્કૂલોમાં ગુજરાતી ભણાવાતું નથી. ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં મોટા ભાગની ખાનગી શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે પણ શીખવવામાં આવતી નથી.
આ સ્થિતિ શરમજનક કહેવાય ને ગુજરાત સરકાર આ શરમજનક સ્થિતિને દૂર કરવા માટે કાયદો બનાવે એ સારું જ છે. ગુજરાતીઓને માતૃભાષાનું શિક્ષણ આપવાના કોઈ પણ પ્રયાસ સરાહનિય જ કહેવાય પણ સવાલ પ્રયાસનો નથી, આ પ્રયાસની ગંભીરતાનો છે. સવાલ એ છે કે, કાયદો લાવ્યા પછી પણ ગુજરાત સરકાર ગુજરાતની શાળાઓને ગુજરાતી ભાષા ફરજિયાતપણે શીખવવાની ફરજ પાડી શકશે ખરી?
આ સવાલનો જવાબ કાયદો અમલમાં આવે પછી મળે પણ અત્યાર સુધીનો અનુભવ જોતાં શંકા છે. ગુજરાત સરકારે કાયદો તો અત્યારે બનાવ્યો પણ ગુજરાતની તમામ સ્કૂલોમાં ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી ફરજિયાત ભણાવાય એ માટેના પ્રયાસ તો વરસોથી ચાલે છે. છેક ૨૦૧૮માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને આદેશ આપેલો કે, રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં વર્ષ ૨૦૧૮માં ધોરણ ૧ અને ૨, વર્ષ ૨૦૧૯માં ધોરણ-૩, વર્ષ ૨૦૨૦માં ધોરણ-૪ અને એ રીતે ક્રમશ: ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવું પડશે.
ગુજરાતમાં એ વખતે વિજય રૂપાણીની સરકાર હતી ને રૂપાણી સરકારને ગુજરાતી ભાષાને ફરી બેઠી કરવાનો ઉમળકો આવી ગયેલો તેથી રાજ્યની તમામ સ્કૂલોમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ પહેલા ધોરણથી ફરજિયાત કરવાનું ફરમાન કરી દીધેલું. રાજ્ય સરકારે ૧૩ એપ્રિલ, ૨૦૧૮ના રોજ ઠરાવ કરીને આ પરિપત્ર બહાર પાડેલો. ગુજરાત બોર્ડની ગુજરાતી માધ્યમની શાળાઓમાં તો પહેલા ધોરણથી ગુજરાત ભણાવાય જ છે તેથી ત્યાં સવાલ નહોતો પણ સીબીએસઈ, આઈસીએસઈ અને ગુજરાત બોર્ડની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ પહેલા ધોરણથી ફરજિયાત અંગ્રેજી ભણાવવું એવું આ પરિપત્રમાં ચોખ્ખા શબ્દોમાં કહેવાયેલું. આ પરિપત્રનો અમલ નવા સત્રથી એટલે કે જૂન, ૨૦૧૮થી કરી દેવો એવો આદેશ પણ અપાયેલો. આ પરિપત્રના આદેશ માટે વારંવાર રીમાઈન્ડ પણ અપાયા પણ શાળા સંચાલકો તેને ઘોળીને પી ગયેલા તેમાં અમલ જ ના થયો.
અત્યારે ૨૦૨૩ ચાલે છે એ જોતાં આ પરિપત્રને સાડા ચાર વર્ષ થઈ ગયાં ને હવે આ કાયદો લાવવો પડ્યો છે. આ કાયદો લાવીને સરકારે પોતાની નિષ્ફળતા કબૂલી છે. હજુ ગુજરાતની તમામ પ્રાથિમક શાળાઓમાં પહેલા ધોરણથી ગુજરાતી ભાષા ભણાવાતી નથી એ વાત આ કાયદો લાવીને સરકારે પોતે સ્વીકારી છે. આશા રાખીએ કે, કાયદા દ્વારા સરકાર ગુજરાતની સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવીને માતૃભાષાનું ગૌરવ સ્થાપિત કરવાના ઉદ્દેશને પાર પડવામાં સફળ થાય. સરકારે ધાર્યોં હોત તો માત્ર પરિપત્રને આધારે સરકાર આ કામ કરી શકી હોત પણ એવું ના થયું તેથી કાયદાથી આ કામ થવા અંગે શંકા જ છે પણ આશાવાદ પર દુનિયા ટકેલી છે. આ કેસમાં પણ આપણે આશા રાખી શકીએ.
જો કે કોઈ પણ ભાષા કાયદાથી ના ટકે. તેને પ્રજા ટકાવી શકે ને કમનસીબી એ છે કે, ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને લોકોમાં માતૃભાષાનું ગૌરવ પેદા કરવામાં ગુજરાતીઓને પણ રસ નથી. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવામાં લોકો ગર્વ અનુભવે છે. સરકારમાં બેઠેલા લોકો પણ મરાઠી જ બોલે છે. પશ્ર્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા જેવાં મોટાં રાજ્યોમાં એ જ સ્થિતિ છે. દક્ષિણનાં રાજ્યોમાં તો તેમની ભાષાની અવગણના થાય તો લોકો રસ્તા પર આવી જાય છે ને આંદોલન પર ઉતરી આવે છે. આ રાજ્યોમાં સરકારમાં બેઠેલા લોકોથી માંડીને સામાન્ય લોકો સુધીના બધા પોતાની માતૃભાષા વિશે સભાન છે અને ગૌરવ અનુભવે છે. ગુજરાતીઓમાં એ ગૌરવ નથી તેના કારણ સરકારે કાયદા બનાવવા પડે છે.
ગુજરાતીઓની માનસિકતા વિચિત્ર છે. આઘાતજનક વાસ્તવિકતા એ છે કે, ગુજરાતીઓ જ ગુજરાતી બોલવામાં શરમ અનુભવે છે. બહારની વ્યક્તિ સાથે ના આવડે તો પણ અંગ્રેજી કે હિંદીમાં બોલવામાં ગુજરાતીઓ બહાદુરી સમજે છે. આ માનસિકતા બદલાય તો જ ગુજરાતીનું ગૌરવ વધે, બાકી શાળામાં ભણાવવાથી કશું ના થાય. ગુજરાતીઓ જ ગુજરાતી ભાષાને ટકાવવા પ્રયત્નો કરે તો કાયદાની પણ જરૂર ના પડે.
ગુજરાતીને મહત્ત્વ આપવાનો અર્થ બીજી ભાષાઓને અવગણવાનો નથી. બીજી ભાષા શીખો, બોલો, વાંચો પણ માતૃભાષાને ના અવગણો એ વાત ગુજરાતીઓ સમજતા થાય તો કશું ના કરવું પડે.