સ્ટેરોઇડ્સ શરીરને નુકસાન કરે છે તો રોજ વાપરી શકાય?

લાડકી

કેતકી જાની

સવાલ : અમારાં પાડોશી આન્ટીને સ્કીનનો એવો રોગ થયો છે કે ડૉક્ટર કહે છે, તેનો કોઇ ઇલાજ નથી. સ્ટેરોઇડ્સ દ્વારા તેને નિયંત્રણમાં રાખી શકાય. આમ સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે સ્ટેરોઇડ્સ શરીરને ખૂબ નુકસાન કરે, તો એ કેવી રીતે વાપરી શકાય રોજબરોજ? ખરેખર શું સ્ટેરોઇડ્સ જ એકમાત્ર ઇલાજ છે તેમ ડૉક્ટર કહે ત્યારે શું સમજવું? સ્ટેરોઇડ્સ વિશે જણાવો.
જવાબ : સૌપ્રથમ વાત કે તમારાં પાડોશીને સ્કીનની તકલીફ માટે તેમનાં ડૉક્ટર્સ કહે તે જ અનુસરવા દેજો, તમે તેમનાં હિતચિંતક છો અને રહેશો જ, પરંતુ ડૉક્ટર્સ પાસે દર્દી માટે શું કરવું? તેનું જ્ઞાન છે. તેઓ જાણે છે તમારાં પડોશીની શારીરિક સ્થિતિ પૂર્વવત્ થાય તે માટે એલોપેથી શું મદદ કરી શકે, તે વિશે તમે કંઇ નથી જાણતા. માટે ડૉક્ટરની દેખરેખ હેઠળ તેમના કહ્યાં મુજબનાં ડૉઝ સ્ટેરોઇડ્સના પણ હોય તો લેવા દો કદાચ તેમને કાંઇ ફરક પડે તેવું બને ને? તેમની રૂટીન દવા ચાલુ રાખી કોઇ આયુર્વેદનાં ગાઢ અભ્યાસુ ડૉક્ટરની તપાસ કરવા કહો. ડૉક્ટરની વાત મુજબ ઍલોપેથીને ઘણા માનવીય રોગો માટે માત્ર સ્ટેરોઇડ્સનું અવલંબન છે, જયારે આયુર્વેદ અલગ જ પદ્ધતિથી રોગોનું નિદાન અને ઇલાજ કરે છે. કદાચ, તેમના પ્રોબ્લેમ માટે આયુર્વેદ મદદરૂપ થાય તો સ્ટેરોઇડ્સના દૂષણથી બચી શકાય. ખૈર, હવે તમારી ઇચ્છા મુજબ સ્ટેરોઇડ્સ વિશે જાણીએ.
માનવ શરીરમાં એડ્રેશ્નલ હાર્મોન ગ્રંથીઓ રોજેરોજ સ્ટેરોઇડ્નો કુદરતી રીતે સ્ત્રાવ કરે છે. આ સ્ત્રાવ -સ્ટેરોઇડ્ માનવ અંગોના સર્વાંગી વિકાસ અને તેમનાં પૂર્ણ ક્ષમતાથી કામ કરવા માટે અનિવાર્ય છે. પરંતુ અનેક માનવમાં કુદરતી રીતે બનતું તત્ત્વ સ્ટેરોઇડ્સ એક યા અનેક કારણોસર બનતું નથી. અથવા ઓછું બને છે. ત્યારે તે જ સ્ટેરોઇડ જેવી અસર ધરાવતું કૃત્રિમ સ્ટેરોઇડ્ જે માનવનિર્મિત છે તેનો ઉપયોગ શરીરના રોજબરોજના કાર્યો અવિરત સહજ ચાલે તે માટે કરવો પડે છે. માનવનિર્મિત કૃત્રિમ સ્ટેરોઇડ દવા તરીકે વાપરવી પડે જેના કુદરતી સ્ટેરોઇડ જેવા ફાયદા તો થાય, પરંતુ તકલીફ ત્યાં થાય જ્યારે શરીરમાં નવાંગતુક કૃત્રિમ તત્ત્વ અને શરીરનું ખુદનું સ્ટેરોઇડ્ એ બન્નેમાં માનવ મગજ ભેદભાવ ના કરી શકે. એવું બને કે મગજ રેડીમેડ સ્ટેરોઇડ કાયમ મળશે જ તેવું સમજીને પોતાની કુદરતી સ્ટેરોઇડ બનાવવાની અસક્ષમતા વિસ્તારે પાડી જાણે કંઇ બન્યું જ નથી તેમ સમજી થોડી ઘણી ક્ષમતા છે તે પણ ક્રમશ: ગુમાવી બેસે. ઉપરાંત મગજ તે પણ નથી જાણતું કે આ કૃત્રિમ સ્ટેરોઇડ્સની અનેકાનેક સાઇડ ઇફેક્ટસ છે. માટે ડૉક્ટર્સ સ્ટેરોઇડનો અંતિમ ઉપાય તરીકે જ વાપરતા હોય છે. તમારાં પાડોશીને જે ત્વચા વિષયક રોગ છે તેનું નામ નથી આપ્યું આપે, પરંતુ એક્ઝિમા, સંધિવાત, ઑટોઇમ્યૂન ડીસઑડર્સ, અસ્થમા, ત્વચાં ઉપર ચકતાં પડવા, કેટલાંક પ્રકારના કૅન્સર જેવા અનેક રોગોના સ્ટેરોઇડ્સ અંતિમ ઉપાય તરીકે સ્વીકાર્ય છે. લેબમાં બનાવાયેલ સ્ટેરોઇડ હાર્મોન્સ કોર્ટિકો અને ઍનાબૉલિક એમ બે પ્રકારનાં હોય છે. કોટ્રિકો સ્ટેરોઇડ મુખ્યત: દવા તરીકે વપરાય જેને કારણે શારીરિક અકડ/સ્ટીફનેસ ઓછી થાય, શરીરના આંતરિક અંગોના સોજા ઓછા થાય અને માનવને પીડા ઓછી થાય. આ સ્ટેરોઇડ ઇન્જેકશન, પિલ્સ-ટીકડી, ઇન્હેલર, નેઝલ સ્પ્રે, લૉશન, ક્રીમ વગેરે સ્વરૂપે ડૉક્ટરનાં પ્રિસ્ક્રિપ્શન સાથે જ મળે છે. ઇન્ફેકશન, એલર્જી જેવા અનેક રોગોમાં બાહ્ય ના દેખાય પરંતુ આંતરિક સંક્રમણને લીધે જે તે અંગો પીડાને લીધે કાર્યક્ષમતા ગુમાવે ત્યારે કોર્ટિકો સ્ટેરોઇડ્સ મદદરૂપ થાય, પરંતુ તેને લાંબા સમય સુધી કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરાય ત્યારે દવા બંધ કર્યા બાદ અને તેના સેવન દરમિયાન સુધ્ધાં વજન વધવું, વાળ વધવા કે ટાલ પડવી, ડાયાબિટીસ, બી.પી.મૂડ સ્વિંગ આંખોના પ્રોબ્લેમ્સ, અનિંદ્રા, ત્વચા પાતળી થવી, હાડકા નબળા પડવાં જેવા અનેક પ્રોબ્લેમ્સ સાઇડ ઇફેકટસ રૂપે થાય છે.
બીજા પ્રકારનો ઍનાબૉલીક સ્ટેરોઇડ્સ પુરુષોનાં મળતા ટેસ્ટોસ્ટેશૅન હાર્મોન્સનું કૃત્રિમ રૂપ છે. શરીરમાં ટેસ્ટોસ્ટેશૅન ના બનવું અથવા ઓછું બનવું, અમુક કૅન્સર ઉપરાંત એઇડ્સ કે અન્ય એવી બીમારી જેના કારણે માનવદેહમાં માંસ મસલ્સ ઓગળી જાય ત્યારે ડૉક્ટર્સ આ સ્ટેરોઇડ્સ પ્રિસ્ક્રાઇબ કરે છે. આનાથી મસલ્સ ઝડપથી વિકસિત થતાં હોવાથી જ તેનો ઉપયોગ ખાસ રમતગમત ક્ષેત્રે ભરપૂર થાય છે. હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ વધવું જેવી અનેકાનેક ગંભીર સાઇડ ઇફેક્ટ હોવા છતાં આ સ્ટેરોઇડ્સ લેનારાં અનેક છે. ખેર, તમારે આ વિશે વધુ જાણવું હોય તો એકવાર કોઇક ડૉક્ટરને ચોક્કસ મળો. અહીં સ્ટેરોઇડ્ વિશે અથથી ઇતિ જણાવવું શક્ય નથી, માત્ર બેઝિક જાણકારી છે, અસ્તુ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.