પ્રાસંગિક -સોનલ કારિયા
૨૦૦૦ની સાલમાં બનેલી સુપરહીટ અને કોમેડી ફિલ્મોમાં આજે પણ દર્શકોની ફેવરિટ રહેલી હેરાફેરીની સિક્વલ એટલે કે હેરાફેરી-૩ બનાવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આમ તો હેરાફેરીની સુપરડુપર સફળતા પછી ફરી વાર એવો જ જાદુ દર્શકો પર ચાલશે એવા આશયથી ૨૦૦૬ની સાલમાં હેરાફેરી-૨ બની હતી પણ એમાં એ વાત ન હતી જે હેરાફેરી-૧માં જોવા મળી હતી. હવે લગભગ ૧૭ વર્ષ પછી ફરી એકવાર હેરાફેરીને ફેફસાંફાડ કોમેડી બનાવનાર ત્રિપુટી એટલે કે પરેશ રાવળ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી હેરાફેરી-૩માં ભેગા થઈ રહ્યા છે. એ જ રીતે ૧૯૯૬માં બનેલી ઇન્ડિયનની હવે ૨૭ વર્ષ બાદ સિક્વલ આવી રહી છે. સની દેઉલને સુપરસ્ટારનું પદ આપનાર ગદ્દર ફિલ્મની સિક્વલ પર પણ કામ ચાલુ થઈ ગયું છે.
નવા વિષયો પર જુગાર રમવાને બદલે સફળ થઈ ચૂકેલી ફિલ્મોની સિક્વલ સેઇફ ગેમ એટલે કે સલામત વિકલ્પ છે એવું કેટલાક નિર્માતા-નિર્દેશકોને લાગી રહ્યું છે, પરંતુ રેકોર્ડ કહે છે કે સિક્વલ હંમેશાં સફળ જ રહે એવું જરૂરી નથી. ૧૬ વર્ષ બાદ બનેલી બંટી ઔર બબલી-૨, નમસ્તે ઇંગ્લેંડ અને લવ આજ કલની સિક્વલો ઊંધે માથે પછડાઈ છે. આ સિક્વલોને દર્શકો અને વિવેચકો બંનેએ જાકારો આપ્યો છે.
જો કે તેમ છતાં કેટલાક ફિલ્મ નિર્માતાઓને સફળ ફિલ્મની સિક્વલ બનાવવામાં સલામતી લાગે છે. જો કે ભૂલભૂલૈયા નામની સફળ ફિલ્મની સિક્વલ બનાવનાર ફિલ્મ નિર્માતા અનીસ બાઝમી કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલામત ફોર્મ્યુલા જેવું કંઈ હોતું નથી. દર્શકોની પસંદગી દરરોજ બદલાય છે. કોઈ પણ ફિલ્મ માટે એવું છાતી ઠોકીને કહી જ ન શકાય કે આ ફિલ્મ સફળ થશે જ. ફિલ્મ બનાવતી વખતે તમારી પોતાની અંત:સ્ફૂરણા અને અનુભવો પર જ આધાર રાખવો પડે.
સિક્વલ બનાવનારા કેટલાક ફિલ્મ નિર્માતા એ વાત માનવા તૈયાર નથી કે સફળ ફિલ્મની સિક્વલ બનાવવી એ સલામત વિકલ્પ છે. ઉલટું તેઓ કહે છે કે સિક્વલ બનાવવી વધુ જોખમકારક કામ છે, કારણ કે દર્શકો એક સારી ફિલ્મ જોઈ ચૂક્યા છે અને એને તેમણે બહુ જ પસંદ કરી હતી એટલે હવે એ જ પ્રકારની એવી બીજી ફિલ્મ બનાવવી જે દર્શકોને એટલી જ આકર્ષિત કરી શકે એ વધુ મુશ્કેલ કામ છે.
હેરાફેરી, ગદ્દરની જેમ જ ૨૦૦૨માં બનેલી આવારા પાગલ દિવાના, ૨૦૦૬માં બનેલી ઓમકારા, ૨૦૧૧ની દેશી બોયઝની સિક્વલ બનાવવા વિશે પણ વિચારણા ચાલી રહી છે. આ ફિલ્મોની પડખે ઊભા રહેનારા નિર્માતા કહે છે કે કેટલાક વિષયો શાશ્ર્વત હોય છે. જેમ કે ઓમકારાનો વિષય દરેક સમયના દર્શકોને આકર્ષી શકે છે. એટલે આ ફિલ્મોની સિક્વલ બની શકે, પરંતુ દાખલા તરીકે તમે આજે શોલે ૨ બનાવવા જાઓ તો તે ન જ ચાલે. જે ફિલ્મોમાં ધમાલ-મસ્તી છે કે કોમેડી છે એવી ફિલ્મોની સિક્વલ બની શકે કારણ કે એમાં વાર્તા નહીં પણ છેવટે તમે દર્શકોના ચહેરા પર સ્મિત લાવી શકો છો કે નહીં એ મહત્ત્વનું હોય છે. એક જ પ્રકારના સ્ટારકાસ્ટ સાથે અથવા એવી જ ધમાલ-મસ્તીવાળી સિક્વલ સફળ થવાની સંભાવના વધારે છે. આવી ફિલ્મોમાં ઘણી વાર બીજી બધી બાબતો કરતાં અગાઉની ફિલ્મનું નામ વાપરવું જ પૂરતું થઈ જાય છે કારણ કે એ દર્શકોમાં એક ઉત્સુકતા જગાડે છે કે આમાં પણ એવું જ મનોરંજન હશે જે અગાઉની ફિલ્મમાં હતું.
જો કે ગદ્દર ફિલ્મના નિર્માતાએ એક જગ્યાએ કહ્યું હતું કે તેઓ આ ફિલ્મની સિક્વલ એટલા માટે બનાવી રહ્યા છે કે તેમને ગદ્દરની વાર્તા ખૂબ જ પસંદ છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ ગમી હતી. આ ફિલ્મના નિર્માતા અનિલ શર્માએ કહ્યું હતું કે આ તો દર્શકોની પોતાની ફિલ્મ છે. જો કે તેઓ કહે છે કે છેવટે તો દર્શકો શાને પસંદ કરે અને ન કરે એ કહેવું કોઈના માટે પણ મુશ્કેલ છે.
સિક્વલ બનાવવી જોઈએ કે નહીં એ અંગે ફિલ્મ જગતમાં મતાંતર પ્રવર્તે છે. કેટલાક લોકોને લાગે છે કે અમુક ફિલ્મો સુપરડુપર હીટ થઈ એ વખતનું ઓડિયન્સ અને અત્યારનું ઓડિયન્સ અલગ છે. જૂની ફિલ્મોમાંથી વાર્તાઓ ઊંચકીને બનાવવી એટલે જૂનો દારૂ નવી બોટલમાં ભરવા જેવી ગત છે. નવા જમાનાના દર્શકને આકર્ષવા માટે એ વિષયોને જુદી રીતે રજૂ કરવા પડે એમાં આજના સમય પ્રમાણેના ફેરફાર સુધ્ધાં કરવા પડે.
ફિલ્મ જગતના જાણકારો કહે છે કે બહુ ઓછા કિસ્સાઓમાં સિક્વલ ફિલ્મો અગાઉની ફિલ્મ જેટલી જ સફળ રહી છે. મોટા ભાગે તો પહેલી ફિલ્મની સફળતાને રોકડી કરવા માટે એના જેવી જ બીજી ફિલ્મ બનાવવામાં મોટા ભાગે તો ફિલ્મ નિર્માતાઓને નિષ્ફળતા જ હાથ લાગતી હોય છે. એને બદલે નવા વિષયો સાથે અને એ મુજબની ટીમ લઈને નવી ફિલ્મ બનાવવામાં પ્રમાણમાં જોખમ ઓછું રહેલું હોય છે.
જોકે અત્યારે તો સફળ ફિલ્મોના નિર્માતાઓ પોતાની જૂની ફોર્મ્યુલા પરથી સિક્વલ બનાવી રહ્યા છે. આ સિક્વલોને દર્શકો સ્વીકારશે કે નહીં, એ ફિલ્મો બોક્સ ઑફિસ પર સફળ રહેશે કે નહીં એ તો આવનારો સમય જ કહી શકશે.