એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સાવ કથળી ગઈ છે એવા મીડિયાના અહેવાલો આપણે વાંચીએ છીએ. પાકિસ્તાન પાસે બે અઠવાડિયાં લગી જ ચાલે એટલું વિદેશી હૂંડિયામણ બચ્યું હોવાની વાતો પણ લાંબા સમયથી ચાલે છે. દેવાદાર બની ગયેલું પાકિસ્તાન નાણાંકીય સહાય મેળવવા માટે આખી દુનિયામાં ભટકી રહ્યું છે ને ભીખ માંગી રહ્યું છે પણ કોઈ તેની મદદ કરવા તૈયાર નથી.
પાકિસ્તાન સરકારના પોતાના મિત્રો પાસેથી તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. મુસ્લિમ દેશોએ ભીખનો કટોરો લઈને ફરતા શાહબાઝ શરીફને મદદ કરવાની ઘસીને ના પાડી દીધી છે ત્યારે હવે પાકિસ્તાન છેલ્લે પાટલે બેસીને તાના પરમાણુ બોમ્બ વેંચવાની તૈયારી કરી રહ્યું હોવાની વાતો વહેતી થઈ છે.
પાકિસ્તાનમાં જૈદ હમીદ નામના સંરક્ષણ બાબતોના કહેવાતા એક્સપર્ટ છે. જૈદ હમીદે મમરો મૂક્યો છે કે, આપણી પાસ ૨૦૦ જેટલા પરમાણુ બોમ્બ છે. તેમાંથી પાંચ-સાત બોમ્બ ઈરાન, સાઉદી અરેબિયા કે તુર્કી જેવા દેશને વેંચીને નાણાં ઊભાં કરી શકાય છે. ભારત પોતાનાં શસ્ત્રોની નિકાસ કરી શકતું હોય તો પાકિસ્તાનને પણ પરમાણુ બોમ્બ વેચતાં કોઈ રોકી ના શકે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય અણુ બિન પ્રસાર સંધિ સહી કરી નથી તેથી યોગ્ય કિંમત આપવા તૈયાર હોય તેને પરમાણુ બોમ્બ વેંચી શકીયે.
જૈદ હમીદની વાતમાં સોને રસ પડી ગયો છે ને તાલિબાનથી લઈને આઈએસઆઈએસ સહિતનાં આતંકવાદી સંગઠનો પાકિસ્તાન સરકારનો સંપર્ક કરી રહ્યાં હોવાની વાતો પણ વહેતી થઈ છે. ઘણાં આતંકવાદી સંગઠનો પરમાણુ શસ્ત્રો મેળવીને અમેરિકા, ફ્રાન્સ, ઈઝરાયલ, બ્રિટન સહિતના કહેવાતા મુસ્લિમ વિરોધી દેશોને સીધા દોર કરવા થનગની રહ્યા છે. તેમને તૈયાર માલ મળતો હોય તો તેના માટે મોંમાગી કિંમત ચૂકવવા તૈયાર હોવાની વાતો વહેતી થઈ છે.
આ મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે ને જેને જીભે જે ચડેએ ઓપિનિયનની ફેંકાફેંક ચાલી રહી છે. પાકિસ્તાન છેલ્લે પાટલે બેસીને મુસ્લિમ રાષ્ટ્રોને પરમાણુ બોમ્બ વેચી શકે છે એવી વાત સાંભળવામાં સારી લાગે પણ પ્રેક્ટિકલી તેનો અમલ બહુ અઘરો છે. પરમાણુ બોમ્બ ભાજીપાલો નથી કે તમે થેલી લઈને નીકળો ને ઘરે લઈ આવો. જે લોકો પાકિસ્તાન પરમાણુ બોમ્બ વેચી દેશે એવી વાતો કરે છે એ લોકોને પરમાણુ બોમ્બ શું છે ને તેને બનાવવા શું કરવું તેની ખબર જ નથી.
આપણી હિંદી ફિલ્મોમાં બતાવે એ રીતે નાનકડી લેબોરેટરીમાં પરમાણુ બોમ્બ બનતા નથી. તેના માટે સેટ અપ જોઈએ, ટૅકનોલૉજી જોઈએ અને તેનો ઉપયોગ કરવા માટેનાં હથિયાર પણ જોઈએ. પાકિસ્તાન પાસે એ બધું છે તેથી એ પરમાણુ રાષ્ટ્ર છે પણ બીજા મુસ્લિમ દેશો પાસે એ નથી તેથી એ લોકો માટે પરમાણુ બોમ્બ ખપનો નથી. દુશ્મન દેશમાં જઈને પરમાણુ બોમ્બ ફેંકવા માટે મિસાઈલ સહિતનાં વોરફેર પણ બીજા દેશો પાસે નથી.
બીજું એ કે, એકાદ પરમાણુ બોમ્બથી કશું ના થાય. એકાદ પરમાણુ બોમ્બથી એક નાનકડા વિસ્તારને તબાહ કરી શકાય પણ આખી દુનિયાને તબાહ ના કરી શકાય. પરમાણુ તાકાત બનવા માટે જંગી પ્રમાણમાં પરમાણુ શસ્ત્રો જોઈએ. ભારત પાસે દોઢસોથી વધારે પરમાણુ શસ્ત્રો છે. પાકિસ્તાન પાસે પણ એટલાં જ પરમાણુ શસ્ત્રો છે તેથી બંને પરમાણુ રાષ્ટ્ર છે પણ બીજાં દેશોનું એ ગજું નથી.
પાકિસ્તાન કોઈને વેચી શકે તેમ હોય તો એ પરમાણુ ટૅકનોલૉજી છે ને તેના બદલામાં એ મોંમાગી કિંમત વસૂલી શકે પણ એ રાતોરાત ના થાય. કોઈ દેશને પરમાણુ બોમ્બ બનાવવા માટેનો આખો સેટ અપ ઊભો કરી આપીને પાકિસ્તાન પોતાની આર્થિક સમસ્યાનો અંત લાવી શકે પણ પાકિસ્તાન એવું કરે કે કેમ તેમાં શંકા છે. તેનું કારણ એ કે, પાકિસ્તાન બીજા કોઈ મુસ્લિમ રાષ્ટ્રને પરમાણુ પાવર બનાવે એ સાથે જ તેનો થોડો ઘણો જે દબદબો છે એ ખતમ થઈ જાય.
મુસ્લિમ રાષ્ટ્રોમાં ઘણા માલેતુજાર દેશો છે. તેમની સરખામણીમાં પાકિસ્તાન સાવ ભિખારી કહેવાય. આમ છતાં મુસ્લિમોમાં બહુમતી રાષ્ટ્રો પાકિસ્તાન તરફી છે તેનું કારણ એ છે કે, પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્ર છે. પેટ્રો ડોલરની ધીંગી કમાણી કરતા આરબ દેશો સામે આર્થિકરીતે બેહાલ પાકિસ્તાનની કોઈ હૈસિયત નથી પણ લશ્કરી રીતે પાકિસ્તાન બધાં મુસ્લિમ રાષ્ટ્રોમાં સૌથી તાકતવર છે.
સાઉદી અરેબિયા સહિતના માલેતુજાર ધનિક દેશો અમેરિકાના ભરોસે જીવે છે. આ દેશોમાં અમેરિકાનું લશ્કર ધામા નાંખીને બેઠું હતું ને હવે સાઉદીના શહઝાદા સલમાનને ભાન થયું પછી અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા માંડી છે પણ સાઉદી પોતાના જોરે પોતાનું રક્ષણ કરી શકે તેમ નથી. પાકિસ્તાન પાસે પોતાનું લશ્કર છે ને પોતાનું રક્ષણ કરવાની તાકાત પણ છે. આ તાકાતને વધારવા પાકિસ્તાને પરમાણુ બોમ્બ બનાવી દીધો પછી આરબો સિવાયનાં મુસ્લિમ રાષ્ટ્રોમાં પાકિસ્તાનનો મોભો છે.
દુનિયામાં અત્યારે એક પાકિસ્તાન ને બીજું ઈરાન એમ બે જ મુસ્લિમ રાષ્ટ્રો પરમાણુ તાકાત ધરાવે છે. પાકિસ્તાનમાં સુન્નીઓની બહુમતી છે જ્યારે ઈરાન સંપૂર્ણપણે શિયાઓનો દેશ છે. મુસ્લિમોમાં શિયા અને સુન્નીઓને બાપે માર્યાં વેર છે. બંને વચ્ચેની લડાઈનો કોઈ અંત નથી. સાઉદી અરેબિયા સહિતના દેશો કટ્ટરવાદી છે. આ કટ્ટરવાદ એટલો પ્રબળ છે કે સુન્ની સિવાયના મુસ્લિમોને એ બધા પોતાના દુશ્મન માને છે. આ કારણે ઈરાન તેમનું દુશ્મન છે.
ઈરાન સામે સાઉદી અરેબિયા સહિતનાં રાષ્ટ્રોને એટલો ખાર છે કે, અમેરિકાનાં તળવાં ચાટીને પણ એ બધા ઈરાનને ખતમ કરવા મથ્યા કરે છે. ઈરાન પાસે પણ પરમાણુ બોમ્બ છે. ઈરાનમાં પણ માથાફરેલ ખોમૈની સર્વેસર્વા છે. તેનું ફટકે તો એ સાઉદી સહિતનાં મુસ્લિમ રાષ્ટ્રો પર બોમ્બ ઝીંકી દેતાં વિચાર ના કરે. ઈરાનને દબડાવવા ને માપમાં રાખવા સુન્ની મુસ્લિમો પાસે પણ પરમાણુ બોમ્બ જોઈએ કે જે પાકિસ્તાન પાસે છે. તેના કારણે પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્રોમાં સર્વોપરિ ગણાય છે ને મુસ્લિમ રાષ્ટ્રો તેની આગળપાછળ ફરે છે.
પાકિસ્તાન જે દિવસે બીજા રાષ્ટ્રને પરમાણુ નેશન બનવામાં મદદ કરે એ સાથે પાકિસ્તાનની કિંમત કોડીની થઈ જાય. પાકિસ્તાન એ ધંધો કરવાના બદલે મુસ્લિમ રાષ્ટ્રોને પટાવીને રસ્તો કાઢવા મથે એ શક્યતા વધારે છે.