Homeએકસ્ટ્રા અફેરમુશર્રફને હજારો ભારતીયોની હત્યા માટે માફ કરી શકાય?

મુશર્રફને હજારો ભારતીયોની હત્યા માટે માફ કરી શકાય?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફનું અંતે દુબઈની હૉસ્પિટલમાં નિધન થયું ને એ સાથે ઈતિહાસનું એક પ્રકરણ પૂરું થયું. મુશર્રફ પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓના પ્રેરણાસ્રોત હતા ને ભારત માટે વિલન હતા. સત્તામાં આવ્યા પહેલા જ ભારતને પછાડવાના શેખચલ્લીના વિચારો જેવા સપનાના કારણે કારગિલ યુદ્ધની મૂર્ખામી કરનારા પરવેઝ મુશર્રફે સત્તામાં આવ્યા પછી ભારતમાં આતંકવાદ ફેલાવતાં સંગઠનોને ભરપૂર પોષ્યાં. તેના કારણે મોટા મોટા આતંકવાદી હુમલા થયા ને હજારો ભારતીયોએ જીવ ગુમાવ્યા. મુશર્રફને એ રીતે જોઈએ તો વખાણવા જેવા નથી જ પણ ગમે તે રીતે, મુશર્રફ ઈતિહાસમાં પોતાની જગા બનાવીને ગયા એ વાત પણ સ્વીકારવી પડે.
પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં વરસોથી જામી પડેલા ભુટ્ટો અને શરીફ પરિવારને ઉખાડવા ભરપૂર કોશિશ કરેલી પણ ફાવ્યા નહીં. પાકિસ્તાનમાં વરસોથી ભુટ્ટો પરિવારની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને નવાઝ શરીફ ખાનદાનની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ શરીફ) વચ્ચે જંગ થતો હતો. વારાફરતી આ બેમાંથી કોઈ એક પક્ષ સત્તામાં આવ્યા કરતો હતો. આ બંને પરિવારોનો રાજકીય દબદબો ભારે હતો.
મુશર્રફે લશ્કરની મદદથી સત્તા કબજે કરી પછી બંને પરિવારને સીધા કરવા બહુ પ્રયત્નો કરેલા પણ ફાવ્યા નહોતા. બંને પાસે અંધાધૂંધ પૈસો છે. આ પૈસો વેરીને લશ્કરી અધિકારીઓ, આઈએસઆઈ અને ન્યાયતંત્રને પણ ખરીદી લીધા હોવાથી ભ્રષ્ટાચારના કેસોમાં પણ કશું થતું નથી. બીજા મુસ્લિમ રાષ્ટ્રો સાથે પણ નિકટના સંબંધો હોવાથી ધનિક મુસ્લિમ રાષ્ટ્રો પણ તેમને છાવરે છે. આ બધાં કારણોસર મુશર્રફ લાંબો સમય સત્તામાં રહ્યા છતાં તેમનું કશું કરી શક્યા નહોતા. ઊલટાનું તેમણે ધીરે ધીરે મુશર્રફને ઘરભેગા કરવાનો તખ્તો ઘડ્યો ને તેના કારણે છેવટે મુશર્રફે ૨૦૦૮માં ઘરભેગા થવું પડ્યું હતું.
પરવેઝ મુશર્રફે ૧૯૯૯માં બળવો કરીને નવાઝ શરીફને ઊથલાવીને પાકિસ્તાનમાં લશ્કરી શાસન સ્થાપેલું. મુશર્રફે લશ્કરની મદદથી સાતેક વરસ લગી હેમખેમ રાજ કર્યું પણ ૨૦૦૬થી વિરોધ શરૂ થયો. મુશર્રફ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાંબા સમય પહેલાં જ શરૂ થઈ ગયેલા. આ આક્ષેપોએ ૨૦૦૭માં જોર પકડ્યું ત્યારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આકરું વલણ લીધું હતું.
મુશર્રફ પોતાના વિરોધીઓને સાફ કરી દેવામાં માનતા તેથી સુપ્રીમ કોર્ટના જજોને પણ કનડવા માંડેલા. આ કારણે મુશર્રફ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જામી હતી ત્યાં માર્ચ ૨૦૦૭માં ચીફ જસ્ટિસ તરીકે ઈફ્તિખાર મુહમ્મદ ચૌધરી આવ્યા. જસ્ટિસ ચૌધરીએ મુશર્રફ સામેના ભ્રષ્ટાચારના કેસોની તપાસનો આદેશ આપતાં મુશર્રફે જસ્ટિસ ચૌધરીને જ ઘરભેગા કરી દીધા હતા.
મુશર્રફનાં પગલા સામે પાકિસ્તાનમાં પ્રચંડ આક્રોશ ફાટી નિકળ્યો ને જોરદાર હોબાળો થયેલો. આખું ન્યાયતંત્ર તો જસ્ટિસ ચૌધરીના પડખે ઊભું રહી જ ગયું પણ સામાન્ય લોકો પણ જસ્ટિસ ચૌધરીના પડખે હતા. લોકો રસ્તા પર આવી ગયાં ને પાકિસ્તાન ભડકે બળવા માંડેલું.
મુશર્રફે તેમના શાસનમાં પહેલી વાર આવો પ્રચંડ જનાક્રોશ જોયેલો તેથી તેમણે સમજદારી બતાવીને પીછેહઠ કરવાનું પસંદ કર્યું. મુશર્રફે થૂંકેલું ચાટીને જસ્ટિસ ચૌધરીને પાછા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવી દીધા હતા. મુશર્રફ નમી ગયા તેથી ન્યાયતંત્રનો આત્મવિશ્ર્વાસ વધ્યો ને મુશર્રફની બરાબરની વાટ લાગી ગઈ. જસ્ટિસ ચૌધરી સામે મુશર્રફે બતાવેલા ખારના કારણે ન્યાયતંત્રે મુશર્રફની બજાવવા માંડી ને એક પછી એક કેસમાં તપાસના આદેશ આપવા માંડ્યા. તેના કારણે મુશર્રફની ઈમેજ બગડતી ગઈ. તંત્ર પરથી તેમનો અંકુશ પણ ઓછો થવા લાગ્યો. તેનો લાભ લઈને મુશર્રફ સામેનો જનાક્રોશ બુલંદ બન્યો.
મુશર્રફે લોકોના અવાજને દબાવવા દમન શરૂ કરીને ૨૦૦૭માં દેશના બંધારણને રદ કરીને કટોકટી લાદી દીધી હતી. સુપ્રીમ કોર્ટે તેની સામે આક્રમક વલણ અપનાવ્યું ને લશ્કરમાં પણ નારાજગી હતી તેથી છેવટે ૨૦૦૮માં મુશર્રફે રાજીનામું ધરી દેવું પડેલું.
મુશર્રફ ઘરભેગા થયા પછી તેમની સામે ઢગલાબંધ કેસ થયા. તેમાં એક કેસ દેશદ્રોહનો હતો. નવાઝ શરીફ સરકારે આ કેસ કરીને બંધારણ રદ કરીને મુશર્રફે અક્ષમ્ય દેશદ્રોહ કરેલો એવો આરોપ મૂક્યો હતો. ખાસ કોર્ટે આ કેસમાં મુશર્રફને ફાંસીની સજા ફટકારી હતી. મુશર્રફ બીમારીને બહાને પાકિસ્તાન પાછા ના આવ્યા તેથી બચી ગયા, બાકી કુદરતી મોતના બદલે ફાંસીના માંચડે લટકીને મરી ગયા હોત.
મુશર્રફ કુદરતી મોતને લાયક નહોતા પણ પાકિસ્તાનના શાસકોની મહેરબાનીથી કુદરતી મોત મળ્યું. મુશર્રફ લાંબા સમયથી સારવારના બહાને દુબઈમાં હતા ને તેમને પાકિસ્તાન પાછા લાવવા અઘરા નહોતા પણ પાકિસ્તાનના શાસકોને રસ જ નહોતો કેમ કે મુશર્રફ પાછલી જિંદગીમાં કશું કરવાને લાયક જ નહોતા રહ્યા. બાકી પાકિસ્તાન અને દુબઈ વચ્ચે ઘર જેવા સંબંધો છે એ જોતાં પાકિસ્તાન સરકાર ધારે તો મુશર્રફને ગમે ત્યારે ત્યાંથી લાવી શકે તેમ હતી પણ મુશર્રફ પાકિસ્તાનના રાજકારણ પર કોઈ પ્રભાવ પાડી શકે તેમજ નહોતા તેથી તેમને હૉસ્પિટલમાં મરવા દીધા.
સામાન્ય રીતે આપણે મોતનો મલાજો જાળવીને કોઈ મરે તો તેના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ પણ મુશર્રફ એ પ્રાર્થનાને લાયક નથી. મુશર્રફે ભારતમાં આતંકવાદ ભડકાવીને એટલા પરિવારોના જીવનમાં અશાંતિ ઊભી કરી કે તેમના માટે પ્રાર્થના કરવી એ આ દેશનાં લોકોનું , આ દેશના શહીદોનું અપમાન લાગે.
મુશર્રફના કારણે કારગિલ યુદ્ધ થયું કેમ કે તેમને ભારતને પાકિસ્તાનની તાકાત બતાવી દેવાના અભરખા હતા. કારગિલ યુદ્ધ ભારતના શાસકોની બેવકૂફીની સાથે સાથે લશ્કરી જવાનોની જવાંમર્દીના કારણે પણ યાદ કરાય છે. પાકિસ્તાની લશ્કર ભારતમાં છેક અંદર સુધી આવી ગયું ને કારગિલ ક્ષેત્રની મહત્ત્વની પહાડીઓ પર કબજો કરી લીધો.
પછી તેમને મારી હટાવવા આપણા જવાનોએ અભૂતપૂર્વ શૌર્ય બતાવેલું. આપણા જવાનોએ બે મહિના લાંબા યુદ્ધના અંતે ૨૬ જુલાઈ, ૧૯૯૯ના રોજ ઓપરેશન વિજય પાર પાડ્યું હતું. ભારતીય જવાનોએ પોતાનો તમામ વિસ્તાર પાછો મેળવીને તાકાત પુરવાર કરી પણ આ જંગમાં આપણે ૫૭૨ જવાંમર્દ જવાનોનો ભોગ આપવો પડ્યો, ૫૭૨ જવાનો દેશ માટે લડતાં લડતાં શહીદ થઈ ગયા.
મુશર્રફના હાથ આ જવાનોના લોહીથી રંગાયેલા હતા.
આ સિવાય મુશર્રફના શાસનમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં હજારો નિર્દોષ આદમીઓના જીવ ગયા.
મુશર્રફને આ હત્યાઓ માટે માફ કરી શકાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular