નવા વર્ષે ભારત માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. વિશ્વ સ્તરે હાલમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે અને હવે સાઉદી અરેબિયાના આ પગલા બાદ ભારત માટે ક્રૂડ ઓઈલ વધુ સસ્તું થઈ શકે છે. સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાએ નિર્ણય લીધો છે કે તે એશિયાઈ દેશો અને યુરોપમાં ક્રૂડ ઓઈલ સસ્તા ભાવે વેચશે.
સાઉદી સરકારની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકોએ ફેબ્રુઆરી મહિનામાં એશિયામાં વેચાતા તમામ પ્રકારના ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો કર્યો છે. સાઉદી અરેબિયા લાંબા ગાળાના કરાર હેઠળ એશિયામાં 60 ટકા ક્રૂડ ઓઇલની નિકાસ કરે છે, જેના માટે દર મહિને કિંમતની સમીક્ષા કરવામાં આવે છે. ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા પાસેથી તેલના સૌથી મોટા ખરીદદારોમાં સામેલ છે. માનવામાં આવે છે કે સાઉદી અરેબિયાના આ નિર્ણય બાદ ઈરાક અને કુવૈત જેવા દેશોમાં કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
એમ માનવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક આર્થિક સંકટ અને ચીનમાં કોરોના વાયરસના મામલા વધ્યા પછી, ક્રૂડ ઓઇલની માંગ પર અસર પડી શકે છે, જેના કારણે સાઉદી અરેબિયાએ ઓછી કિંમતે ક્રૂડ ઓઇલ વેચવાનો નિર્ણય કર્યો છે.
તેવી જ રીતે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ઘટાડો થયો છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ કાચા તેલની કિંમત વધીને 139 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. જૂન 2020 માં, ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $ 125 પર ટ્રેડ થઈ રહ્યું હતું. જે હવે પ્રતિ બેરલ $80ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. 2023ના પહેલા સપ્તાહમાં જ કાચા તેલની કિંમતમાં 7.5 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકામાં વ્યાજદરમાં જોરદાર ઉછાળો અને ડૉલર મજબૂત થયા બાદ અમેરિકા, યુરોપ અને ચીનમાં વપરાશમાં સમાન ઘટાડો જોવા મળ્યો છે.
જોકે, આ સમાચાર ભારત માટે રાહતનો સંદેશ લઈને આવ્યા છે. ભારત રશિયા પાસેથી પહેલા કરતા ઓછા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. હવે તે સાઉદી અરેબિયામાંથી પણ ઓછી કિંમતે ક્રૂડ ઓઈલ મેળવી શકશે. તેનાથી આયાત બિલ ઘટાડવામાં મદદ મળશે. જેથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી શકશે. પેઇન્ટ બનાવતી કંપની જેવા ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરતા ઉદ્યોગો માટે આ રાહતના સમાચાર છે.