છાણમાંથી રંગ બનાવીને ખેડૂતો અને ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન

લાડકી

સાંપ્રત-અનંત મામતોરા

બ્રિટિશરો જ્યારે ભારતમાં વ્યાપાર કરવા ઇસ્ટ ઇન્ડિયા કંપની બનાવીને આવી પહોંચ્યા, ત્યારે તે લોકો ભારતનો ઉપહાસ કરતા હોય તેમ ભારતના અર્થતંત્રને ’ઉીક્ષલ ઊભજ્ઞક્ષજ્ઞળુ’ અર્થાત્ કે છાણનું અર્થતંત્ર કહીને બોલાવતા. અલબત્ત, તેમાં તેમની ગુરુતાગ્રંથિ અવશ્ય હતી, પણ તેમનું અજ્ઞાન પણ હતું. આ વાત યાદ આવવા પાછળનું કારણ એ કે ભારતીયોએ વારંવાર પુરવાર કર્યું છે કે ગાય અને તેનું છાણ કેટલાં ઉપયોગી છે અને પર્યાવરણને અનુકૂળ તથા ટકાઉ વસ્તુઓ માટેનો એક સુંદર વિકલ્પ પણ છે. ઓડિશાના બરગઢમાં કુદરતી રંગ બનાવનારી દુર્ગા પ્રિયદર્શિનીએ પણ ફરી એક વાર આ વાત સાબિત કરી છે ગાયના છાણમાંથી રંગ બનાવીને.
ગાયના છાણમાંથી બન્યો ઇકો-ફ્રેન્ડલી રંગ
પશ્ર્ચિમી સભ્યતાની અસર નીચે એક સમય એવો હતો જ્યારે લોકો છાણથી પરેશાન થઈને પશુપાલનના કાર્યમાં જોડાવા નહોતા માગતા. તો કેટલાક લોકો દૂઝણી ગાયને સંભાળીને રાખતા હતા, પણ દૂધ ન આપી શકતી ગાયને રસ્તે રઝળતી મૂકી દેતા હતા. જોકે પરંપરાગત વસ્તુઓના મહત્ત્વને સમજીને સરકારે આપેલાં પ્રોત્સાહનોને કારણે આજે છાણનો ઉપયોગ એટલો વધી ગયો છે કે લોકો માત્ર છાણ માટે ગાય પાળે છે! છાણમાંથી કાગળ અને લાકડાં બાદ હવે દેશભરમાં બની રહ્યો છે ઇકો-ફ્રેન્ડલી રંગ અને એ ખૂબ વેચાઈ રહ્યો છે.
આની શરૂઆત ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય, ગ્રામીણ ભાગોમાં રોજગારને પ્રોત્સાહન આપવાનો છે, જેથી ગામમાં મોજૂદ સંસાધનો દ્વારા ઉદ્યોગ શરૂ કરી શકાય. ખાદી ઇન્ડિયા દ્વારા આ છાણમાંથી બનાવેલો રંગ વેચવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા આ રંગના ઉત્પાદનની તાલીમ પણ આપવામાં આવી રહી છે. બિહાર સહિત, દેશનાં ઘણાં રાજ્યોમાં આ રંગના ઉત્પાદનના પ્લાન્ટ સ્થાપિત થઇ રહ્યા છે. ઓડિશામાં છાણના રંગનું યુનિટ સ્થાપિત કરનાર છે, ૩૩ વર્ષની દુર્ગા પ્રિયદર્શિની. તેણે જયપુરમાં છાણમાંથી રંગ બનાવવાની તાલીમ લીધી હતી અને ત્યાર બાદ પોતાના વ્યવસાયની શરૂઆત કરી. એ સાથે તે લોકોમાં ઇકો-ફ્રેન્ડલી રંગ વિષે જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરે છે.
કઈ રીતે શરૂ કર્યો છાણના રંગોનો વ્યવસાય?
હજુ બે વર્ષ પહેલાં તો દુર્ગા એક સામાન્ય ગૃહિણી હતી, પણ પોતાની એક અલગ ઓળખ બનાવવા તે એક નવા આઈડિયાની શોધમાં હતી. દુર્ગા કહે છે, ‘મને ડેરી બિઝનેસમાં પહેલેથી રુચિ હતી. હરિયાણા અને પંજાબમાં જેવું ઉત્તમ ગુણવત્તાનું ગાયનું દૂધ મળે છે તેવું ઓડિશામાં નથી મળતું. માટે મેં પહેલાં ડેરી બિઝનેસ પસંદ કર્યો. હરિયાણાના એક ગામ ઝજ્જરમાં રહીને હું ડેરી બિઝનેસ શીખવા લાગી. તે દરમ્યાન મેં ઈન્ટરનેટ પર એક વીડિયો જોયો, જેમાં છાણના રંગો બનાવાઈ રહ્યા હતા.’ દુર્ગાને તે એટલું પસંદ આવ્યું કે તેણે ડેરીને બદલે રંગ બનાવવાનો નિર્ણય કર્યો.
દુર્ગા કહે છે કે તે પોતાના કામ સાથે સમાજ સેવા પણ કરવા માગતી હતી. જો ડેરી બિઝનેસ ચાલુ કર્યો હોત તો દૂઝણી ગાયોની જ સેવા કરી શકાઈ હોત, પણ આ બિઝનેસને કારણે તે ખેડૂતો અને ગૌશાળાઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરી રહી છે. ૨૦૨૧માં જયપુરમાં રહીને તેણે પાંચ દિવસની તાલીમ શિબિરમાં ભાગ લીધો, ત્યાર બાદ તેણે ખાદી ઇન્ડિયાના નેજા હેઠળ ઓડિશામાં પોતાના પ્લાન્ટની શરૂઆત કરી. જાન્યુઆરી, ૨૦૨૨માં પોતાના પ્લાન્ટ માટે બરગઢ પાસે એક ગામમાં ૨,૫૦૦ વર્ગ ફૂટ જમીન ખરીદી, જેથી ગામના લોકો પાસેથી છાણ ખરીદી શકાય. જમીન, મશીન અને માર્કેટિંગ સહિત તે અત્યાર સુધી એક કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂકી છે.
કેવી રીતે બને છાણનો રંગ?
રંગ બનાવવા માટે દુર્ગા આસપાસના ખેડૂતો પાસેથી પાંચ રૂપિયે કિલોના ભાવે છાણ ખરીદે છે અને પછી છાણમાંથી પ્રવાહી અને ડાઈ તત્ત્વોને અલગ કરવામાં આવે છે. રંગ બનાવવા પહેલાં છાણમાં તેટલી માત્રા જેટલું જ પાણી ભેળવવામાં આવે છે. તે પછી તેને ટ્રિપલ ડિસ્ક રિફાઇનરીમાં નાખીને ઘટ્ટ બનાવવામાં આવે છે. ત્યાર બાદ તેમાં કેલ્શિયમ કમ્પોનન્ટ નાખીને રંગનો બેઝ તૈયાર કરાય છે અને તેમાંથી ઇમલ્શન અને ડિસ્ટેમ્પર બનાવવામાં આવે છે. આ રંગમાં લગભગ ૩૦ ટકા છાણ હોય છે. પછી બેઝ કલર સાથે કુદરતી રંગ ભેળવવામાં આવે છે.
મતલબ કે આ રંગો સંપૂર્ણ ઓર્ગેનિક છે
દુર્ગાએ જણાવ્યું કે આ રંગોના કુલ આઠ લાભ છે, જેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ, દુર્ગંધમુક્ત, નોન-ટોક્સિક, હેવી મેટલ ફ્રી, નેચરલ થર્મલ ઇન્સ્યુલેશન જેવા ફાયદા
સામેલ છે. આ રંગોને ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ વાપરી શકાય છે. કુદરતી રંગ અન્ય કેમિકલ યુક્ત પેઇન્ટ જેવો જ લુક આપે છે. તેનો દાવો છે કે આ રંગ ઘરના તાપમાનને પણ સંતુલિત રાખવાનું કામ કરે છે. અત્યારે તે ૮૦૦થી વધુ પ્રકારના રંગ બનાવી રહી છે.
લોકોને જાગૃત કરવા લીધાં અનેક પગલાં
હજી લોકોમાં ઓર્ગેનિક રંગો વિષે બહુ જાગૃતિ નથી આવી. માટે આ માગ થોડા લોકો સુધી સીમિત છે. દુર્ગાએ વ્યક્તિગત રીતે આ રંગોના માર્કેટિંગ માટે ઘણા પ્રયત્નો કર્યા છે. તેનો પ્લાન્ટ ઓડિશાનો એકમાત્ર છાણમાંથી રંગો બનાવતો પ્લાન્ટ છે. ઓડિશા ઉપરાંત છત્તીસગઢમાં પણ તે રંગોનું માર્કેટિંગ કરી રહી છે. બંને રાજ્યોમાં તેણે કેટલાક ડીલર્સ પસંદ કર્યા છે. તે ઉપરાંત તે કોલેજો અને પરિસંવાદોમાં ભાગ લઈને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે.
દુર્ગા કહે છે, ‘પહેલાં આપણી પાસે વિકલ્પ નહોતો, માટે આપણે ઘરમાં કેમિકલ યુક્ત રંગ લગાડતા હતા, પણ હવે છાણમાંથી બનેલા રંગોનો બહેતર વિકલ્પ બજારમાં મોજૂદ છે, તો તેનો ઉપયોગ કરવો જ જોઈએ.’
અત્યાર સુધીમાં દુર્ગાએ ઓડિશા અને છત્તીસગઢ મળીને લગભગ ૪,૦૦૦ લિટર જેટલો રંગ વેચ્યો છે. અત્યારે તે ઓર્ડર અનુસાર રંગ બનાવે છે. આવનારા દિવસોમાં કુદરતી વોલ પુટ્ટી બનાવવા તે પ્રયત્નશીલ છે. આપણે પણ કુદરતી રંગોને અપનાવીને પર્યાવરણ, ખેડૂતો, ગાય માટે પરોક્ષ રીતે કશુંક ઉપયોગી કાર્ય કરી શકીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.