Homeમેટિનીકેમેરા ઇક્વિપમેન્ટના બાદશાહ તેજસ શાહ કહે છે, ‘વન સ્ટોપ વન શોપ’નો હેતુ...

કેમેરા ઇક્વિપમેન્ટના બાદશાહ તેજસ શાહ કહે છે, ‘વન સ્ટોપ વન શોપ’નો હેતુ સિદ્ધ થયો

મુલાકાત – અમિત આચાર્ય

ફિલ્મની વાત આવે ત્યારે સૌપ્રથમ હીરો-હીરોઇનોનો ચહેરો જ આપણી નજર સમક્ષ તરી આવે છે, પરંતુ દૃશ્યોને સારી રીતે કંડારવામાં સૌથી વધુ મહત્ત્વનું કામ કરતા કૅમેરાનો વિચાર ક્યારેય નથી આવતો. એવા જ કૅમેરા ઇક્વિપમેન્ટમાં પાયોનિયર ગણાતા અને તેને ફિલ્મ માટે ભાડે આપવાનું કામ કરતી પચીસ વર્ષ જૂની સંસ્થા એકોર્ડ ઇક્વિપમેન્ટના માલિક તેજશ શાહની ‘મુંબઇ સમાચાર’ સાથે થયેલી મુલાકાતમાં તેમની સફર અને સફળતા વિશેની વાત થઇ.
ફિલ્મી બેકગ્રાઉન્ડ
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અમારી બીજી પેઢી છે. અગાઉ મારા પિતા જી. એન. શાહ પણ ફિલ્મ જગત સાથે જ સંકળાયેલા હતા. તેઓ ખૂબ જ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. તેઓ ફિલ્મો માટે ફાઇનાન્સિયલ એડવાઇઝરનું કામ કરતા અને સહનિર્માતા તરીકે પણ ઘણી ફિલ્મો બનાવી હતી. તેથી બાળપણથી જ હું એમની સાથે સ્ટુડિયોમાં શૂટિંગ જોવા માટે જતો. ત્યારે મને વિચાર આવતો કે શૂટિંગમાં આટલો બધો સમય કેમ લાગે છે? આ કામ ઝડપથી થવું જોઇએ. ૧૯૮૧માં તેમનું અવસાન થયું. હું મારા અભ્યાસ પર ધ્યાન આપવા લાગ્યો અને મેં એન્જિનિયરીંગ કર્યું. ત્યારબાદ મારા શોખના કારણે હું ફરીથી આ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો અને એડ. ઇન્ડસ્ટ્રીઝથી કામ કરવાની શરૂઆત કરી. એ સમયે ડિજિટલ કૅમેરા માર્કેટમાં આવી ગયા હતા. બાળપણમાં હું જે વિચારતો હતો તે હવે ૧૯૯૪-૯૫માં થવા લાગ્યું હતું.
પપ્પાની જેમ નિર્માતા ન બનતા પ્રોડક્શનમાં આવ્યા
પપ્પા કોમર્સ સાથે સંકળાયેલા હતા, જ્યારે મને ક્રિએટીવીટીનો શોખ હતો. હું પહેલા ફિલ્મ મેકિંગ શીખ્યો અને એક ખૂબ જ જાણીતી એડ એજન્સી સાથે જોડાયો. એ વખતે ફિલ્મ મેકિંગમાં બદલાવ આવી રહ્યો હતો. ૧૯૯૭માં ભારત ખૂબ જ મોટી મંદીમાંથી પસાર થઇ રહ્યું હતું. એમાં ફિલ્મજગત પણ બાકાત નહોતું. મારી નોકરી પણ છૂટી ગઇ હતી. તેથી વિચાર્યું કે હવે મારે નોકરી નથી કરવા પણ કઇક નવું અને મનને ગમતું કામ કરવું છે. જે હું બાળપણથી વિચારતો હતો. એ સમયે એ કામ કરવાની મને તક પણ હતી. ટેકનિકલ જાણકારી પણ હતી, તેથી ફિલ્મ ઇક્વિપમેન્ટ ભાડે આપવાની શરૂઆત કરી અને પ્રોડક્શનમાં આવી ગયા.
ફિલ્મ નિર્માણ માટે દરેક પ્રકારના ઇક્વિપમેન્ટ હાજર, ‘વન સ્ટોપ વન શોપ’નો હેતુ
મારો ‘વન સ્ટોપ વન શોપ’નો હેતુ હતો, તેથી અમારી કંપની દ્વારા કૅમેરા, કૅમેરા લેન્સ, લાઇટ સાઉન્ડ, એક્સેસરિઝ, સ્ટુડિયો જેવી દરેક પ્રકારની ફેસેલિટી પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં સો ઉપરાંત ફિલ્મોમાં અમે ઇક્વિપમેન્ટ ભાડે આપી ચૂક્યા છીએ, જેમાં બોલીવૂડના તમામ ટોચના પ્રોડક્શન હાઉસ અમારા ગ્રાહક છે. એના સાથે-સાથે શોર્ટ ફિલ્મ,
એડ. ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવતા પ્રોડક્શન હાઉસમાં પણ અમે ઇક્વિપમેન્ટ ભાડે આપીએ છીએ. પહેલા ટેપ અને રીલ પર શૂટિંગ કરવામાં આવતું હતું, પરંતુ બાદમાં ડિજિટલ આવ્યા બાદ ટી પ્લસ કૅમેરા આવ્યા, જેમાં અમે પાયોનિયર છીએ. ટી પ્લસ કૅમેરા મુંબઇમાં સૌપ્રથમ અમે લાવ્યા હતા. એ સિવાય ૩૦ પ્લેયર ઓડિયો, લાઇવ સ્ટ્રીમિંગ ટેક્નોલોજી પણ મુંબઇમાં લાવનાર સૌપ્રથમ અમે હતા.
બદલાવથી ફાયદા અને નુકસાન
મેં જ્યારે આ કામની શરૂઆત કરી ત્યારે ટેકનોલોજી દર દસ વર્ષે બદલાતી હતી, જે હવે દર વર્ષે બદલાય છે. પહેલાં ટેકનોલોજીમાં ઝડપથી બદલાય આવતો ન હતો, તેથી મોટાપાયે ફિલ્મ બનાવનારા નિર્માતાઓ ઇક્વિપમેન્ટ ભાડે લેવાની જગ્યાએ પોતે જ વસાવી લેતા હતા. જે એમને પરવડતું હતું. તેથી અમારો ગ્રાહકવર્ગ સીમિત રહેતો હતો, જ્યારે હવે ટેકનોલોજી ઝડપથી બદલાય છે, ત્યારે નિર્માતાને એ વસાવવા કરતા ભાડે લેવા વધુ ફાયદાકારક રહે છે. એના કારણે અમારો ગ્રાહકવર્ગમાં વધારો થયો છે પણ એની સામે અમારું રોકાણ વધી ગયું છે. ટેક્નોલોજીના બદલાવની સાથે-સાથે અમારે પણ કદમથી કદમ મીલાવીને ચાલવુ પડે છે, નહીં તો તમે પાછળ રહી જાવ.
પહેલાં કરતા લોકો વધારે પ્રોફેશનલ બની ગયા છે
છેલ્લા દસ વર્ષમાં મને લાગે છે કે હવે ઇન્ડસ્ટ્રીઝમાં પહેલાના જેવા સંબંધો રહ્યા નથી. આ મારી કોઇની સામે ટીકા નથી, પણ જે છે એ છે. પહેલા એક ફોન પર કામ થઈ જતું હતું, પરંતુ હવે લોકો વધારે વ્યવસાયિક બની ગયા છે. એકબીજા પરથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે. ફિલ્મજગત સાથેની મારી સફર ખૂબ જ સારી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular