ભૂલને કારણે તેણે જીવ ગુમાવ્યો
પશ્ચિમ રેલવેના રામ મંદિર સ્ટેશન પર લોકલના પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં પડી જવાથી રાહુલ થોરવત નામના યુવકનું મોત થયું હતું. ચાલતી લોકલ પકડવાના પ્રયાસમાં રાહુલનો હાથ લપસી જતાં આ ઘટના બની હતી.
રાહુલ કોલ્હાપુરના ચાંદગઢનો વતની છે અને 12મા સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તે નોકરી માટે મુંબઈ આવ્યો હતો. તે દસ વર્ષથી સુરક્ષા ક્ષેત્રમાં કામ કરતો હતો. રામ મંદિર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર ચાલતી લોકલ પકડવાનો પ્રયાસ કરતી વખતે તેનો હાથ લપસી ગયો હતો. જેના કારણે તે સીધો પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં પડી ગયો હતો. લોકલ સ્પીડમાં હોવાથી તે પણ કોચ સાથે ઘસડાયો હતો. એ સમયે પ્લેટફોર્મ પરના મુસાફરોએ મદદ માટે બૂમો પાડતાં સ્થાનિક ગાર્ડે ઇમરજન્સી બ્રેક દબાવી હતી. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ આ વીડિયો શનિવારે સાંજે વાયરલ થયો હતો.
સ્થાનિકોએ રેલવે પોલીસની મદદથી રાહુલને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાંથી બહાર કાઢ્યો હતો, પરંતુ તે મૃત્યુ પામ્યો હતો. ચાર વરેષ પહેલા રાહુલના પિતાનું અવસાન થયા બાદ પારિવારિક જવાબદારી રાહુલના માથે જ હતી. રાહુલના પરિવારમા ંમાતા, પત્ની અને બે બહેન છે. તે ઘરનો એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો.
બોરિવલી પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો છે. રેલવે પોલીસે લોકોને ચાલુ લોકલ ટ્રેન પકડવાનો પ્રયાસ ન કરવા અપીલ કરી છે.