દહિસરમાં મેડિટેશન સેન્ટરમાં જવા નીકળેલાં વૃદ્ધાને પાલિકાના ડમ્પરે અડફેટે લીધાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભત્રીજાનાં લગ્ન માટે ભાવનગરથી મુંબઈ આવેલાં ગુજરાતી સિનિયર સિટિઝનનું લગ્નની સવારે જ માર્ગઅકસ્માતમાં મૃત્યુ થયું હોવાની ઘટના દહિસરમાં બની હતી. મેડિટેશન સેન્ટરમાં જવા ઘરેથી નીકળેલાં વૃદ્ધાને રસ્તો ઓળંગતી વખતે પાલિકાના ડમ્પરે અડફેટે લીધાં હતાં. દહિસર પોલીસે ડમ્પરના ડ્રાઈવરને તાબામાં લીધો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર દહિસર પૂર્વના આનંદનગર વિસ્તારમાં મંગળવારની સવારે સાત વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં ચંદ્રિકાબહેન ચંદ્રકાંત ભટ્ટ (૭૮)નું મૃત્યુ થયું હતું. ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતાં ચંદ્રિકાબહેનના બોરીવલીમાં રહેતા ભત્રીજાનાં મંગળવારની બપોરે લગ્ન હતાં. જોકે લગ્નની સવારે જ અકસ્માતમાં ચંદ્રિકાબહેને જીવ ગુમાવતાં ભટ્ટ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાને પગલે ભારે ગમગીની વચ્ચે લગ્ન પાર પડ્યાં હતાં.
ચંદ્રિકાબહેન સમયાંતરે દહિસરના કૈલાસ એપાર્ટમેન્ટના ફ્લૅટ નંબર-૬૦૪માં રહેતી બહેન જ્યોતિ યાજ્ઞિકના ઘેર રહેવા આવતાં હતાં. બોરીવલીમાં રહેતા નાના ભાઈ કશ્યપ બધેકાના પુત્રનાં લગ્ન હોવાથી ચંદ્રિકાબહેન ૧૧ ફેબ્રુઆરીએ સગાંસંબંધી સાથે મહુવાથી મુંબઈ આવ્યાં હતાં અને દહિસરમાં બહેનના ઘેર રોકાયાં હતાં.
મળતી માહિતી અનુસાર ચંદ્રિકાબહેન આનંદનગરમાં જ આવેલા મેડિટેશન સેન્ટરમાં જવા માટે નીકળ્યાં હતાં. તે બિલ્ડિંગની સામે રસ્તો ઓળંગી રહ્યાં હતાં ત્યારે ડમ્પરે તેમને અડફેટે લીધાં હતાં. બિલ્ડિંગના વૉચમૅને ઘટના બનતાં જ તાત્કાલિક જ્યોતિબહેનના પરિવારને જાણ કરી હતી. ગંભીર હાલતમાં ચંદ્રિકાબહેનને દહિસરની સમર્પણ હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમણે છેલ્લા શ્ર્વાસ લીધા હતા.
કહેવાય છે કે ઘટના પછી ડમ્પરનો ડ્રાઈવર અમરનાથ હસુરે ઘટનાસ્થળે જ હાજર હતો. ચંદ્રિકાબહેનને હૉસ્પિટલમાં લઈ જવા તેણે પણ મદદ કરી હતી. ચંદ્રિકાબહેનના પતિ ચંદ્રકાંતભાઈની ડાયાબિટીસને કારણે દૃષ્ટિ નબળી થઈ ગઈ હોવાથી તે લગ્નપ્રસંગ માટે મુંબઈ આવ્યા નહોતા. મંગળવારની મોડી સાંજ સુધી તેમને આ ઘટનાની જાણ કરાઈ નહોતી. ચંદ્રિકાબહેનના પુત્ર સુધીર ભટ્ટ ઘણાં વર્ષોથી ‘મુંબઈ સમાચાર’માં ફરજ બજાવે છે.