સુપ્રીમ કોર્ટના જજને જ અરજદારે આતંકવાદી ગણાવતાં CJI ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીએ શુક્રવારે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રો દ્વારા આ અંગે મળેલી માહિતી અનુસાર અરજદાર પેન્ડિંગ કેસની સુનાવણી કરવા ઈચ્છે છે. આ માટે તેણે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં અરજદારે સુપ્રીમ કોર્ટના જજને આતંકવાદી ગણાવ્યા હતા. આ અંગે ટીકા કરતાં CJI ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કહ્યું હતું કે તમે કોર્ટના જજ પર આવા આરોપો લગાવી શકો નહીં. અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે હું કોર્ટમાં તમારો બચાવ ત્યારે જ શરૂ કરીશ જ્યારે તમે તમારી ભૂલ માટે માફી માગશો. તેના પર અરજદારે જજને આતંકવાદી કહેવા બદલ કોર્ટમાં માફી માગી હતી. તેણે કહ્યું કે મેં કોરોના મહામારીના સમયે અરજી દાખલ કરી હતી, ત્યારે હું ખૂબ જ પરેશાન હતો. કોર્ટે આ પ્રકરણે જણાવ્યું હતું કે તમારી માફી પૂરતી નથી, તમારું આ વલણ કોર્ટનું અપમાન છે. અમે તમને ‘કારણ બતાવો’ નોટિસ મોકલીશું કે, શા માટે તમારી સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ ન થવી જોઈએ. અમે તમારી અરજી પર સમય પહેલા સુનાવણી કરી શકતા નથી, અરજીને ફગાવી દેવી જોઈએ. ઉપરાંત, કોર્ટે અરજદારના વર્તન અંગે એફિડેવિટ દાખલ કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે.