વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં શુક્રવારે મહત્ત્વનાં નિર્ણય લેવામાં આવ્યા હતા, જે પૈકી સંરક્ષણ ક્ષેત્રના જવાન માટે વન રેંક વન પેન્શન યોજનામાં જરુરી સુધારોને મંજૂરી આપી હતી, તેનાથી ડિફેન્સ ક્ષેત્રના 25 લાખથી વધુ પરિવારને રાહત થશે. કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યાં હતા. મોદી સરકારે વન રેંક વન પેન્શન યોજના (One Rank One Pension)માં સુધારો કર્યો હતો, જેમાં 25,13,002 સૈનિકોને જોડવામાં આવ્યા છે. સરકારે આ યોજનામાં સુધારો કરતા કેન્દ્ર સરકાર પર 8,450 કરોડ રુપિયાનું ભારણ થશે. કેન્દ્ર સરકારે આ સુધારો જુલાઈ, 2009થી જૂન, 2022ની વચ્ચે નિવૃત્ત થનારા ડિફેન્સ ફોર્સના લોકોને ફાયદો થશે.
પહેલી જુલાઈ, 2014 પછી સર્વિસમાંથી નિવૃત્ત થનારા લશ્કરી જવાનોને ઓઆરઓપી (One Rank One Pension)ના લાભાર્થીઓની સંખ્યા 25,13,002 થઈ છે. પહેલી એપ્રિલ 2014 પૂર્વે તેની સંખ્યા 20,60,220 હતી. નવા સુધારાને કારણે 8,450 કરોડ રુપિયાનું ભારણ પડશે. જોકે, પહેલી જુલાઈ, 2014 પછી પોતાની ઈચ્છાથી સર્વિસમાંથી નિવૃત્તિ લીધી હોય તે જવાનોને લાભ મળશે નહીં, એમ પ્રધાને જણાવ્યું હતું.