પ્રેમીએ લગ્નનું વચન આપીને ફરી જતા યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ

આમચી મુંબઈ

ભાયખલા સ્ટેશને જીવના જોખમે કોન્સ્ટેબલે યુવતીનો બચાવ્યો જીવ, વીડિયો વાયરલ

 

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોયફ્રેન્ડે લગ્નનું વચન આપ્યા પછી વારંવાર ફરી જવાને કારણે ગુસ્સે થયેલી યુવતીએ શનિવારે ભાયખલા રેલવે સ્ટેશન ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એ જ વખતે લોકલ ટ્રેનના મોટરમેને લોકલ ટ્રેનને રોકી લેવાની સાથે સાથે આરપીએફના કોન્સ્ટેબલે પોતાના જીવની પણ પરવાહ કર્યા વિના ગણતરીની સેક્ધડમાં ટ્રેનની સામેથી યુવતીને ખેંચી લેતા તેનો જીવ બચાવી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મધ્ય રેલવેના ભાયખલા રેલવે સ્ટેશન ખાતે શનિવારે સાંજના ૫.૫૫ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. સૌથી પહેલા યુવતીએ એક નંબરના પ્લૅટફૉર્મ ટ્રેકમાં ઉતરીને આત્મહત્યાના ઉદ્દેશથી ઊભી રહી હતી. જોકે, પ્રવાસીઓએ તેને ધમકાવ્યા પછી ત્યાંથી હટીને અપ લાઈનમાં ચિંચપોકલી સ્ટેશન તરફ ભાગી હતી. એ જ વખતે બે નંબરના પ્લૅટફૉર્મ પરથી ટ્રેન આવતી જોવા મળ્યા પછી ટ્રેનની સામે વધુ ફાસ્ટ દોડી હતી, ત્યાર બાદ તેની પાછળ રવિન્દ્ર સાનમ નામના કોન્સ્ટેબલે પણ યુવતી પાછળ ભાગ્યો હતો. પ્રવાસીઓની સાથે પોલીસે પણ સામેથી આવતી ટ્રેનને રોકવાનો સંકેત આપ્યો હતો. લોકલ ટ્રેનના મોટરમેને ટ્રેનને ઈમર્જન્સી રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તે સફળ રહ્યો હતો. ટ્રેનની ઝડપ ઘટી જવાને કારણે યુવતીથી માંડ પાંચેક ફૂટનું અંતર રહ્યું હતું ત્યારે સાનપે યુવતીનો હાથ પકડીને સીધી ટ્રેનની સામેથી ખેંચી લીધી હતી. જોકે, મોટરમેનની સાથે સાનપે બહાદુરી દાખવી ન હોય તો ચોક્કસ યુવતીએ જીવ ગુમાવ્યો હતો, એમ ભાયખલા રેલવે પોલીસ સ્ટેશનના આરપીએફના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર ઉપેન્દ્ર ડાગરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.

 

ટ્રેનને ઈમર્જન્સીમાં રોકી લેવાને કારણે દસેક મિનિટ ટ્રેન મોડી પડી હતી, ત્યાર બાદ આરપીએફના જવાનની સાથે અન્ય મહિલા પોલીસની મદદથી યુવતીને ભાયખલા રેલવે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. યુવતીએ તેનું નામ રેખા પાટીલ (નામ બદલ્યું છે. દાદરની રહેવાસી, ઉંમર ૨૨) ઓળખ આપી હતી, જ્યારે તેણે કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ (વિનાયક પાટીલ) છે. હું તેને પ્રેમ કરું છું અને તેણે મને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પણ જ્યારે જ્યારે હું લગ્નની વાત કરું તો મારા પર ગુસ્સે થાય છે અને હવે બીજી છોકરીઓ સાથે ફરે છે. આ મુદ્દે શનિવારે અમારી વચ્ચે ઝઘડો થયો હતો, તેથી ગુસ્સે થઈને મેં અંતિમ પગલું ભરવાનું વિચાર્યું હતું. યુવતી સાથે ઝઘડો થયા પછી યુવક પણ ભાયખલા રેલવે સ્ટેશને બેઠો હોવાની માહિતી મળ્યા પછી યુવકને પોલીસ ચોકીમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવતા તેણે વિનાયક વૈભવ પાટીલ (ઉંમર ૩૩) નામે ઓળખ આપી હતી. તે નાલાસોપારાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. લગ્ન કરવાની મનાઈ કરી નહોતી.
આ યુવકની વધુ સખતાઈથી પૂછપરછ કરવામાં આવ્યા પછી યુવકે પોલીસને કહ્યું હતું કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવાનું પણ વચન આપ્યું છે, પરંતુ મેં તેને હાલમાં લગ્ન કરવાની ના પાડી હતી. મેં તેને થોડા સમય સુધી રોકવાનું જણાવ્યું હતું પણ મારી વાત માનવા તૈયાર નહોતી.ઉ
મહિલા રેલવે પોલીસની સાથે અન્ય જીઆરપીના ઉચ્ચ અધિકારીઓએ બંને વચ્ચે મધ્યસ્થી કર્યા પછી યુવકે એ જ યુવતી સાથે લગ્ન કરવાની સમંતિ આપી હતી. એટલું જ નહીં, યુવતી પણ અંતિમ પગલું નહીં ભરે એવી ખાતરી આપી હતી. બંને જણને રેલવે પોલીસે સમજાવ્યા પછી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર, જીઆરપીના ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં તેમના દોસ્તને વિનાયક પાટીલ અને યુવતીને સોંપવામાં આવ્યા હતા. યુવતીનો જીવ બચાવવામાં રેલવે પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર સાનપનો આભાર માન્યો હતો, એમ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું.
યુવતીએ કરેલા આત્મહત્યાના પ્રયાસનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વીડિયો વિગતવાર માહિતી તપાસતા રેલવે પોલીસે અસાધારણ કામગીરી બજાવી હતી, જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ચોખ્ખું જણાયું હતું કે જો પોલીસે એક પળનો પણ વિલંબ કર્યો હોત તો યુવતીએ જ નહીં, પરંતુ કોન્સ્ટેબલે જીવ ગુમાવ્યો હતો, એમ પોલીસે વધુમાં જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.