બીલીની પ્રદક્ષિણા કરવાથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે

ઉત્સવ

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો? મજામાં હશો. પાછી તહેવારોની રમઝટ બોલવાની છે. રાંધણ છઠ, શીતળા સાતમ, રક્ષાબંધન, બીજી ઘણી બધી વસ્તુઓ પણ ખરી, પણ હાઇલાઇટ ઓફ ધ ફેસ્ટિવલ્સ કહીએ તો નાગપંચમી.
શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરતાં કરતાં તમને એમના વિશે અને એમના માટે થતી પૂજા અને અર્ચનમાંથી અમુક વસ્તુઓનું જ્ઞાન થતું હોય છે જે બહુ જ સુંદર રીતે આપણા મહાન જ્ઞાનદાતાઓ વર્ણવી ગયા છે. એવું એક સુંદરમજાનું અલૌકિક સત્ય આપણને આધુનિક યુગમાં, કળજુગમાં જોવા મળે. એનું સત જાળવી રાખતું વૃક્ષ અને તેનું ફળ બીલી.
હા મિત્રો, આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે એકદમ નિર્દોષ અને એકદમ સુંદર, અનુકૂળ કે અનુરૂપ આવે એવું, કામ આવે એવું, કુરબાનીનાં ચિહ્નો દર્શાવે તેવું, એનો અર્થ સમજાવે એવું અને જો એનો સાર આપણે સમજીને જીવનમાં ઉતારીએ તો એના જેટલું પવિત્ર સ્થાન આપણને અપાવી શકે એવું ફળ એટલે બીલીનું ફળ, પુષ્પ. શિવજીની આરાધના કરતાં કરતાં બોધપાઠ શીખવાડી ગયું.
મારાં માસીની દીકરીની દીકરી ફોરેનથી આવી હોવાના કારણે એને બધી પૂજા-અર્ચના, વિધિઓ સમજાવવા માટે વડીલો જ્ઞાન આપે. પૂજાપો સમજાવવામાં આવે. વિધિઓ સમજાવવામાં આવે. એમાં આપણો ફાયદો થઈ ગયો. પંડિતજી જે વિધિ અને બીજું બધું કહેતા હતા એમાં બીલીપુષ્પ વિશે પણ વાત કરતા હતા. પંડિતજી કહેતા હતા એ મેં પણ ધ્યાનથી સાંભળ્યું. મમ્મી-પપ્પાના મોઢે બીલીના ફળનું મહત્ત્વ, બીલીપત્રનું મહત્ત્વ. બીલીના ઝાડનું શિવજીની પૂજામાં મહત્ત્વ એ વિશે ખૂબ સાંભળ્યું છે અને પૂજા-અર્ચના કરી પણ છે.
પણ ખાસ જ્યારે તે સુંદર વસ્તુ વિશે આધુનિક જીવન અને માણસના વિચાર અને મનની સ્થિતિ સાથે સાંકળીને સમજાવવામાં આવે કે આ વસ્તુ આપણા જીવનમાં સ્વભાવ સાથે કેવી રીતે જોવી, કેવી રીતે આપણા જીવનમાં લાભદાયી થશે ત્યારે તો કાન વધારે સરવા કરીને સાંભળી લેવું એમ વડીલોએ કહ્યું હતું. બરાબર છેને! આપણા જીવનમાં કામ આવી શકે તેવું વાંચીને કે જાણીને તેને અનુરૂપ કામ કરીશું તો જીવનમાં આપણે પણ બીલીરૂપે ફળ મેળવી શકીશું. આપણું પણ જીવન શિવજીની કૃપાથી સારું થશે.
કુદરતે પૂજા-અર્ચના અને પવિત્રતામાં પલળવા માટે વર્ષાઋતુ આપી, પણ સમાજમાં – બહાર – ચારેકોર બધું જાણે સળગી રહ્યું છે. એવામાં આપણે સારું વાચન અને સારું નજર જ્ઞાન લઇ આપણા જીવનને, મનના ઉપવનને કેટલું સુંદર બનાવી શકીએ અને સારા વિચારોથી કેટલું સશક્ત બનાવી શકીએ એના પર આપણા બાહ્ય જીવનમાં આગેકૂચનો આધાર છે.
તો ચાલો સારું જીવન જીવવા માટે સારું વાચન કરી એનો સાર જીવનમાં ઉતારી જીવનને સારું બનાવીએ. છેને પહેલીમાં પહેલી! આવો વાંચીને જ ઉકેલીએ. શિવજીની અર્ચનામાં ઉપયોગમાં આવતું સુંદર પુષ્પ, બીલીનું ઝાડ, એનું ફળ, મહત્ત્વ શું છે એ જાણીએ અને એની ક્વોલિટીને, એની કુદરતી હયાતીને સમજીએ.
‘અપુષ્પા ફલવતિસ્યાત ઇતિ વનસ્પતિ.’
એટલે કે પુષ્પ ન આવે અને ફળ આવે તેને વનસ્પતિ કહેવાય. પાર્વતીજીએ આ વનસ્પતિઓ અર્પણ કરી મહાદેવજીને પ્રસન્ન કરેલા તે બીલીપુષ્પ.
ફૂલ ન હોય, એટલે પરાગરજ પુંકેસર ફલન જેવી ક્રિયા આવે નહીં તેને દૈવી વનસ્પતિ કહેવાય. બીલીને ફૂલ નથી આવતાં, પણ ફલ આવે છે…
કુન્તા માતા દૈવી સ્ત્રી કહેવાય. મંત્રથી સંતાન થાય. માનવીય ક્રિયાઓથી પર.
આમ બીલીપત્ર દૈવી વૃક્ષ હોઈ તે શિવજીને ચઢાવાય છે.
પૈસાની ભયંકર તકલીફ હોય તો બીલીપત્રના વૃક્ષને લક્ષ્મીજી સમજી તેની આગળ બેસી શ્રીસૂક્તના પાઠ કરવા. ગાય આગળ બેસીને પાઠ કરો.
તો પણ ખૂબ પૈસાદાર થવાય. બીલીનું ઝાડ મહાદેવ સ્વરૂપ છે. બીલીની સેવા કરવાથી શ્રીલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બીલીનો કાંટો વાગવાથી મૃત્યુની પીડા હરાય છે. બીલીની પ્રદક્ષિણા કરવાથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. નાનામોટા જીવજંતુ જાણેઅજાણે માર્યા હોય તો બીલીની પ્રદક્ષિણાથી એ પાપ ધોવાય છે. બીલીના ઝાડ નીચે શિવપુરાણ વાંચવાથી અક્ષય પુણ્ય મળે છે. બીલીના ઝાડને પાણી પિવડાવવાથી શિવજીના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે.
બીલીના ઝાડ નીચે દીવો કરવાથી તત્ત્વજ્ઞાન મળે છે. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન, મુક્તિ પ્રાપ્તિ થાય છે. આ મૃત્યુ લોકમાં જેના ઘરે બીલી છે એને પવિત્ર માનવામાં આવે છે. તેના ઘરે અડસઠ તીર્થો બિરાજમાન છે. બીલીના ઝાડ નીચે માટીનું શિવલિંગ બનાવવાનો ખૂબ મહિમા છે. બીલીના ઝાડની નીચે જે ઓમ નમ: શિવાય મહામંત્રની માળા કરે છે તો તેને જેટલાં બીલીનાં પાન છે તેટલાં પાન મહાદેવને ચડાવ્યાં હોય એટલું પુણ્ય મળે છે. કોઈ પણ માળાને સિદ્ધ કરવી હોય તો બીલીના ઝાડ નીચે જાપ કરવો જોઈએ. બીલીનું જંગલ જે લોકો બનાવે છે તેમને ભવોભવ શ્રીલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બીલીના ઝાડને સ્પર્શ કરવામાત્રથી અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે. બીલીના ઝાડનાં પાન એ જ તોડી શકે છે જેણે વાવ્યું છે. જેણે ઉછેર્યું હોય એને પાન તોડવાનો અધિકાર નથી (શિવ રહસ્ય). જે વાવે એ જ તોડે. જીવજંતુ માર્યા હોય તો બીલીની ૧૦૮ પ્રદક્ષિણાથી એ પાપથી મુક્ત થઈ શકાય છે. બીલીનું ઝાડ મહાદેવ સ્વરૂપ હોવાથી દર્શન કરવાથી પાપ ધોવાઈ જાય છે. જેમણે આ ધરતી પર બીલી વાવ્યાં છે તેમણે મહાદેવની દુનિયામાં વિશ્ર્વકલ્યાણનું કામ કર્યું છે અને વિશ્ર્વકલ્યાણ એ જ શિવનો સંકલ્પ છે, જેથી એ જીવને શિવપ્રાપ્તિ થાય છે. બીલીના ઝાડ નીચે શિવભક્તને જમાડવાથી દ્રારિદ્રનો નાશ થાય છે.
બીલીના ઝાડ નીચે સૂવાથી કાલરાત્રિ સુધરે છે. બીલીના ઝાડ નીચે ભોજન કરવાથી કાં તો ૬૮ તીર્થમાં ભોજન કરવાનું પુણ્ય મળે છે. જે લોકો જ્યોતિર્લિંગની યાત્રા કરવામાં અસફળ હોય તે જીવે બીલીનો આશ્રય લેવો જોઈએ અને જે ઘર બીલીની છાયા નીચે હોય, તે ઘર, ઘર નથી તીર્થ છે. દેવતાઓ પણ બીલીના ઝાડની સ્તુતિ કરે છે. બીલીના ઝાડના ક્યારાને પાણીથી ભરી દેવાથી અને દીવો કરવાથી મહાદેવ રાજી થાય છે. બીલીના ઝાડ નીચેથી શબયાત્રા નીકળે તો જીવ મુક્ત થાય છે. માત્ર એક જ બીલી વાવવાથી એક કરોડ શિવ મંદિર નિર્માણનું પુણ્ય મળે છે. શિવ મંદિરમાં પખાલ થઈ ગઈ હોય તો બીલીના ઝાડને પાણી અર્પણ કરી દેવું, જે મહાદેવને ચડાવ્યા બરાબર છે.
બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એ ત્રિદેવ બીલીમાં બિરાજમાન છે. બીલીના વૃક્ષને શ્રી વૃક્ષ કહેવાય છે. જો શક્ય હોય તો જીવનમાં એક વાર બીલીનું ઝૂંપડું બનાવીને ૩, ૫ કે ૧૧ રાત્રિ રહેવું જેથી ભવેભવનાં તમામ અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે અને શિવપદ મળે છે (શિવ રહસ્ય). નમ: શિવાય, નમ: શિવાય, નમ: શિવાય. દેવોં કે દેવ મહાદેવને, ભોળાનાથને પ્રણામ.
દરેકેદરેક વસ્તુમાં પ્રભુ આપણને સગવડ આપે છે. સુંદરતા આપી છે. આસાની આપી છે. જેમ આપણા વડીલો કહેતા હોય છે એ દૃષ્ટિકોણને આપણે આપણા રોજિંદા જીવનમાં અપનાવી શકીએ એના માટે આ પૂજા, અર્ચના અને સાધના છે. આવી પૂજા, અર્ચના અને સાધના તો અચૂક કરવી જોઈએ. કશું જ નહીં તો પેલું બીલીનું ઝાડ જે દેખાય એને સમજી એના ગુણને, એના તત્ત્વને અને એના સદ્ગુણોને આપણા જીવનમાં અનુકરણ કરી આપણા જીવનને સ્વર્ગ બનાવીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.