૨૦૫૦ સુધી આપણી થાળીમાંથી કેટલી વસ્તુ ઘટશે અને કઈ વસ્તુઓ ઉમેરાશે?

ઇન્ટરવલ

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

ગ્લોબલ વૉર્મિંગની અસર આપણા બધાના જીવન પર એટલી હદે જોવા મળી રહી છે કે ન પૂછો વાત… હંમેશાં ઠંડા રહેતા યુરોપ અને યુકે જેવા દેશોમાં પણ પારો ૪૦ ડિગ્રીનો આંકડો પાર કરી ચૂક્યો છે અને લોકો ગરમીથી પારાવાર બેહાલ થઈને હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. જોકે આ તો હજી શરૂઆત જ છે, આવાં તો અનેક પરિવર્તનો અને મુશ્કેલીઓનો સામનો કરવા આપણે તૈયાર રહેવું પડશે. આજે આપણે અહીં વાત કરીશું આવા જ એક મહત્ત્વના પરિવર્તન વિશે અને આ પરિવર્તન એ આપણી ખાણી-પીણીની આદત સંબંધિત હશે. હાલમાં તો આપણી થાળીમાં અનેક મહત્ત્વનાં શાકભાજી અને વનસ્પતિઓનો સમાવેશ થાય છે, પણ ૨૦૫૦ સુધી તેમાં તબક્કાવાર મહત્ત્વના ફેરફારો આવશે અને યાદી અમે નહીં, પણ આહાર નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ યાદી અનુસાર ભવિષ્યમાં આપણે નાસ્તામાં પ્લેન્ટેન (કેળા જેવું દેખાતું, પણ આકારમાં મોટું અને પ્રમાણમાં ઓછું મીઠું હોય એવું ફળ) કે પછી પૅંડનસ નામના વૃક્ષનાં ફળો આરોગતા હોઈશું.
યુક્રેનના યુદ્ધના કારણે દુકાળનું જોખમ વધી રહ્યું છે, કારણ કે આ યુદ્ધના જ પરિણામ સ્વરૂપે આખી દુનિયામાં વિતરિત કરવા માટે મર્યાદિત પ્રમાણના પાક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આખા વિશ્ર્વની ૯૦ ટકા કેલરી ૧૫ પ્રકારનાં ધાન્યમાંથી મળે છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે અન્ન, ધાન્યનું ઉત્પાદન પણ ઓછું થાય એવું જોખમ ઉદ્ભવે છે અને તેને કારણે તેની કિંમત વધવાની શક્યતા રહેલી છે. ભૂખને સંતોષવા માટે પર્યાવરણમાં થઈ રહેલાં પરિવર્તન વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે આપણે અન્ન, ધાન્યનો પુરવઠો વધારવો પડશે, એવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.
નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે આખી દુનિયામાં લોકો અનેક પ્રકારની વસ્તુઓ ખાય છે અને ભવિષ્યમાં આવનારા અન્ન સંકટમાંથી માર્ગ કાઢવા માટે આ જ વનસ્પતિઓ મહત્ત્વનો ભાગ ભજવશે. વિશ્ર્વભરમાં ૭,૦૦૦થી વધુ પ્રકારનાં અનાજ-કઠોળ ખાવામાં આવે છે અને તેમાંથી માત્ર ૪૧૭ પ્રકારનાં અનાજ-ધાન્યનું ઉત્પાદન આપણે કરીએ છીએ, ભવિષ્યમાં આપણા ભોજનના મહત્ત્વના ઘટકો શું હશે એ વિશે વાત કરી લઈએ…
સૌથી પહેલાં આ યાદીમાં નામ આવે છે પૅંડનસનું… આ એક નાનકડું ઝાડ છે અને આ ઝાડ પેસિફિક ટાપુથી લઈને ફિલિપાઈન્સ સુધીના કિનારાની પટ્ટીમાં ફેલાયેલું જોવા મળે છે. અગ્નિ એશિયામાં એનાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે અને એના દાણા જેવાં દેખાતાં ફળો કાચાં જ ખાવામાં આવે છે કે પછી તેને રાંધીને પણ ખાવામાં આવે છે. આ વનસ્પતિ દુકાળ, તોફાન અને એસિડવાળા વરસાદમાં પણ ટકી રહે છે. આ એક પૌષ્ટિક આહાર છે અને બદલાઈ રહેલા પર્યાવરણમાં પણ આ વનસ્પતિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સશક્ત છે, એવું આ યાદી તૈયાર કરનારા નિષ્ણાતોનું કહેવું છે એટલું જ નહીં, પણ આ વનસ્પતિનો જો વધુ ઉપયોગ કરવામાં આવે તો તેનો વિસ્તાર દુનિયાના અન્ય દેશોમાં પણ કરી શકાશે…
પૅંડનસથી આગળ વધીએ અને વાત કરીએ ગેડાગુડીની તો આ ગેડાગુડી પણ ફ્યુચરનું સુપરફૂડ સાબિત થઈ શકે છે. આ ગેડાગુડી દ્વિદળ કઠોળ મસૂર, નટ્સ વગેરે વર્ગનો ખાદ્યપદાર્થ છે અને તેની કિંમત પણ સસ્તી હોય છે. સસ્તું હોવા છતાં તેમાં પ્રોટીન અને વિટામિન બી ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કિનારાની પટ્ટીના ભાગમાં જોવા મળતું વાતાવરણ તેના ઉત્પાદન માટે એકદમ પરફેક્ટ છે. દુનિયાભરમાં મસૂર અને નટ્સના ૨૦,૦૦૦થી વધુ અલગ અલગ પ્રકાર જોવા મળે છે અને તેમાંથી આપણે બસ ગણતરીનાં કઠોળનો ઉપયોગ જ ખાવા-પીવા માટે કરીએ છીએ. જોકે આ સિવાય કેટલીક એવી જંગલી પ્રજાતિનું કઠોળ પણ છે, જેના વિશે સંશોધકોને માહિતી છે. બૉટ્સવાના, નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના કેટલાક ભાગમાં મોરાના નામના દાણા ઉકાળીને ખાવામાં આવે છે કે પછી મકાઈની સાથે તેને દળવામાં આવે છે.
જોકે બધા જ પ્રકારના દાણા કંઈ ખાવાલાયક નથી હોતા, પણ તેમ છતાં તેમાંથી ખાઈ શકાય એવા દાણાની તપાસ કરીને પોષક પ્રજાતિનું અનાજ શોધવાના પ્રયાસો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.
અગાઉ કહ્યું એમ દુનિયામાં અલગ અલગ પ્રકારનાં બીજાં જંગલી અનાજ પણ છે અને તેમાંથી ખાવાલાયક નવાં અનાજ અને કઠોળની તપાસ પણ કરવાની નિષ્ણાતોની ધારણા છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોને એન્સેટ વિશે પણ માહિતી મળી છે.
આ એન્સેટને બનાવટી કેળાં તરીકે પણ ઓળખવામાં આવે છે. આવું એટલા માટે કે એને કેળાંની જ એક પ્રજાતિ માનવામાં આવે છે અને તે ફક્ત ઈથિયોપિયામાં જ ખાવામાં આવે છે. કેળા જેવું આ ફળ ખાઈ શકાય છે અને તેના મૂળનો ઉપયોગ બ્રેડ વગેરે તૈયાર કરવામાં થાય છે.
ગરમ વાતાવરણમાં વૃદ્ધિ પામતું ફળ નજીકના ભવિષ્યમાં ૧૦ કરોડથી વધુ લોકોની ભૂખ સંતોષી શકે છે, એવું તેનો ઊંડાણથી અભ્યાસ કરવામાં આવતાં જણાઈ આવ્યું છે. ઈથિયોપિયાની બહાર આ પ્રકારના વનસ્પતિ કે ફળ વિશે ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. ત્યાં આ વનસ્પતિના ડીંટિયાનો ઉપયોગ ખીચડી અને રોટલી બનાવવા માટે પણ કરવામાં આવે છે.
ગ્લોબલ વૉર્મિંગની આપણા જીવન પર આટલી ગંભીર અસર જોવા મળી રહી છે અને તેની અસર આપણી રહેણી-કરણી સિવાય ખાવા-પીવા પર પણ જોવા મળશે અને જો હજી પણ આપણે નહીં સુધરીએ
તો ભવિષ્યમાં આ સંકટ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે એવી શક્યતાને નકારી શકાય નહીં!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.