સોનામાં અણધાર્યો ઉછાળો આવતાં ખરીદી ધીમી પડી

વેપાર વાણિજ્ય

કોમોડિટી -રમેશ ગોહિલ

અમેરિકી ફેડરલ રિઝર્વે ગત ૨૬-૨૭ જુલાઈની નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો, પરંતુ ભવિષ્યમાં વ્યાજદરમાં વધારો આક્રમક ધોરણે કરવામાં નહીં આવે એવા સંકેતો આપતા વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હતું અને સોનામાં સલામતી માટેની માગ ખૂલતાં ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવતા સ્થાનિક બજારોમાં પણ સોનાના ભાવ ઊછળી આવ્યા હતા. જોકે, ભાવમાં અણધાર્યો ઉછાળો આવવાને કારણે સ્થાનિકમાં ગ્રાહકલક્ષી માગ મંદ પડી હતી.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સ્થાનિક સોના-ચાંદી બજારમાં ગત સોમવારે ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંતના અર્થાત્ ૨૨ જુલાઈ, ૨૦૨૨ના અંતના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦,૮૧૬ સામે સાધારણ નરમાઈના ટોને ૫૦,૮૦૩ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૦,૭૮૦ અને ઉપરમાં ૫૧,૬૨૩ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે ૧.૨૭ ટકા અથવા તો ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૫૦ વધીને રૂ. ૫૧,૪૬૬ના મથાળે બંધ રહ્યા હતા. આમ ભાવમાં આવેલા અણધાર્યા ઉછાળાને કારણે માગ ધીમી પડી હોવાનું કોલકાતા સ્થિત હોલસેલર જે જે ગોલ્ડહાઉસનાં પ્રોપ્રાઈટરે જણાવ્યું હતું. વધુમાં ઈન્ટરનેશનલ જ્વેલરી શૉ માટે મહિનાના મધ્ય સુધી જ્વેલરી ઉત્પાદકોની ખરીદી રહ્યા બાદ ગત સપ્તાહે ભાવ વધી આવતા ગત સપ્તાહના મધ્યથી જ્વેલરોની ખરીદી પણ અટકી હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું.
એકંદરે ગત સપ્તાહે ભાવમાં બેતરફી વધઘટ રહેતાં અને મધ્ય સપ્તાહ પછી માગ નિરસ થવાને કારણે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વિશ્ર્વ બજારની સરખામણીમાં ઔંસદીઠ ૬ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે આગલા સપ્તાહે ઔંસદીઠ ૧૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા.
વધુમાં ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે કોવિડ-૧૯ મહામારીને નિયંત્રણમાં રાખવા માટે લોકડાઉન અમલી બનાવાયું હોવાથી સોનાની માગ પર માઠી અસર પડી હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ પર ઔંસદીઠ ૪થી ૮.૫૦ ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. વધુમાં ગત સપ્તાહે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જાહેર કરેલા સોનાની માગના વર્ષ ૨૦૨૨ના અર્ધવાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે બીજા છ માસિકગાળામાં પણ ચીનમાં કોરોના વાયરસ અંગેના નિયંત્રાત્મક પગલાં અને મહામારીને કારણે ગ્રાહકોના ખર્ચ પર માઠી અસર પડવાને કારણે ચીનની સોનાની માગમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં
આવી છે.
ગત સપ્તાહે સિંગાપોર ખાતે પણ આગલા સપ્તાહે માગ પ્રબળ રહ્યા બાદ રિફાઈનરો તરફથી પૂરો પાડવામાં આવતા સોનાના બાર (ગોલ્ડ બાર)નો પુરવઠો વિલંબિત થતાં ડીલરોએ સોનાના ભાવ પરનાં પ્રીમિયમ વધારીને ઔંસદીઠ ૧.૮૦થી બે ડૉલર જેટલાં કર્યાના અહેવાલ હતા. તેમ જ ગત સપ્તાહે જાપાન ખાતે પણ ડીલરો સોનાના ભાવ વિશ્ર્વ બજારની સમકક્ષ અથવા તો ઔંસદીઠ ૫૦ સેન્ટ પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા.
એકંદરે વૈશ્ર્વિક સોનામાં ગત સપ્તાહે ભાવમાં સાપ્તાહિક ધોરણે ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવા છતાં માસિક ધોરણે સતત ચોથા મહિનામાં ભાવઘટાડો નોંધાયો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વે તેની છેલ્લી નીતિવિષયક બેઠકમાં અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો. તેમ જ આગામી વ્યાજદરમાં વધારા માટે આક્રમક વલણ અપનાવવામાં નહીં આવે એવા સંકેત આપતા ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી પીછેહઠ અને બીજા ત્રિમાસિકગાળામાં અમેરિકાનો આર્થિક વૃદ્ધિદર મંદ પડતાં આર્થિક વૃદ્ધિની ચિંતા હેઠળ સોનામાં સલામતી માટેની માગ ખૂલતાં ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧.૬ ટકા જેટલો સુધારો નોંધાયો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે વધતા ફુગાવાને નાથવા માટે ફેડરલ રિઝર્વે સતત બીજી બેઠકમાં વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કર્યો છે. જોકે, વ્યાજદર વધારવાથી ફુગાવો અંકુશ હેઠળ આવે તેવી ધૂંધળી શક્યતા અને વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતાને કારણે સોનામાં સલામતી માટે રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. આમ રોકાણકારોને તેનો પોર્ટફોલિયો વિકેન્દ્રિત કરવાની તક મળી હોવાનું તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા માટે વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૧૭૧૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૧૮૪૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯,૮૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની અને રૂ. ૫૨,૭૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે.
ગત જૂન મહિનામાં અમેરિકામાં અમેરિકામાં ગ્રાહક ખર્ચમાં અથવા તો ફુગાવામાં વધારો થયો હોવાના નિર્દેશો સાથે ગત સપ્તાહના અંતે વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૧૭૬૫.૭૬ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૭ ટકા વધીને ૧૭૮૧.૮૦ ડૉલર આસપાસના મથાળે પહોંચ્યા હતા. આમ સપ્તાહના અંતે ડૉલરમાં નરમાઈ ને આર્થિક વૃદ્ધિની ચિંતાને કારણે સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હોવાનું આરજેઓ ફ્યુચર્સનાં માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ પેવેલિયન્સે જણાવતાં ઉમેર્યું હતું કે જો ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળે તો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ આક્રમક ધોરણે વધારો કરવાનો અભિગમ અપનાવે તેવી શક્યતા પણ નકારી ન શકાય અને વ્યાજદરમાં વધારાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારો રોકાણથી દૂર રહેતા હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.