ઇન્ટરનેશનલટોપ ન્યૂઝવેપાર

ફેડરલ રિઝર્વ પછી શું ભારતની રિઝર્વ બેન્ક પણ વ્યાજદર ઘટાડશે? આ વર્ષે સંભાવના કેવી છે?

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વ દ્વારા ચાર ચાર વર્ષ બાદ અણધારી રીતે, પા ટકા (૦.૨૫ બેસીસ પોઇન્ટ)ની ધારણાં સામે વ્યાજ દરમાં અડધા ટકા (૦.૫૦ બેસીસ પોઇન્ટ)ના ઘટાડાની જાહેરાત થયા બાદ ભારતીય રિઝર્વ બેન્ક હવે શું કરે છે તેની ઉત્સુકતા વધી ગઇ છે. ભારત અને અમેરિકાના સંજોગો અને અર્થતંત્રની પરિસ્થિતિ અલગ છે, પરંતુ પાછલા કેટલાક વર્ષથી એવું જોવા મળ્યું છે કે મોટેભાગે રિઝર્વ બેન્ક ફેડરલ બેન્કને અનુસરી રહી છે. આ માટે કારણો અને પરિબળો ગમે તે હોય પરંતુ ચિત્ર કંઇક એવુ જ
ઉપસ્યુ છે.

હવે દેશના બેંકરો, ઉદ્યોગો, રોકાણકારો તથા લોનધારકોની નજર હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની આવતા મહિનાની બેઠક પર નજર માંડીને બેઠાં છે. આપણે એ જાણીએ કે ખૂદ આરબીઆઇનો રિસર્ચ રિપોર્ટ અને આ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો શું કહે છે!

ફેડરલ રિઝર્વ પહેલા યુકે, કેનેડા તથા યુરોઝોનમાં વ્યાજ દરમાં ઘટાડાના પ્રારંભ થઈ ચૂકયો છે ત્યારે રિઝર્વ બેન્ક પણ તેમના પગલે ચાલશે તેવી ઉદ્યોગો ખાસ કરીને ઓટો ઉદ્યોગ તથા લોનધારકો અપેક્ષા રાખી રહ્યા છે. રિઝર્વ બેન્કે ફેબુ્રઆરી ૨૦૨૩થી ૬.૫૦ ટકા વ્યાજ દર જાળવી રાખ્યો છે.

નોંધવું રહ્યું કે, જુલાઈ તથા ઓગસ્ટનો ફુગાવો આરબીઆઈના ચાર ટકાના ટાર્ગેટ કરતા નીચો રહ્યો છે. જુલાઈમાં ૩.૫૪ ટકા તથા ઓગસ્ટનો રિટેલ ફુગાવો ૩.૬૫ ટકા રહ્યો છે. ફુગાવાના ટાર્ગેટ કરતા નીચા સ્તર તથા વર્તમાન વર્ષનું ચોમાસુ સારુ રહેતા રિઝર્વ બેન્ક ઓકટોબરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાનું શરૂ કરશે એમ એક બેન્કરે જણાવ્યું હતું.

જો કે ખાધાખોરાકીના ફુગાવાના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખતા આરબીઆઈ પા ટકા ઘટાડાથી પ્રારંભ કરશે, એવો તેમણે મત વ્યકત કર્યો હતો. ઓકટોબરની બેઠકમાં વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી ૨૦૨૫ના મધ્ય સુધીમાં આરબીઆઈ એકંદર એક ટકો ઘટાડો કરી રેપો રેટ ૫.૫૦ ટકા સુધી લઈ આવશે, તેવી ધારણાં બ્રોકરેજ પેઢી નોમુરા દ્વારા મૂકવામાં આવી છે.

અમેરિકા તથા ભારતમાં આર્થિક વિકાસ દર તથા ફુગાવાના ગણિતો વચ્ચે તફાવત છે તેને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક ફેડરલ રિઝર્વને અનુસરશે તેમ જણાતું ના હોવાનું એક સ્ટોક બ્રોકરે જણાવ્યું હતું. નોંધવું રહ્યુ કે, એસબીઆઈના ચેરમેન સી. એસ. શેટ્ટીએ પીટીઆઈને અગાઉ આપેલી એક મુલાકાતમાં ૨૦૨૪માં વ્યાજ દરમાં ઘટાડો જોવા નહીં મળવાની ધારણાં મૂકી હતી. ખાધાખોરાકીના ફુગાવાને ધ્યાનમાં રાખીને તેમણે આ પ્રકારની ધારણાં વ્યકત કરી છે. આપણે ખૂદ રિઝર્વ બેન્કની માહિતી ટાંકીએ તો અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા તાજેતરમાં વ્યાજદરોમાં ૫ચાસ બેસિસ પોઇન્ટના ઘટાડા બાદ આરબીઆઇ પણ વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે, પરંતુ આ વર્ષે નહીં. આરબીઆઇ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં રેપોરેટમાં ઘટાડો કરશે તેવી શક્યતા આરબીઆઇના રિસર્ચમાં વ્યક્ત કરવામાં આવી છે.

ઓગસ્ટ ૨૦૨૪માં દેશમાં સીપીઆઇ ફુગાવો ૩.૬૫ ટકા સાથે પાંચ વર્ષના તળિયે રહ્યો છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી શક્યતા ઓછી છે. વર્ષ ૨૦૨૫ની શરૂઆતનો સમયગાળો વ્યાજદરમાં ઘટાડા માટે શ્રેષ્ઠ સમય કહી શકાય.

સરકારની રોકડનું બેલેન્સ બેન્કિંગ સિસ્ટમની બહાર જઇ રહ્યું હોવાથી બેન્કિંગ સેક્ટરમાં આગામી સમયમાં પણ લિક્વિડિટીને લગતા પડકારો પ્રવર્તી શકે છે. સપ્ટેમ્બર તેમજ ઑક્ટોબરમાં ફુગાવામાં અંદાજિત વધારા છતાં, આગામી મહિનામાં સીપીઆઇ ફુગાવો પાંચ ટકા કરતાં નીચે રહે તેવી શક્યતા છે.

સમગ્ર નાણાવર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સરેરાશ ફુગાવો ૪.૬ ટકાથી ૪.૭ ટકાની રેન્જ વચ્ચે રહી શકે છે. જે આરબીઆઇના લક્ષ્યાંક ચારથી છ ટકાની વચ્ચે રહેશે. આ વરસે ચોમાસું સાનુકૂળ રહેતા સાત ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેનાથી ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે, જે ૧૦૯.૭ મિલિયન હેક્ટર થયું છે, જે પાંચ વર્ષની સરેરાશ કરતાં વધુ છે.

૧૭ સપ્ટેમ્બર સુધીમાં ખરીફ પાકનું વાવેતર ૦.૧ ટકા વધુ હતુ અને ગત વર્ષ કરતાં ૨.૨ ટકા વધુ હતુ. જ્યારે ડાંગરનું વાવેતર પણ ૪૧ મિલિયન હેક્ટર સાથે ૨.૧ ટકા વધ્યું હતું. જે પાંચ વર્ષની સરેરાશ કરતાં વધુ છે. મોનેટરી પોલિસીની દષ્ટિએ આરબીઆઇએ ફુગાવાના દબાણને અંકુશમાં રાખવા માટે લિક્વિડિટીની સ્થિતિને યોગ્ય રાખી છે.

સરકારનું કેશ બેલેન્સ રૂ. ૨.૮ લાખ કરોડ રહ્યું છે, જ્યારે ડ્યૂરેબલ અથવા કોર લિક્વિડિટી સરપ્લસ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં વધીને રૂ. ૩.૧૯ લાખ કરોડ નોંધાયું છે. ગત મોનેટરી પોલિસીની દરમિયાન તે સરેરાશ રૂ. ૩.૯ લાખ કરોડ રહેવા પામ્યું હતું. વર્ષ ૨૦૨૪-૨૫માં જીડીપી ગ્રોથ ૭.૨ ટકા રહેવાનો અંદાજ છે.

રિઝર્વ બેન્કે ગત મોનેટરી પોલિસી બેઠક દરમિયાન વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૭.૨ ટકાના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેમાં પહેલા ક્વાર્ટર માટે ૭.૧ ટકા, બીજા ક્વાર્ટર માટે ૭.૨ ટકા, ત્રીજા ક્વાર્ટર માટે ૭.૩ ટકા અને ચોથા ક્વાર્ટર માટે ૭.૨ ટકાના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે અંતે નિર્ણય શું લેવાય છે તે રહસ્ય તો આવતા મહિને જ ખૂલશે!

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…