મધ્ય પ્રદેશમાં બસ નદીમાં ખાબકી: ૧૨ પ્રવાસીનાં મોત

દેશ વિદેશ

નર્મદા નદીમાં બસ ખાબકી: ધાર જિલ્લામાં સોમવારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસ નર્મદા નદીમાં ખાબક્યા બાદ તેને બહાર કાઢવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૨ પ્રવાસીનાં મોત થયાં હતાં. (એજન્સી)

ભોપાલ: પ્રવાસીઓને લઈને મહારાષ્ટ્ર જઈ રહેલી એક બસ સોમવારે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં નર્મદા નદીમાં ખાબકતાં ઓછામાં ઓછાં ૧૨ જણનાં મોત અને બે લાપતા થયાં
હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. ૧૨ મૃતક પ્રવાસીમાંથી સાત મહારાષ્ટ્રના છે.
૧૫ જણને ઉગારી લેવામાં આવ્યા હોવાનું મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાનો ભોગ બનેલા પ્રત્યેકના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦નું વળતર આપવાની જાહેરાત કરી હતી. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે દુર્ઘટનાનો ભોગ બનેલા રાજ્યના ચાર જણના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત
કરી હતી.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની આ દુર્ઘટનાગ્રસ્ત બસમાં ૩૦થી ૩૨ પ્રવાસી હોવાનું અન્ય એક અધિકારીએ કહ્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને એમએસઆરટીસીને તાત્કાલિક પગલુ લેવાનું જણાવી પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ. ૧૦ લાખની સહાય આપવા જણાવ્યું હતું.
એમએસઆરટીસીના અધિકારીના જણાવ્યા અનુસાર બસ મધ્ય પ્રદેશના ઈન્દોરથી સવારે સાડાસાત વાગે ઊપડી હતી અને તે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અમલનેર તરફ આગળ વધી રહી હતી.
લગભગ દસ-સવાદસ વાગે બસ ખાલઘાટ અને થિગારી વચ્ચે આવેલા બ્રિજની રેલિંગ સાથે ટકરાઈને નદીમાં ખાબકી હતી, એમ એમએસઆરટીસીના અધિકારીએ કહ્યું હતું.
અત્યાર સુધીમાં ૧૩ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાનું જણાવતાં ઈન્દોરના ઝોનલ ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ રાકેશ ગુપ્તાએ કહ્યું હતું કે હજુ બચાવ કામગીરી ચાલુ છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ (એનડીઆરએફ)ની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી હોવાનું તેમણે કહ્યું હતું.
બસના ડ્રાઈવર અને ક્ધડક્ટર સહિત ૧૩ જણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમાંથી આઠ જણની ઓળખ થઈ શકી હોવાનું એમએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
ઈજાગ્રસ્તોને સારવારાર્થે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એમએસઆરટીસી તેમના આરોગ્યની સ્થિતિ અંગે માહિતી મેળવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
એમએસઆરટીસીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચંદ્રકાંત એકનાથ પાટીલ (૪૫) બસ ચલાવી રહ્યો હતો અને પ્રકાશ શ્રવણ ચૌધરી બસનો ક્ધડક્ટર હતો. બંને જલગાંવના અમલનેર જિલ્લાના વતની હતા, એમ તેમણે કહ્યું હતું.
નદીમાં પાણીના પ્રવાહના અસાધારણ વેગ વચ્ચે પણ બચાવ કામગીરી ચાલી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
ક્રેઈનની મદદથી બસને નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહને ફોન પર જાણકારી આપી હતી.
બસ દસ વર્ષ કરતાં પણ વધુ જૂની હતી અને તેના ફિટનેસ સર્ટિફિકેટની મુદત આ વર્ષની ૨૭મી જુલાઈએ જ પૂરી થવાની હતી, એમ મહારાષ્ટ્રના આરટીઓ અધિકારીએ કહ્યું હતું.
બસનું પીયુસી સર્ટિફિકેટ અને ઈન્સ્યોરન્સ વૅલિડ હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.