કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી
(ભાગ-૨)
બન્નીના નિવસન તંત્રમાં કર, છછ, ઠઠ, ઢઢ, ઝીલ જેવા પાણી રોકાવાના કુદરતી સ્થાનો હોય, અહીં આવાં સ્થાનો યાયાવાર પક્ષીઓના આહાર અને પ્રજનન માટે અનુકૂળ છે. ચોમાસા પછી અનેક યાયાવાર પક્ષીઓ અહીં પડાવ નાખે છે. તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની શૃંખલા પણ અહીં જોવા મળે છે. આમ બન્ની એ વિશ્ર્વનું વૈવિધ્યસભર અને અલગ પ્રકારનું નિવસન તંત્ર છે. આ બધી વૈવિધ્ય સભરતાને કારણે બન્ની પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકો માટે પસંદગી ક્ષેત્ર રહ્યું છે.
હવે વાત કરીએ બન્નીની પર્યાવરણ પ્રણાલી: બન્નીનું નિવસન તંત્ર નાજુક અને સંવેદનશીલ પ્રકારનું કહી શકાય. આવા નાજુક ઇકો સિસ્ટમમાં માનવીય દખલ કે નાનું સરખું પણ પરિવર્તન પણ નિવારી ન શકાય તેવા મોટા બદલાવ માટે કારણભૂત બની શકે છે. આ વખતે બન્ની ભૂતકાળમાં અનુભવી ચૂક્યું છે. રણમાંથી આગળ વધતી ખારાશને અટકાવવા માટે ગોડા બાવળનું વાવેતર કરવામાં આવ્યું. સમય જતાં તેનો ફેલાવો સમગ્ર બન્નીમાં થયો જેના કારણે ઘાસિયા ભૂમિમાં ઘટાડો થયો અને બન્ની જેના માટે સ્વર્ગ સમાન ગણાતી એ ગાયોનું ત્યાંથી નિકંદન નીકળી ગયું. આમ છતાં બન્નીના માલધારીઓએ પરિસ્થિતિ સામે ઝઝૂમીને બન્ની ભેંસને વિકસાવી અને પોતાની આજીવિકા માટે મુખ્ય સાધન બનાવ્યું.
વૈશ્ર્વિકરણ, ઉદ્યોગીકરણ, ગ્લોબલ વાર્મિંગ અને માનવીય ઉપભોક્તાવાદને કારણે વિશ્ર્વ, પશુઓની કુલ ૭૬૧૬ દેશી નસલો પૈકી ૭૦૦ જેટલી નસલોને કાયમી ધોરણ ગુમાવી ચૂક્યું ત્યારે દેશી આવી નસલોની ઓળખ અને લાક્ષણિકતાઓ બહાર લાવીને તેનું સંવર્ધન કરવું એ દરેક દેશની વૈશ્ર્વિક જવાબદારી બની છે. બન્ની ભેંસનું રાષ્ટ્રીયસ્તરે તેનું સંવર્ધન કરવું. એ દરેક દેશની વૈશ્ર્વિક જવાબદારી બની છે. બન્ની ભેંસ રાષ્ટ્રીયસ્તરે માન્ય થતા હવે આ નસલના સંવર્ધન અને ટકાઉપણા માટે રાષ્ટ્રની જવાબદારી બની છે. નસલની સંવર્ધન અને ટકાઉપણા માટે આ નસલના ઉછેરક માલધારીઓના મૂળભૂત અધિકારોના રક્ષણ અને તેના માટે પાયાની સુવિધાઓનો વિકાસ કરવો તે કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી બની છે. સાથે સાથે માલધારી સમુદાયોની જવાબદારી પણ એટલી ને એટલી જ બની રહેશે.
બન્નીના નિવસન તંત્રને અકબંધ રાખવા માટે બન્નીના કુદરતી વૈવિધ્ય અને વારસને પણ જાળવી રાખવાથી જ શક્ય બનશે. બન્નીને પશુઓના ચારિયાણ માટેના ઘાસિયા ભૂમિ બનાવી રાખવાથી જ આમાં વસતા દૂધાળાં પશુઓ, પક્ષીઓ અને વન સંપદા ટકી શકશે. બન્નીના માલધારીઓએ પ્રાકૃતિ અને સાંસ્કૃતિક વારસાને અત્યાર સુધી ટકાવી રાખ્યો છે. ભવિષ્યમાં પણ તેને ટકાવી રાખવાની જવાબદારી વર્તમાન અને ભવિષ્યની પેઢી પર બન્ની રહેશે. બન્નીમાં માલ અને માલધારી વ્યવસાય અને સંસ્કૃતિથી અલગ અન્ય કોઇ પણ પ્રકારનું પરિવર્તન બન્નીના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે જોખમકારક સાબિત થશે એ માનવું રહ્યું.
બન્ની એ પશુપાલન ધારકોના પશુઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવી બન્નીના માલધારીઓએ “બન્ની મુલક અને કચ્છને ગૌરવ અપાવ્યું છે ત્યારે આ ગૌરવ ટકાવી રાખવાની જવાબદારી પણ વધી છે. વિશ્ર્વ જ્યારે ગ્લોબલ વાર્મિંગ અને પ્રાકૃતિક આપદાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે બન્નીનો માલધારી
કુદરત સાથે જીવતો રહીને આવી આપદાઓમાંથી બહાર આવવા વિશ્ર્વ સમુદાય માટે કુદરતી જાળવણી કરનાર એક પ્રેરણા ોત માનવ સમુદાય તરીકે ઊભરી આવશે એ હકીકત છે.
બન્ની ભેંસની માન્યતા થયા પછી બન્નીના માલધારીઓમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન પશુપાલન વિભાગ-ગાંધીનગર, સહજીવન
ટ્રસ્ટના સહયોગથી બન્ની ભેંસના સંવર્ધન માટે સતત કાર્યરત છે. બન્ની ખાતે પશુપાલન વિભાગ અને અન્ય દાતાઓની મદદથી અગિયાર વરસથી પશુમેળાનું આયોજન કરવામાં આવે છે. આમ માલધારી સંગઠન એક સતત સક્રિય બ્રિડર્સ એસોસિયેશન તરીકે કાર્યરત છે. દેશના વિવિધ રાજ્યોમાંથી બન્ની બ્રિડર્સ એસોસિયેશનની પ્રવૃતિઓ નિહાળવા માટે પશુ પાલકો, ડેરી, સ્વૈચ્છિક સંસ્થાઓ આવે છે. બન્ની ગ્રાસ લેન્ડમાં દૈનિક ૧ લાખ લિટર દૂધ ઉત્પાદન થાય છે. દૂધ સરેરાશ રૂ. ૪૦ પ્રતિ લિટર ખરીદ થાય છે. દૂધની વાર્ષિક આવક રૂ.૧૪૬ કરોડ જેટલી થાય છે. જયારે ભેંસ અને પશુનું વેચાણ ૪૦ કરોડ જેટલું થાય છે. આમ, બન્ની ગ્રાસ લેન્ડની પશુપાલન આધારિત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૧૮૬ કરોડ જેવી છે.
બન્નીમાં પશુ સંવર્ધન, ડેવલેપમેન્ટ આ માટે બ્રિડર્સ એસોસિયેશ ક્ષમતા વર્ધન માટે પશુપાલન વિભાગ-ગાંધીનગરની પણ ભૂમિકા વિશેષ રહી છે.
આમ બન્ની ગ્રાસ લેન્ડને એક આદર્શ પશુ પાલક નિવસન તંત્રને જાળવી રાખવાની જવાબદારી આપણા સૌની છે, જે અગત્યનું છે.
પૂરક માહિતી : રમેશ ભટ્ટી