વડોદરાના કમલાનગર તળાવમાં 2000ની નોટનું બંડલ તરતું મળી આવ્યું, ITના દરોડાથી બચવા ફેંકી દેવાયાની આશંકા

આપણું ગુજરાત

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ માંથી રૂ.૨૦૦૦ની નોટોનું બંડલ મળી આવ્યું હોવાની જાણકરી શહેરના પોલીસ તંત્રએ આપી છે. શહેરમાં વડાપ્રધાનના કાર્યક્રમના એક દિવસ પહેલા 17મી જુનના રોજ કમલાનગર તળાવમાં રૂા.૫.30 લાખની રોકડ તરતી મળી આવતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ઇન્કમટેક્ષ વિભાગના દરોડાથી બચવા કોઈ આ રૂપિયા ફેંકી ગયાની આશંકા છે.
નોંધનીય છે કે ગત ૧૮મી તારીખે શહેરના લેપ્રસી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો જેને લઈને એક દિવસ પહેલા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી હતી. ત્યારે કેટલાક શ્રમિકો સફાઈ કામગીરી કરી રહ્યા હતા ત્યારે એક શ્રમિકની નજર એક પ્લાસ્ટીકની કોથળી પર પડી હતી. નજીક જઈને જોતા કોથળીમાં નોટોનું બંડલ હોવાની જાણ થતા શ્રમિકોએ ત્યાં હાજર રેલવે કોન્સ્ટેબલને જાણ કરી હતી.
રેલવે કોન્સ્ટેબલે તુરંત જ શહેર પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. શહેર પોલીસે બાપોદ પોલીસને આ બાબતે સંદેશો આપતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નોટોના બંડલ કબજે કર્યા હતા. આ બનાવના બીજા દિવસે વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી પોલીસે વાત દબાવી રાખી હતી. નોટોની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે આ બંડલ ઘટનાના ચાર દિવસ પહેલા ફેંકાવમાં આવ્યું હશે.
નોંધનીય છે કે તળાવમાંથી નોટો મળી એના થોડા દિવસો પહેલા શહેરના એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે દરોડા પડ્યા હતા. સંસ્થાને નોટનું બંડલ રાતના સમયે ફેંકી ગયું હોવાની પોલીસને શંકા છે.
પોલીસે તળાવની આજુબાજુના રસ્તાઓ પર લાગેલા 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા પણ નોટો ફેંકનારની કોઇ ભાળ પોલીસને હજુ મળી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.