રાજકોટ સિવિલ હૉસ્પિટલનો વિચિત્ર નિયમ:દર્દીઓ માટે લેવાય છે દર્દીઓ પાસેથી ડોનેશન
——–
શું કહે છે સત્તાધીશો?
*કશું જ ખોટું થતું નથી ઓલ ઇઝ વેલ- આર.એસ. ત્રિવેદી, સિવિલ હૉસ્પિટલ સુપરિટેન્ડન્ટ, રાજકોટ
*રોગી કલ્યાણ સમિતિ માટે ડોનેશન ફરજિયાત ન હોઈ શકે. હું તપાસ કરાવીશ -રાજકોટ સંસદ સભ્ય મોહન કુંડારીયા.
*હોદ્દાની રુએ હું રોગી કલ્યાણ સમિતિમાં સભ્ય ખરો પરંતુ ખરીદી કે ખર્ચ માટે અમને પૂછવામાં આવતું નથી. હું તપાસ કરીશ.પ્રદીપ ડવ, મેયર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન.
*રાજકોટ જિલ્લાના વડા તરીકે સિવિલ હૉસ્પિટલમાં જો આપને લાગતું હોય કેે કશું ખોટું થઈ રહ્યું છે તો મને લેખિત ફરિયાદ આપો હું તપાસ કરાવીશ. અરુણ મહેશ બાબુ, કલેકટર, રાજકોટ.
———
મિલન ત્રિવેદી
ગુજરાતમાં દારૂબંધીના નામે પોલીસ તંત્ર, બૂટલેગરો અને રાજકીય વગદારો ધોમ કમાઈ છે અને દારૂબંધી માત્ર કાગળ પર હોવાની ટીકા વારંવાર થતી રહે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે દારૂ પીવાની સત્તાવાર પરમિટ મેળવવા ઈચ્છતા દરદીઓને પણ ડોનેશનના નામે ખંખેરવામાં આવે છે, તેમ મુંબઈ સમાચારને મળેલી માહિતીના આધારે જાણવા મળ્યું છે.
રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ નામે એક ટ્રસ્ટ ચાલી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા દર્દીઓ માટે દર્દીઓ પાસેથી ફરજિયાતપણે ડોનેશન લેવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં દારૂબંધી છે એટલે જે લોકોને મેડિસિન તરીકે આલ્કોહોલની જરૂર હોય તે લોકો લિકર પરમિટ કઢાવે છે. નશાબંધી ખાતામાં પરમિટ માટે અરજી કરવાની રહે છે અને સિવિલ હૉસ્પિટલ પાસે મેડિકલ તપાસ માટે મોકલવામાં આવે છે. ડૉકટર દર્દીને તપાસી અને માગણી ઉપર મહોર મારી આપે છે. તેમની ભલામણથી દર્દીને જેટલા આલ્કોહોલની જરૂર હોય તે પ્રમાણે પરમિટ આપવામાં આવે છે. એટલે એક રીતે જે લોકો પરમિટ ધરાવે છે તે પણ દર્દી જ કહેવાય, પરંતુ સિવિલ હૉસ્પિટલ ખાતે સુપ્રિટેન્ડન્ટ અને એક ખાસ સમિતિ દ્વારા આ તમામ પરમિટ ધારકોને એક યુનિટ મંજૂર કરવા માટે યુનિટ દીઠ ૫૦૦૦ રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવા ફરજ પાડવામાં આવે છે. ખરેખર આ ડોનેશન છે. તો પ્રશ્ર્ન એ થાય કે જો આલ્કોહોલની જરૂર દર્દીઓને છે તો તેવા દર્દીઓ પાસેથી બીજા દર્દીઓ માટે ફરજિયાતપણે ડોનેશન કઈ રીતે લઈ શકાય? જે દર્દીઓ ચાર યુનિટ લઈ અને બેઠા છે તેઓને દર વર્ષે ૨૦ હજાર રૂપિયા ફરજિયાતપણે આ રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવા પડે છે. આમ જુઓ તો આલ્કોહોલની જરૂરિયાતવાળા દર્દીઓને દવા સ્વરૂપે મળતો આલ્કોહોલ ખૂબ જ મોંઘા ભાવે મળે છે. આ માટે સરકાર લગભગ ૩૦૦% ટૅક્સ વસુલે છે. કઈ દવા પર આટલો બધો ટેક્સ હોય શકે? જો પરમિટ દર્દીઓને નહીં પરંતુ પ્યાસી લોકોને આપવામાં આવી છે તો તે નિયમનું ઉલ્લંઘન છે અને જો નિયમનું ઉલ્લંઘન નથી કર્યું તો દવા પર આટલો બધો ટૅક્સ વ્યાજબી કહેવાય આવા અનેક સવાલો હેલ્થ પરમિટ સાથે જોડાયેલા છે, જેના જવાબો મળવા મુશ્કેલ છે.
હાલ ગુજરાતમાં લગભગ ૪૫૦૦૦ની આસપાસ હેલ્થ પરમિટ અપાયેલી છે. એક હેલ્થ પરમિટમાં એક યુનિટથી માંડી અને ચાર યુનિટ સુધી પરમિટ આપવામાં આવે છે એટલે કે ૪૫૦૦૦ પરમીટમાં એવરેજ બે યુનિટ ગણો તો ૯૦,૦૦૦ યુનિટ અને એવરેજ ડોનેશન ૫૦૦૦ ગણીએ તો ૪૫ કરોડથી ૫૦ કરોડ રૂપિયા દર વર્ષે આવક થાય છે. સમગ્ર ગુજરાતમાં આવા રોગી કલ્યાણ સમિતિ બનાવી ટ્રસ્ટ એક્ટ મુજબ નોંધણી કરાવી છે. સાંભળ્યું છે કે જો તમે તે ડોનેશન આપવાનો ઇન્કાર કરો તો તમારી પરમિટ રિન્યુ કરવા માટે કોઈને કોઈ બહાનું દર્શાવી રિન્યુ કરી દેવામાં આવતી નથી. એટલે કે દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. ડોનેશન ઉપરાંત પણ વહીવટી હાથ ફરતો હોવાનું અમુક પરમિટધારકોએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું.
ઉપરોક્ત વિગત સંદર્ભે રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે સુપરિટેન્ડેન્ટ ડૉક્ટર આર. એસ. ત્રિવેદીને અવારનવાર મળી અને રૂપિયા ૫૦૦૦ ભરવાનો કાયદો કોણે કર્યો? ઉપરાંત તે ફરજિયાત છે કે કેમ? અત્યાર સુધીમાં કેટલું ડોનેશન આવ્યું? ક્યાં વપરાયું? તેવા ઘણા પ્રશ્ર્નોના ઉત્તર માટે જરૂરી કાગળો માંગતા ઉડાવ જવાબ આપી ધક્કા ખવડાવવામાં આવે છે. ત્યારે સ્વાભાવિક છે. હાલ રાજકોટ ખાતે લગભગ ૪,૫૦૦ જેટલી હેલ્થ પરમિટ આપવામાં આવી છે અને પરમિટ ધારકોમાં છૂપો રોશ પણ છે કે આ તે કેવો ન્યાય? એક તો અમે જે દવા લઈએ છીએ તે મોંઘી છે. તેમાં પણ સરકાર ૩૦૦% ઉપરનો ટૅક્સ લે છે. તે ઉપરાંત ફરજિયાત ડોનેશન કેટલું વ્યાજબી ગણાય? કાયદેસરરીતે રિન્યૂઅલ ફી ૭૦૦૦થી ૮૦૦૦ જ થાય છે પરંતુ હાલ એક યુનિટ રિન્યૂઅલ કરાવવા ૨૫-૩૦૦૦૦ ચુકવવા પડે છે અને રશીદ ૧૨-૧૩૦૦૦ની જ આપવામાં આવે છે, તેવી ફરિયાદો પણ થઈ રહી છે. નવી પરમિટ મેળવવા માટે ૪૦૦૦૦ જેવો ભાવ બોલાય છે. કદાચ એટલા માટે જ આવકવેરાના છેલ્લા ચાર વર્ષનારેકોર્ડરજૂ કરવાનું ફરજીયાત કર્યું
હશે કે પરમિટધારકને દારૂ પીવો પોષાશે કે નહીં.આલ્કોહોલ પરમિટધારક દર્દીઓએ અવારનવાર ફરજિયાત ડોનેશન, અસહ્ય ભાવ સંદર્ભે રજૂઆત કરી છે. પરંતુ તંત્રના બેહરા કાન સુધી તેમની વાત પહોંચતી નથી અને કદાચ તેઓ એવું માની રહ્યા છે કે જે દારૂડિયાઓ છે તેઓને આ પરમિટ આપવામાં આવી છે. એટલે જેને દારૂ પરવડે છે તેને ૫૦૦૦ રૂપિયા પણ મોંઘા નહીં લાગે. એટલે જરૂરિયાતવાળા પરમિટધારકોની વાત તેઓ કાને ધરતા નથી.
——–
*રોગી કલ્યાણ સમિતિ કોના રોગ દૂર કરે છે
*સવાલ અનેક છે, જવાબ જડતા નથી
ગુજરાત રાજ્યમાં રોગીઓ માટે કંઇક સારું કરવાના આશયથી ૨૦૦૫માં’ ‘રોગી કલ્યાણ સમિતી’ નામે ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આજે સમગ્ર ગુજરાતમાં આ ટ્રસ્ટમાં કરોડો ખર્ચાયા છે અને અબજો રૂપિયા પડ્યાં છે, તેવી માહિતી મુંબઈ સમાચારને મળી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ રોગી કલ્યાણ સમિતિનું ટ્રસ્ટ કાર્યરત છે અને ૨૦૦૫ ની સાલથી લઈ અને આજે ૨૦૨૩ શરૂ થઈ ગયું છે ત્યારે કરોડો રૂપિયા લોકો પાસેથી ખાસ કરીને દર્દીઓ પાસેથી દાનમાં લેવાય છે.
ટ્રસ્ટમાં ખાસ કરીને દર્દીઓ માટે જ ખર્ચ કરવાનો હોય પછી તે દવા હોય કે રોગને લગતા કોઈ નવા સાધનો વસાવવાના હોય તો તે ટ્રસ્ટના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે ખર્ચ થયો ગણાય. પરંતુ રાજકોટ સિવિલ હૉસ્પિટલની સમિતિ આ અંગે કદાચ નિયમ પ્રમાણે ચાલતી નથી અને આ દર્દી કલ્યાણ ફંડમાંથી મોબાઈલ, લેપટોપ, એર કન્ડિશન, ફર્નિચર, સ્કેનર, ઝેરોક્ષ મશીન જેવા સાધનો વસાવ્યા છે અને ચાર્ટર્ડ એકાઉન્ટે લોકલ ઓડિટ પણ કરી આપ્યું છે. રોગી કલ્યાણ સમિતિના ટ્રસ્ટીઓ તરીકે હોદ્દાની રુએ કમિશનર, હેલ્થ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર, સંસદ સભ્ય રાજકોટ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનના મેયર, એડિશનલ ડાયરેક્ટર, જિલ્લા પંચાયત મેડિકલ ઓફિસર, આરએમસી મેડિકલ ઓફિસર, તેમજ મેડિકલ કોલેજના ડૉક્ટર્સ, અને રાજકોટ આઈએમએના પ્રેસિડેન્ટ, ઉપરાંત રેડ ક્રોસ રાજકોટના ડાયરેક્ટર, રાજકોટ સુપ્રિટેન્ડેન્ટ સિવિલ હૉસ્પિટલ, હિસાબી અધિકારી સિવિલ હૉસ્પિટલ, વહીવટી અધિકારી સિવિલ હૉસ્પિટલ, આ બધા ડાયરેક્ટરો હોદ્દાની રુએ ગોઠવાય છે.
ઉપરાંત સમાજના પ્રતિષ્ઠિત કહી શકાય તેવા ત્રણથી ચાર નાગરિકો ડાયરેક્ટર તરીકે આ રોગી કલ્યાણ સમિતિમાં જોડાયેલા હોય છે. રોગી કલ્યાણ સમિતિ બની ગયા પછી વખતોવખત તેની મિટિંગ થવી જોઈએ. તેની કામગીરી અંગે ચર્ચા થવી જોઈએ. ખર્ચ ઉપરાંત આવકનો હિસાબ કિતાબ પણ મિટિંગમાં ચર્ચાઓ જોઈએ. પરંતુ ઉપરોક્ત મહાનુભાવોને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે રોગી કલ્યાણ સમિતિમાં શું ખરીદી થઈ અને કેટલું બેલેન્સ પડ્યું છે. રોગી કલ્યાણ સમિતિ યોગ્યરીતે ચાલે છે કે નહીં તે જોવાની કોઈ મહાનુભાવોને ફુરસદ નથી અને જો તેઓના ધ્યાનમાં આ બધા જ વહીવટ હોય તો સ્વાભાવિક છે કે તેઓ પણ શંકાના દાયરામાં આવે છે. રાજકોટના સંસદ સભ્ય મોહન કુંડારીયાને પૂછતા તેઓ પણ રોગી કલ્યાણ સમિતિના હિસાબ કિતાબથી અજાણ છે, તેમ તેમણે જણાવ્યું હતું. આલ્કોહોલ પરમિટધારક પાસેથી ફરજિયાત પણે લેવાતું રૂ. ૫૦૦૦ નું ડોનેશન પણ તેઓના કહેવા પ્રમાણે યોગ્ય નથી કારણ કે ડોનેશન ક્યારેય ફરજિયાત ન હોઈ શકે. તેઓને રજૂઆત કરતા વિગત મોકલવા જણાવેલ અને તપાસ કરવાની ખાતરી પણ આપી હતી. સવાલ એ થાય કે શું કોઈ ફરિયાદ કરે તો જ તપાસ કરી શકાય? રાજકોટ કલેકટરે પણ સકારાત્મકતા દર્શાવતા કહ્યું કે હું એ સમિતિમાં સામેલ નથી, પરંતુ જિલ્લાના વડા તરીકે હું તપાસ કરી શકું. જો આપને લાગતું હોય કે કશું ખોટું થઈ રહ્યું છે તો લેખિત રજૂઆત કરો તેથી હું યોગ્ય તપાસના આદેશ આપી શકું. ફરી એ જ વાત આવે કે દર વખતે લેખિત ફરિયાદ આપવી જરૂરી છે? શું તંત્ર તેની રીતે તપાસ ના કરી શકે? આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર અરોરા સાહેબ, મેયર પ્રદીપ ડવ, ડૉ. વંકાણી, પીડીપીયુ કૉલેજના ડીન ડો. મહેતા, આઈએમએના પ્રેસિડેન્ટ ડૉ. સંજય ભટ્ટ વગેરેને પૂછતા તમામનો એક જ સૂર હતો કે ઘણા સમયથી મિટિંગ થઈ નથી. મિટિંગમાં કોઈ ખર્ચની કે ખરીદીની વાત આવતી નથી. કેટલા વર્ષથી હિસાબો રજૂ નથી થયા તેની સુદ્ધા જાણ નથી. હાલ કેટલું ફંડ પડ્યું છે તેની વિગતો પણ ખબર નથી. અમે માત્ર હોદ્દાની રૂએ સભ્યો છીએ.પરંતુ અન્ય કોઈ માહિતી અમારી પાસે નથી. જ્યારે કોઈ સમિતિમાં આપણે સભ્ય તરીકે હોઈએ ત્યારે અને મિટિંગમાં હાજર રહ્યાની સહી કરીએ છીએ ત્યારે તેમાં થયેલા
તમામ વ્યવહારોથી આપ વાકેફ છો તેવું સાબિત થાય છે. જ્યારે પ્રથમ દૃષ્ટિએ ટ્રસ્ટના વહીવટો બરાબર ન લાગતા હોય ત્યારે આ તમામ સભ્યો પણ તેમાં સામેલ હશે તેવી પ્રથમ દૃષ્ટિ છાપ પડે.
અખબાર પોતાની કામગીરી યોગ્યરીતે નિભાવે છે એટલે કમિશનરમાંથી ટ્રસ્ટની કોપી કઢાવી અને નિષ્ણાત વકીલો પાસે તપાસ કરાવતા પ્રથમ દૃષ્ટિએ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન પણ ખામી ભરેલું લાગે છે. ટ્રસ્ટીઓની મુદ્દત કેટલી હોઈ શકે? કોણ ટ્રસ્ટી થઈ શકે? તે ઉપરાંત ટ્રસ્ટમાં ૫૦૦૦ રૂપિયા ઉપરની ખરીદી કરવી હોય તો ટેન્ડર પ્રક્રિયા થવી જોઈએ. ઉપરાંત ૨૦૦૦ ઉપરનું ડોનેશન આવતું હોય તેવા ટ્રસ્ટે દર વર્ષે ઓડિટ કરાવી અને હિસાબો રજૂ કરવાના હોય છે. પરંતુ અહીં આ ટ્રસ્ટમાં ૨૦૦૫થી લઈ અને અત્યાર સુધીમાં માત્ર ચાર વર્ષના હિસાબ રજૂ કર્યા છે. એક પ્રશ્ર્ન એ પણ થાય કે ચેરિટી કમિશનર ઓફિસ પણ નજર અંદાજ કરે છે. કારણ કે તેમણે હિસાબ રજૂ ન કરવાં છતાં કોઈ નોટિસ ની પ્રક્રિયા કે કાર્યવાહી આ ટ્રસ્ટ સામે કરી નથી તેમ જાણવા મળ્યું છે. ટ્રસ્ટમાંથી હિસાબોની અમુક કોપી મુંબઈ સમાચાર પાસે છે અને તે જોતા પ્રથમ દૃષ્ટિએ એવું લાગે કે ખર્ચ વ્યાજબીરીતે થયા નથી. કારણ અમુક મશીનરી સરકાર પોતે જ્યારે આપે છે. ત્યારે રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી તે લેવાના થાય કે નહીં? રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી લેવાયેલી મશીનરીનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં, લેવાય ગયા પછી ઘણી મશીનરી વપરાયા વગરની પડી છે. જે ખરેખર લોકોના દાનનો ગેરઉપયોગ થયો ગણાય.
ટ્રસ્ટમાં હોદ્દાની રૂએ નિમણૂક પામેલ ટ્રસ્ટીઓને પૂછવામાં આવતા તેઓને ટ્રસ્ટ સંબંધી હિસાબો કે ખરીદી બાબતે કશો ખ્યાલ નથી, તેમ જણાવ્યું હતું. જ્યારે સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર ત્રિવેદીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે કોઈપણ ખરીદી કરતા પહેલા અમે સમિતિને પૂછીએ છીએ અને પછી જ ખરીદી થાય છે, પરંતુ સમિતિના સભ્યો તો ફંડ અને ખરીદીથી અજાણ જ હોવાનો દાવો કરે છે.
એક જાણકારી મુજબ રોગી કલ્યાણ સમિતિ નામના ગુજરાત રાજ્યમાં લગભગ અંદાજિત સો જેટલા ટ્રસ્ટ રજીસ્ટર થયેલ છે ત્યારે જો માત્ર રાજકોટની સમિતિમાં આટલા કરોડ આવક હોય તો તમામ ટ્રસ્ટની આવક અને તેના ખર્ચ અંગેની વિગતો મૂર્છિત કરી દે તેવી હોઈ શકે.