Homeદેશ વિદેશબુલેટ ટ્રેન રાષ્ટ્રનો ડ્રીમ પ્રોજેક્ટ: હાઈ કોર્ટ

બુલેટ ટ્રેન રાષ્ટ્રનો ડ્રીમ પ્રોજેક્ટ: હાઈ કોર્ટ

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ માટે માર્ગ મોકળો કર્યો

મુંબઈ: ગુરુવારે મુંબઈ વડી અદાલતે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભૂમિઅધિગ્રહણ (લૅન્ડ એક્વિઝિશન)ની મહારાષ્ટ્ર સરકાર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસી)ની કાર્યવાહીને પડકારતી ગોદરેજ ઍન્ડ બોઇસ કંપનીની અરજી રદબાતલ કરી હતી. જસ્ટિસ આર.ડી. ધાનુકા અને જસ્ટિસ એમ.એમ. સાઠ્યેની ડિવિઝન બેન્ચે આ યોજનાને ‘રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતો અને લોકહિતનો ડ્રીમ પ્રોજેક્ટ’ ગણાવતાં તેને માટે મુંબઈના વિક્રોલી વિસ્તારમાં જમીન હસ્તગત કરવાની વિધિને પડકારતી ગોદરેજ કંપનીની અરજી ફગાવી દીધી હતી.
બુલેટ ટ્રેન માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે કુલ ૫૦૮.૧૭ કિલોમીટરના ટ્રૅકના માર્ગમાં ૨૧ કિલોમીટરનો હિસ્સો ભૂગર્ભ સ્થિતિમાં રહેશે. એ ભૂગર્ભ ટનલના એન્ટ્રી પોઇન્ટ્સમાંથી એક વિક્રોલીમાં ગોદરેજ કંપનીની માલિકીની જમીન નીચેથી પસાર થાય છે. મહારાષ્ટ્ર સરકાર અને નેશનલ
હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસી) જનહિતની એ યોજનામાં વિલંબ કરતા હતા. જમીનના વળતરમાં ૫૭૨ કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું, પરંતુ આખરી નિર્ણયમાં એ રકમ ઘટાડીને ૨૬૪ કરોડ રૂપિયા કરવામાં આવી હોવાનો ગોદરેજ કંપનીનો દાવો અદાલતે નકાર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે વ્યક્તિગત વાટાઘાટોના તબક્કે જે વળતર નક્કી કરાયું હોય તેને આખરી
અને બંધનકર્તા ન ગણી શકાય.
ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે આ યોજના વિશિષ્ટ છે. અંગત હિતોની તુલનામાં સામૂહિક હિતો વધુ મહત્ત્વનાં હોય છે. આ આંતરપક્ષીય મૂળભૂત અધિકારો અને આંતરિક મૂળભૂત અધિકારોના ઘર્ષણના કેસ છે. મૂળભૂત અધિકારોના પરસ્પર ટકરાવની સ્થિતિમાં સમતુલા જાળવવા માટે બહુજન ઉત્કર્ષ અને વ્યાપક લોકહિત ક્યાં સમાયેલું છે. તેની ચકાસણી અદાલત માટે જરૂરી છે. બહુજનસમુદાયનું હિત સર્વોપરી મહિમા ધરાવે છે. આ કેસની વિગતોનો અભ્યાસ કરતાં જણાય છે કે અરજદારે જે અંગત હિત જાળવવાની માગણી કરી છે, એ વ્યાપક લોકસમુદાયના હિતોથી વધુ મહત્ત્વ કે મહિમા ધરાવતું નથી.
જસ્ટિસ ધાનુકા અને જસ્ટિસ સાઠ્યેએ વધુમાં જણાવ્યું હતું કે આ બુલેટ ટ્રેન નાગરિકોને ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા સાથે રાષ્ટ્રના હિતના અન્ય લાભો પણ કરાવશે. ફેર કમ્પેન્સેશન ઍક્ટની જોગવાઈઓ અનુસાર સરકારને ભૂમિઅધિગ્રહણની સત્તા હાંસલ છે. એ સત્તાના અનુસંધાનમાં સરકારે વાજબી પદ્ધતિએ જમીનપ્રાપ્તિની કાર્યવાહી શરૂ કરી છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular