ઉત્તર પ્રદેશની જેમ હવે બિહારમાં પણ બુલડોઝર એકશન શરૂ થઇ ગયુ છે. આની શરૂઆત રાજધાની પટનામાંથી કરી દેવામાં આવી છે. નેપાલી નગર વિસ્તારમાં રવિવારે સવારે જ પ્રશાસન 17 જેસીબી અને બે હજાર પોલીસ કર્મચારીઓને લઇને ગેરકાયદે મકાનો તોડી પાડવા માટે પહોંચી ગયુ હતું. દરમિયાન બુલડોઝરને જોતા જ સ્થાનિકોમાં રોષ ભરાઇ ગયો હતો. બુલડોઝરની કાર્યવાહીને રોકવા તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં સિટી એસપી સહિત બે પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. આ પ્રકરણે પોલીસે 12 લોકોની ધરપકડ કરી છે. વીડિયો ફૂટેજના આધારે અન્ય લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. નેપાલી નગર વિસ્તારમાં આશરે 70 ઘર છે જે કથિત રૂપે બિહાર રાજ્ય આવાસ બોર્ડની જમીન પર ગેરકાયદે રીતે બાંધવામાં આવ્યા છે. પ્રશાસને આ તમામ 70 મકાન માલિકોને આશરે એક મહિના પહેલા જ ઘર ખાલી કરવાની નોટિસ આપી દીધી હતી.
