ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને ૧૫૬ બેઠકની ઐતિહાસિક ભેટ આપી હતી. હવે આ ભાજપનું શાસન જે મહાનગરપાલિકામાં છે જે અમદાવાદ, સુરત અને રાજકોટનું બજેટ ડ્રાફ્ટ મંગળવારે રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં દરેક પાલિકાએ જનતા પર વધારાના કરવેરા ઝીંક્યા છે. અમદાવાદ પાલિકાએ તો એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ ઝીંક્યો છે.
એક તરફ પાલિકા જનતાએ આપેલા કરવેરાના નાણાં ક્યા વપરાય છે તેના કોઈ ઓડિટ રિપોર્ટ જનતાને બતાવતી નથી, કે પબ્લિક ડોમેનમાં મૂકવામા આવતા નથી. અમદાવાદની વાત કરીએ તો રોડ-રસ્તાની બિસ્માર હાલત, પાણીના ધાંધિયા, રખડતા ઢોરની વિકરાળ સમસ્યા, પ્રદુષણ, પાયાની સુવિધાઓનો અભાવ વગેરે સમસ્યાઓ છે. ત્યારે તેના ઉકેલની કોઈ ગેરંટી નથી. જોકે આવી હાલત તમામ શહેરોની છે.
આજે ગુજરાતનાં ત્રણ મહાનગરોનું કોર્પોરેશનનું બજેટ રજૂ કરાયું છે. ગુજરાતનું મિની બજેટ કહી શકાય તેમ રાજ્યનાં અમદાવાદ, રાજકોટ અને સુરતનું મનપાનું બજેટ આજે ત્રણેય શહેરના મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના ચૂંટાયેલા સત્તાધીશો સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને રૂ. 8400 કરોડ, સુરતમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રૂ. 7707 કરોડ અને રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રૂ. 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. અમદાવાદની લગભગ 72 લાખ, સુરતમાં 66.37 લાખ અને રાજકોટમાં 17.73 લાખ વસ્તી છે. ત્યારે આ ત્રણેય શહેરની દોઢ કરોડ વસ્તીને આવરી લેતું બજેટ રાજ્યના મિની બજેટના રૂપમાં રજૂ થયું છે.
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બમણો કરાયો છે. તો સૌ પ્રથમવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવા નક્કી કરાયું છે. ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરી દેવાયો છે. કુલ મળીને અમદાવાદીઓ પર 475 કરોડનો બોજ પડશે. તો સુરતી પર 307 કરોડનો વધારાનો વેરો ઝીંકાયો છે. રહેણાક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. 4નો વધારો, બિન રહેણાક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 10નો વધારો કરાયો છે. વાત કરીએ રાજકોટની તો રાજકોટવાસીઓ પર મિલકત વેરા અને પાણી વેરામાં તોતિંગ વધારો ઝીંકાયો છે. રહેણાક મકાનોમાં પાણી વેરો 840 રૂપિયાથી વધારીને 2400 રૂપિયા કરાયો છે તો કોમર્શિયલનો 1680થી વધારીને રૂપિયા 4800 કરાયો છે. આમ મોંઘવારીનો માર ઝીલતાં ત્રણેય શહેરના લોકો પર ટેક્સનું ભારણ વધારાયું છે. જ્યારે હવે જનતાના પ્રતિનિધિઓ વિરોધ કરે છે કે નહીં અને જનતાને સાથ આપે છે કે નહીં તે જોવાનું છે.