સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ તેમના સંબોધન દરમિયાન કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે કેન્દ્ર સરકારને નિર્ભય અને દેશના હિતને સર્વોપરી રાખવા વાળી ગણાવી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં દેશ પાંચ પ્રણ સાથે આગળ વધી રહ્યો છે. સરકાર ગુલામીની દરેક નિશાની, દરેક માનસિકતામાંથી મુક્તિ મેળવવાનો સતત પ્રયાસ કરી રહી છે. એક સમયે જે રાજપથ હતો તે હવે કાર્તિપથ બની ગયો છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે મેક ઈન ઈન્ડિયા અભિયાન અને આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાનો લાભ દેશને મળવા લાગ્યો છે. આજે ભારતની ઉત્પાદન ક્ષમતા વધી રહી છે અને વિશ્વભરમાંથી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ભારતમાં આવી રહી છે. સરકારની નવી પહેલના પરિણામે આપણી સંરક્ષણ નિકાસ છ ગણી વધી છે. મને ગર્વ છે કે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતના આપણી સેનામાં જોડાયું છે.
મહિલાઓ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે આપણે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનની સફળતા જોઈ રહ્યા છીએ. દેશમાં પ્રથમ વખત પુરૂષો કરતા મહિલાઓની સંખ્યા વધુ છે અને મહિલાઓના સ્વાસ્થ્યમાં પણ પહેલા કરતા વધુ સુધારો થયો છે. એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોઈપણ ક્ષેત્રમાં મહિલાઓ માટે કોઈ અવરોધ નથી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ પર પ્રહાર સુધી, LOCથી લઈને LAC સુધી દરેક દુ:સાહસનો જોરદાર જવાબ, કલમ 370 હટાવવાથી લઈને ટ્રિપલ તલાક સુધી, સરકારની ઓળખ એ રહી છે કે એ નિર્ણાયક સરકાર છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આજે આંદામાન અને નિકોબારમાં સરકારે સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજનું સન્માન કર્યું. આંદામાન ટાપુઓનું નામ પણ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યું છે. નેવીને પણ છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતીક આપવામાં આવ્યું છે. એક તરફ આપણે આદિ શંકરાચાર્ય, ભગવાન બસવેશ્વર, ગુરુ નાનકજીના બતાવેલા માર્ગ પર આગળ વધી રહ્યા છીએ, તો બીજી તરફ ભારત ટેકનોલોજીનું હબ પણ બની રહ્યું છે. આજે ભારત તેની પ્રાચીન ચિકત્સા પદ્ધતિઓને સમગ્ર વિશ્વમાં લઈ જઈ રહ્યું છે, તો સાથે જ તે વિશ્વની ફાર્મસી બનીને વિશ્વને મદદ પણ કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સરકારની પ્રાથમિકતા દેશના 11 કરોડ નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો દાયકાઓથી સરકારની પ્રાથમિકતાથી વંચિત હતા. હવે તેમને સક્ષમ અને સમૃદ્ધ બનાવવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આયુષ્માન ભારત યોજનાએ દેશના કરોડો ગરીબોને વધુ ગરીબ થવાથી બચાવ્યા છે, ગરીબોના 80 હજાર કરોડ રૂપિયા ખર્ચાતા બચાવ્યા છે. જલ જીવન મિશન હેઠળ 3 વર્ષમાં લગભગ 11 કરોડ પરિવારોને પાઈપલાઈનના પાણીથી જોડવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત દેશ જે એક સમયે પોતાની સમસ્યાઓના ઉકેલ માટે બીજા દેશો પર નિર્ભર રહેતો તે આજે વિશ્વની સમસ્યાઓના ઉકેલનું માધ્યમ બની ગયો છે. દેશની મોટી વસ્તીએ દાયકાઓથી જેની રાહ જોઈ હતી તે સુવિધાઓ હવે મળી છે.
અમૃત કાલનો 25 વર્ષનો સમયગાળો એ વિકસિત ભારતના નિર્માણનો સમયગાળો છે. આપણી સામે એક યુગ નિર્માણનો અવસર છે. આપણે 2047 સુધીમાં એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જે ભૂતકાળના ગૌરવ સાથે જોડાયેલું હોય અને આધુનિકતાના દરેક અધ્યાય સાથે જોડાયેલું હોય. આપણે એવું ભારત બનાવવું છે, જે આત્મનિર્ભર હોય. ભારત એવું હોવું જોઈએ કે જ્યાં ગરીબી ન હોય.