નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું, જેમાં સંરક્ષણ ક્ષેત્રના ખર્ચની રજૂઆત કરી હતી. બજેટમાં જણાવ્યા મુજબ આ વર્ષે રક્ષા બજેટમાં 5.94 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યું છે, જે વર્ષ 2022-23ના 5.25 લાખ કરોડની તુલનામાં 12.95 ટકા વધારે છે. અલબત્ત, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સંરક્ષણ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. નાણા પ્રધાન સીતારમણે બુધવારે ડિફેન્સ બજેટ રજૂ કર્યું હતું, જેમાં મૂડી ખચ્ર માટે 1.62 લાખ કરોડ રુપિયા અલગ રાખવામાં આવ્યા છે, જેમાં નવા હથિયાર, એરક્રાફટ, યુદ્ધ જહાજો અને અન્ય લશ્કરી સાધનોની ખરીદીનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2022-23માં મૂડી ખર્ચ માટે અંદાજપત્રીય ફાળવણી રુપિયા 1.52 લાખ કરોડની હતી,
પરંતુ સુધારેલા અંદાજ મુજબ ખર્ચ રુપિયા 1.50 લાખ કરોડ હતો. આગામી નાણાકીય વર્ષે બજેટના દસ્તાવેજ અનુસાર મહેસૂલ ખર્ચ માટે 2,70,120 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પગારની ચુકવણી અને સંસ્થાઓના જાળવણી પરના ખર્ચનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2022-23માં મહેસૂલ ખર્ચ માટે અંદાજપત્રીય ફાળવણી રુપિયા 2,39,000 કરોડ હતી. 2023-24ના બજેટમાં સંરક્ષણ મંત્રાલય (નાગરિક ) માટે મૂડી ખર્ચ રુપિયા 8,774 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે મૂડી ખર્ચ હેઠળ રુિપયા 13,837 કરોડની રકમ ફાળવી છે.
રક્ષા પેન્શન માટે અલગથી 1,38,205 કરોડ રુપિયાની રકમની ફાળવણી કરી છે. પેન્શન ખર્ચ સહિત કુલ આવક ખર્ચ રુપિયા 4,22,162 કરોડ હોવાનો અંદાજ છે. બજેટમાં જણાવ્યા મુજબ સંરક્ષણ બજેટનું કુલ કદ રુપિયા 5,93,537.64 કરોડ છે.