રેલવેનું 2.40 લાખ કરોડ રુપિયાનું બજેટ, રોકાણ ખર્ચ 33 ટકા વધાર્યો
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે નાણાકીય બજેટ રજૂ કર્યું હતું, જેમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી, જ્યારે રેલવેનું 2.4 લાખ કરોડના બજેટની જાહેરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોનાકાળથી રેલવે મંત્રાલયે સિનિયર સિટીઝન પ્રવાસીઓને કન્સેશન આપવાનું બંધ કર્યા પછી ફરી પાછું ચાલુ કરવાની અટકળ હતી, પરંતુ રેલવેએ તેના સંબંધે કોઈ જાહેરાત કરી નહોતી.
કોરોના કાળ પૂર્વે દેશમાં સિનિયર સિટીઝનને ટ્રેનના ભાડામાં કન્સેશન આપતી હતી. પરંતુ 2019થી કોરોનાને કારણે બંધ કર્યું હતું. અગાઉ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 40 ટકા અને 58 વર્ષની મહિલાઓને પચાસ ટકા સુધી છૂટ આપવાની જોગવાઈ હતી. ત્યારબાદ લોકડાઉન પછી ટ્રેનો ચાલુ કરવામાં આવી હતી, પરંતુ તેમાં વરિષ્ઠ નાગરિકોને કન્સેશન અંગે કોઈ રાહત નહીં આપતા લાખો સિનિયર સિટીઝને નિરાશા વ્યક્ત કરી છે.
અલબત્ત, રેલવેના ક્ષેત્રે 2.40 લાખ કરોડ રુપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રોકાણ ખર્ચ 33 ટકા વધારીને દસ લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નવી યોજા માટે 75,000 કરોડના ફંડની જાહેરાત કરી હતી. અહીં એ જણાવવાનું કે 2022માં રેલવેમાં કુલ 140367 કરોડ રુપિયાનું બજેટ હતું. જોકે, 2013-14 તુલનામાં રેલવેનું બજેટ નવ ગણું વધારે છે.