(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટની બુધવારે જાહેરાત કરી હતી, જેમાં રેલવે ક્ષેત્રે કરોડો રુપિયાની ફાળવણી કરવામાં આવી હતી. મુંબઈ સબર્બન રેલવે સહિત ભારતીય રેલવેની કાયાપલટ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે, અંતર્ગત બજેટમાંથી આ વર્ષે 91 ટકા વધારે ભંડોળની ફાળવણી કરવામાં આવી છે, તેનાથી પેન્ડિંગ પ્રોજેક્ટ વધુ ઝડપથી પૂરા કરવામાં મદદ મળી શકે છે. એટલું જ નહીં, જૂના પ્રોજેક્ટ પૂરા થવાથી ટ્રેનોમાં પ્રવાસ કરવાની હાલાકીમાં ઘટાડો થશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.
બજેટમાંથી મુંબઈના મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમટીપી) માટે ખાસ કરીને 1,121.21 કરોડ રુપિયાની જોગવાઈ કરી છે, જેમાં મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી)ના ફંડમાં 91 ટકાનો વધારો કર્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટમાં 1,121.21 કરોડમાંથી કુલ 1,100 કરોડ રુપિયાની ફાળવણી ફક્ત એમયુટીપીના પ્રોજેક્ટ માટે કરવામાં આવી છે. ગયા વર્ષે એમયુટીપીના વિવિધ પ્રોજેક્ટ માટે 577 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સબર્બન રેલવેના વિકાસ માટે એમયુટીપી પ્રોજેક્ટની યોજના ઘડવામાં આવી હતી, જે અંતર્ગત નવા ટ્રેક, નવી લાઈન અને વધારે ટ્રેનો દોડાવવાની યોજના છે. ગયા વર્ષે મુંબઈ અને પુણે મળીને બજેટમાંથી કુલ 729 કરોડ રુપિયાની ફાળવણી કરી હતી. આ વર્ષે બેલાપુર-સીવૂડ્સ-ઉરણ રેલવે લાઈનના નિર્માણ કાર્ય માટે બજેટમાંથી 20 કરોડની ફાળવણી કરી છે. જોકે, 91 ટકા વધારે ભંડોળની ફાળવણી કરી છે, તેનાથી એમયુટીપીના પેન્ડિંગ પ્રોજેક્ટમાં ગતિ આવી શકે છે. એમયુટીપીના વિવિધ તબક્કાનું કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ વધારે ભંડોળ મળવાને કારણે નિર્ધારિત ટાર્ગેટ કરતા વહેલા પૂરા થઈ શકે છે. વિવિધ પ્રોજેક્ટ પૈકી સીએસએમટી-કુર્લા વચ્ચે પાંચમી છઠ્ઠી લાઈનથી લઈને મુંબઈ સેન્ટ્રલ-બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઈન, ગોરેગાંવથી આગળ એકસ્ટેન્શન, સામાન્ય નવી લોકલ ટ્રેન સાથે એસી લોકલ ટ્રેનનો પણ સમાવેશ થાય છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
બોલો, બજેટમાં મુંબઈ સબર્બન રેલવેના ભાગે આવ્યા આટલા કરોડ!
RELATED ARTICLES