કચ્છના કોટેશ્ર્વર પાસેના લક્કી નાળામાંથી બીએસએફને ચરસના ૧૦ બિનવારસુ પડીકાં મળી આવ્યાં

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: દેશની પશ્ર્ચિમ સરહદે આવેલા ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ભૂમિ અને જળસીમાને અડીને આવેલા કચ્છના સમુદ્ર વિસ્તારોમાંથી છેલ્લાં અઢી વર્ષથી સામેપારથી ઠાલવ્યા બાદ બિનવારસુ હાલતમાં માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો હોય તેમ સરહદી સલામતી દળના જવાનોને પેટ્રોલિંગ દરમ્યાન સીમાવર્તી લખપતના કોટેશ્ર્વર પાસેના કાંઠા પાસેના લક્કીનાળા વિસ્તારમાંથી ૧૦ જેટલાં ચરસના બિનવારસી પડીકાં મળી આવતાં બીએસએફે તમામને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે નારાયણ સરોવર પોલીસ મથકના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
તાજેતરમાં પાકિસ્તાની બોટમાં સવાર સાત જેટલા ઘૂસણખોરો કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ત્રાસવાદ વિરોધી દળે ઝડપી લીધા બાદ તેમની હાથ ધરાયેલી પૂછપરછમાં તમામ પાકિસ્તાનીઓએ ધરપકડ અગાઉ કચ્છના સમુદ્રમાં સાથે રહેલા ડ્રગ્સના જથ્થામાંથી કેટલાંક પડીકાં દરિયામાં ફેંકી દીધાં હોવાની કબૂલાત આપ્યા બાદ કચ્છના દરિયાઈ વિસ્તારોમાં બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ વધારી દેતાં માત્ર છ મહિનાના ટૂંકા સમયગાળામાં ૧૦૮ જેટલા માદક પદાર્થના બિનવારસુ પડીકાં કબ્જે કર્યાં છે.
આ પ્રકારના પડીકાં મળવાની શરૂઆત બે વર્ષ અગાઉ થઇ હતી અને અત્યાર સુધી ૧૫૦૦થી વધારે ડ્રગ્સનાં ફેંકી દીધેલા પેકેટ્સ મળી આવ્યાં છે.
હજુ વધુ પેકેટ પડ્યા હોવાની સંભાવનાને પગલે સલામતી દળે તપાસ ચાલુ રાખી હોવાનું સલામતી દળના પ્રવક્તાએ જણાવ્યું હતું અને કચ્છના તમામ સીમાવર્તી વિસ્તારો તેમ જ અટપટી ક્રીકમાં સર્ચ ઓપરેશન સતત ચાલુ હોઈ આવનારા દિવસોમાં કોઈ મોટું સીઝર મળી આવવાની પૂરેપૂરી શક્યતા નકારી શકાય નહિ તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.