થાણે: પ્રેમપ્રકરણમાં અવરોધરૂપ બની રહેલી માતાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યા બાદ ૧૭ વર્ષની પુત્રી અને તેનો પ્રેમી ફરાર થઈ ગયાં હોવાની ઘટના મુંબ્રામાં બની હતી.
મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના બુધવારે મુંબ્રાના આંબેડકર નગરમાં બની હતી. ઘટના બાદ ફરાર સગીરા અને તેના બૉયફ્રેન્ડની શોધ ચાલી રહી છે.
યુવક સાથેના પુત્રીના સંબંધનો માતાએ વિરોધ કર્યો હતો. તેની સાથે સંબંધ તોડી નાખવા સતત સમજાવતી માતા પર સગીરા રોષે ભરાઈ હતી. પરિણામે તેણે માતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પ્રેમી સાથે મળી છરીથી હુમલો કરી સગીરાએ માતાની કરપીણ હત્યા કરી હતી. ઘરબહાર કોઈની અવરજવર ન હોવાનું જોઈ બન્ને ફરાર થઈ ગયાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મૃતકના સંબંધીએ અનેક વાર ફોન કૉલ કરવા છતાં કોઈએ રિસીવ કર્યા નહોતા. શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘરનો દરવાજો તોડ્યો હતો. અનેક ઘા ઝીંકવાને કારણે મૃતક લોહીના ખાબોચિયામાં પડેલી પોલીસને નજરે પડી હતી.
પોલીસ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધી પોલીસ વધુ તપાસ કરી રહી છે.