41 મંત્રીએ સાથ છોડ્યા બાદ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આપ્યું રાજીનામુ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બ્રિટનમાં સેક્સ સ્કેન્ડલમાંથી ઉદ્ભવેલા રાજકીય સંકટે આખરે બોરિસ જ્હોન્સનના વડાપ્રધાન પદનો ભોગ લીધો છે. આખરે બોરિસ જ્હોન્સને વડાપ્રધાન પદેથી રાજીનામુ આપી દીધુ છે. છેલ્લા 48 કલાકમાં બ્રિટન પ્રધાનમંડળના 41 પ્રધાને રાજીનામુ આપ્યા બાદ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન પર પદ છોડવાનું દબાણ વધી ગયું હતું. યુકેના ગૃહસચિવ અને વરિષ્ઠ નેતા પ્રીતિ પટેલ અને નદીમ ઝહાવી સહિતના નેતાઓના પ્રતિનિધિમંડળે જ્હોન્સનને પદ છોડવા વિનંતી કરી હતી.
ભારતીય મૂળના નાણા પ્રધાન ઋષિ સુનક અને પાકિસ્તાનના મૂળના આરોગ્ય સચિવ સાજિદ જાવિદે તેમના પદ પરથી રાજીનામુ આપ્યા બાદ વડા પ્રધાન બોરિસની સરકાર હાલકડોલક થઇ રહી હતી. જોકે, બુધવારે તેમના મંત્રીઓના સામુહિક રાજીનામા છતાં બોરિસ જોન્સને યુકેના પીએમ પદ છોડવાનો ઇનકાર કર્યો હતો. ઋષિ સોનકના રાજીનામા બાદ નિયુક્ત થયેલા બ્રિટનના નવા નાણા પ્રધાન નદીમ ઝહાવીએ પણ ગુરુવારે બોરિસ જ્હોન્સનને રાજીનામું આપવા જણાવ્યું હતું, વડા પ્રધાને તેમને નોકરીમાં બઢતી આપ્યાના 48 કલાકથી ઓછા સમયમાં તેમણે કહ્યું હતું કે બોરિસની સરકાર રાજીનામુ નહીં આપે તો સરકારને ઘેરી લેતી કટોકટી વધુ ખરાબ થશે.
બ્રિટિશ વડાપ્રધાનના મંત્રીમંડળમાંના એક પ્રધાન પર જાતીય ગેરવર્તણૂકનો આરોપ છે. તે ઉપરાંત શ્રેણીબદ્ધ કૌભાંડોને લઈને બોરિસ સરકાર આલોચનાનો સામનો કરી રહી હતી અને વિપક્ષ સરકારના રાજીનામાની સતત માગણી કરી રહ્યો હતો. ઋષિ સુનક અને સાજિદ જાવિદે કોવિડ-19 લોકડાઉન દરમિયાન ‘પાર્ટીગેટ’ કૌભાંડ સહિત જ્હોન્સનના કાર્યકાળ દરમિયાન થયેલા કૌભાંડો પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. જાવિદે અન્ય મંત્રીઓને પણ રાજીનામું આપવા વિનંતી કરી હતી.
ગયા મહિને બ્રિટિશ પીએમ વિશ્વાસનો મત જીતવામાં સફળ રહ્યા હતા. 2020 અને 2021 દરમિયાન COVID-19 લૉકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરતી ડાઉનિંગ સ્ટ્રીટ પર પક્ષકારોને સંડોવતા ‘પાર્ટીગેટ’ કૌભાંડ પછી જ્હોન્સનની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.