Homeઉત્સવઆજે પ્રિન્સેસ ડાયના હયાત હોત તો બ્રિટન સમૃદ્ધિના શિખર પર બિરાજમાન હોત

આજે પ્રિન્સેસ ડાયના હયાત હોત તો બ્રિટન સમૃદ્ધિના શિખર પર બિરાજમાન હોત

કેન્વાસ -અભિમન્યુ મોદી

જુહુ-ચોપાટી નજીક એક્ટિવા અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો, કાર ચાલક તો ફરાર થઈ ગયો. એક્ટિવાચાલક માતા અને તેની પુત્રી જમીન પર ઘાયલ અવસ્થામાં પડ્યાં હતાં, ફૂલ જેવી માસૂમ દીકરી રડતી રહી પણ આસપાસમાંથી કોઈ તેની મદદ કરવા ન આવ્યું, બધા તેની કરુણતાનો વીડિયો બનાવવામાં મશગૂલ હતા. અખબારોમાં આવા અહેવાલ વાંચીને ઘણાં સમાજ સેવકોએ સોશિયલ મીડિયા અને મોબાઇલને ધૂત્કારવાનું શરૂ કરી દીધું, એવું સૂચન કર્યું કે મોબાઈલમાં કેમેરો આવી ગયો એટલે લોકોના હૃદયમાં અનુકંપા મરી પરવારી છે, કેમેરો કે મોબાઈલ તો સાધન છે, આધુનિક યુગનું રમકડું છે. તેમાં કદાચ માનવીને ત્વરિત સાજા કરવાની ટેક્નોલોજી આવશે તો પણ જેને વીડિયો પોસ્ટ કરીને સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવા હશે એ નિષ્ઠુર બનીને પોતાના સ્વાર્થને જ સાધશે. આજથી બે દાયકા પૂર્વે આવો જ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. તેમાં ૧૯મી સદીની આકાશકુસુમત સુંદરી અને ઇન્ટરનેશનલ ક્રશ સમી પ્રિન્સેસ ડાયના આમ જ તરફડીયાં મારતી હતી. તેના હાથ, પગ અને માથામાં કાંચના ટૂકડા ઘૂસી ગયા હતા. તે ચીસથી કણસતી હતી છતાં પાપરાઝીએ કેમેરાનો રોલ પૂરો ન થાય ત્યાં સુધી તેની કમનીય કાયામાંથી વહેતા રક્તના દૃશ્યોને કેમેરામાં કંડાર્યા પછી એમ્બ્યુલન્સને જાણ કરી પણ ત્યાં તો ધરતીની અપ્સરાનું દેહગમન થઈ ગયું હતું.
બ્રિટિશ અખબારોએ અકસ્માતનો વિસ્તૃત અહેવાલ લખ્યો પણ તેની જગ્યાએ ડાયનાને બચાવી લીધી હોત તો! આજે ડાયના હયાત હોત તો? શું તેને આજે વિશ્ર્વ યાદ કરતું હોત? ગુરુદત્ત મૃત્યુ બાદ જ અમર થયા પણ તેઓ દીર્ઘાયુષ્ય પૂર્ણ કુદરતી મોતને પામ્યા હોત તો આજે કાગઝ કે ફૂલને પ્રેક્ષકોએ ખોબલે ખોબલે વધાવી હોત? સુશાંતસિંહ રાજપૂતના અકાળે અવસાન બાદ દુનિયાને તેની પ્રતિભાની ખબર પડી પણ આજે સુશાંત હયાત હોત અને તેની કોઈ ફિલ્મ રિલીઝ થાય અને ચાહકોના ટોળા થિએટરની બહાર જોવા મળે? આ સવાલો જેટલા કડવા છે તેનો જવાબ પણ એટલો જ તાર્કિક છે. વ્યક્તિનાં મૃત્યુ બાદ જ પરિજનોને તેનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાય છે. એ જ રીતે વિશ્ર્વમાં જેટલા સેલિબ્રિટીનું અકાળે અવસાન થયું છે તેને મૃત્યુપર્યંત એટલી નામના મળી છે જેની તેમણે કલ્પના પણ કરી નહીં હોય. પ્રિન્સેસ ડાયના સાથે પણ એવું જ થયું.
રોમની પ્રાગઐહાસિક સભ્યતામાં સૌમ્ય, સાલસ અને શાંતિની દેવીની એક કથા અતિ પ્રચલિત છે. રોમન પ્રજાના રક્ષક અને દેવતાઓના સમ્રાટ જ્યુપિટરની દીકરી તથા સૂર્યદેવ અપોલોની બહેન ડાયનાનું અવતરણ પૃથ્વીમાં શાંતિની સ્થાપના કરવામાં માટે થયું હતું. ચંદ્ર જેવી શીતળ અને ધલવરંગી યુવતી, માતા અને બાળકોની ધાત્રી દેવી ડાયનાની ઓળખ તેની સુંદરતા અને તેના કૌમાર્ય માટે થતી હતી. એવું કહેવાય છે કે જે ડાયના જેટલી પરીશુદ્ધ સ્ત્રી વિશ્ર્વમાં પાંચ હજાર વર્ષના અંતરાલ બાદ જન્મે છે. તેનું કૌમાર્ય જ તેની ઓળખ છે. જેમ હરણની નાભિમાંથી કસ્તુરી નીકળે તેમ ડાયનાના શરીરમાંથી તેજપુંજના કિરણો નીકળતા હતા. જ્યુપિટર ભલે દૈત્યોનો સંહાર કરે પણ જીવન આપવાનું કામ દેવી ડાયના જ કરતી. અપોલો દેવ પાસે પ્રકાશની ગતિએ વિશ્ર્વને ઝગમગતું કરવાની શક્તિ છે પણ તેને ઊર્જા તો દેવી ડાયના જ પ્રદાન કરે. ડાયનાને દૈવીય શક્તિઓથી ગૂંગળામણ પેદા થતી હતી. તેને તો સામાન્ય યુવતીની જેમ મુક્તપણે જંગલોમાં વિહરવું હતું. કામાતુર થઈને દેહસુખ માણવું હતું. પ્રકૃતિની ગોદમાં રહીને પૃથ્વીમાં પરોપકાર કરવો હતો.
એક દિવસ જંગલમાં ફરતા ફરતા તેનો ભેટો કદરૂપા શિકારી સાથે થયો. શિકારી તો દેવી ડાયનાના રૂપથી અંજાઈ ગયો. બન્ને નિયમિત મળવાં લાગ્યાં. યુવા હૈયામાં પ્રેમની કૂપળો ફૂટી પણ અપોલો દેવને આ મંજૂર ન હતું. દેવી સાથે સામાન્ય માનવી કઈ રીતે લગ્ન કરે! અને જો ડાયનાનું કૌમાર્ય ભંગ થઈ જશે તો દેવતાઓનું નૂર જતું રહેશે. ડાયનાની શુદ્ધતા જતી રહેશે.
પોતાની કુંઠિત માનસિકતાને સંતોષવા અપોલોએ ત્રાગું રચીને સગી બહેનને જ તેના પ્રેમથી વિમુખ કરી દીધી. ડાયનાના હાથે જ હબસી શિકારીની હત્યા કરાવી. તેનું મસ્તક કાપીને ડાયનાએ જંગલી વરુઓને ભેટ સ્વરૂપે આપી દીધું પણ સદાકાળ તેની યાદમાં ઝૂરતી રહી. અપોલોની મનસા સિદ્ધ થઈ. ડાયનાની કથિત શુદ્ધતા જળવાઈ રહી. સમ્રાટ જ્યુપિટરે ચીરયૌવન ધરાવતી ડાયનને શુદ્ધતાનું પ્રતીક બનાવી દીધી અને તેને દેવતાઓની ઉતરાધિકારી બનાવી દીધી. વર્ષો બાદ બ્રિટનમાં જોગાનુજોગ દેવીનું જ નામ ધરાવતી એક સુંદરીનો જન્મ વેલ્સ રાજ્યમાં થયો. પરવાળા જેવા તેના હોઠ, અપ્સરા જેવી ધવલરંગી કાયા અને મધ જેવી મીઠી વાણી ધરાવતી આ યુવતી નામ પણ દેવીના નામ પરથી જ પડ્યું..‘ડાયના.’
વેલ્સની રાજકુમારી ડાયના સ્પેન્સર એટલે ૧૯મી સદીનું સૌથી ચર્ચિત નામ. બ્રિટનનો રાજ પરિવાર કેટલો નિર્માલ્ય અને નક્કામો છે તેની પ્રતીતિ ડાયનાએ કરાવી. બ્રિટનમાં ક્વિન એલિઝાબેથની પરંપરામાં પરોવેલી હીન માનસિકતા અને પુત્રના છાનગપતિયાંને પોષતો તેમનો મિજાજ ડાયનાએ વિશ્ર્વ સમક્ષ ખુલ્લો પાડ્યો. પ્રિન્સ ચાર્લ્સે ૧૯૮૧માં પોતાનાથી ૧૩ વર્ષ નાની અને ૧૯ વર્ષની ડાયના સ્પેન્સર સાથે લગ્ન કર્યાં ત્યારે તેમની ઉંમર ૩૨ વર્ષ હતી. વચ્ચેનાં ૧૩ વર્ષમાં ચાર્લ્સનાં ઓછામાં ઓછા ૨૦ અફેર બ્રિટનના મીડિયામાં ગાજેલાં. છતાં ડાયનાએ ચાર્લ્સ સાથે એ વિચારે પ્રભુતામાં પગલાં પાડેલા કે ચાર્લ્સ હવે સુધરી જશે પણ કૂતરાની પૂંછડી વાંકીને વાંકી રહેને! ચાર્લ્સ એકદમ રસપ્રદ અને રંગીન વ્યક્તિત્વ ધરાવતા માણસ છે.
ડાયના સાથે લગ્ન પછી પણ ચાર્લ્સના પોતાની માતા કરતા માત્ર ૩ વર્ષ નાની કેમિલ્લા સાથે અનૈતિક સંબંધો હતા. ડાયનાએ પોતાની આત્મકથામાં ચાર્લ્સ સાથેના તંગ સંબંધો વિશે વિસ્તારથી લખ્યું છે. તેમાં કેમિલ્લા સાથેના સંબંધો વિશે સનસનીખેજ આક્ષેપો કર્યા છે. ચાર્લ્સ રાજા બનવાને લાયક નથી એવું પણ ડાયનાએ લખેલું. અંતે બન્નેએ છૂટાછેડા લઈ લીધા પણ ડાયનાની ઓળખ ત્યાંથી સુધીમાં વૈશ્ર્વિક સ્તરે પહોંચી ગઈ હતી. કારણ? ચાર્લ્સ તો તેના લફરાં માટે પંકાયેલા પણ ડાયના સાથે તેના લગ્ન થયા ત્યારે રાજપરિવારે એવું જાહેર કર્યું હતું કે ‘ડાયનાનું કૌમાર્ય કોઈએ ભંગ નથી કર્યું અને તે રાજાશાહી રીતિ-રિવાજને સમજે છે એટલે તેના લગ્ન ચાર્લ્સ સાથે થઈ રહ્યા છે.’ ડાયનાના હ્ર્દયમાં કરુણાનું ઝરણું વહેતું હતું. લગ્ન પહેલા પણ તે આફ્રિકા, ઇથોપિયા જેવા કંગાળ રાષ્ટ્રોની મુલાકાતે જતી અને દીન દુખિયાના જીવનમાં ધનનો ઢગલો કરીને તેમને સુખની અનુભતી કરાવતી એમાં જ બ્રિટનના રાણીબા અને રાજકુમાર તેનાથી આકર્ષાયાં.
૯ જુલાઇ, ૧૯૮૧ના રોજ પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાનાં શાહી લગ્ન દુનિયાના ૭૫ કરોડ લોકોએ ટીવી પર લાઈવ સ્ટ્રીમિંગથી ઘરે બેઠા નિહાળ્યા હતા.પછીથી ભારતમાં પણ મધ્યમ વર્ગીય પરિવારના જુવાનિયાઓ ડાયનાની તસવીરો ખરીદતા થયા હતા. યુવતીઓ ડાયના જેવી બોયકટ હેરસ્ટાઇલને અનુસરતી હતી પણ ચાર્લ્સના લગ્નેતર સંબંધો અને રાજપરિવારની ખટપટે ડાયનાની જિંદગીને નર્ક બનાવી દીધી. સાસુ-વહુના રોજ ઝઘડા થાય, અખબારોને મસાલો મળી જાય તથા બ્રિટનની પ્રજાને મનોરંજન મળી જતું. અંતે આ ઝેરના ઘૂંટડાથી કંટાળી ડાયના છૂટાછેડા લઈ લીધા. પણ હવે તે રાજપરિવારની ઓળખ બની ગઈ હતી. એટલે રાણીબાએ તેમના પર અનેક પ્રતિબંધો લાદી દીધા. ડાયનાને સેવા પર ચોકીપહેરો લાગી ગયો. તેના પત્રો ટપાલ વિભાગમાં અટવાયેલા રહેતા અને સૌથી મોટી વાત ડાયના જેવી ઘરની બહાર નીકળે એ સાથે જ ૩૦-૪૦ ફોટોગ્રાફર તેને ઘેરી લે, ફ્લેશ લાઈટ ડાયનાના જીવનનો હિસ્સો બની ગઇ.
પતિનો પ્રેમ મળ્યો નહી એટલે ડાયના પ્રેમ શોધવા નીકળી પડી. ગ્રીસના યુવા બિઝનેસમેન ડોડી અલફયાદી સાથે ડાયનાનું પ્રેમ પ્રકરણ ચગ્યું. પણ રાજપરિવારને એ મંજૂર ન હતું. એક મુસ્લિમ સાથે ચાર્લ્સની પૂર્વ પત્ની લગ્ન કરે તો રાજપરિવારે નાલેશી ભોગવવી પડે તેવા સમાચારો અખબારના મથાળાં બન્યા અને પેરિસમાં એક સાંજે ડાયના-ડોડીનું કાર અકસ્માતમાં મોત થયું. જે ટનલમાં તેની કારનો કચ્ચર ઘાણ વળી ગયો ત્યાં ૧૪ સીસીટીવી કેમરા લાગ્યા હતા છતાં એક પણ કેમેરામાં અકસ્માતના દૃશ્યો કેદ ન થયા. અખબારોએ ફરી રાજપરિવાર પર આળ મૂક્યું કે નક્કી રાણીબાએ જ ડાયનાના લગ્ન ડોડી સાથે ન થાય એટલે તેની હત્યા કરી નાખી. ઘણાંએ તો એવું લખ્યું કે બ્રિટનની જાસૂસી સંસ્થા એમઆઈ સિક્સના એજન્ટોએ હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપ્યું છે. ૨૧મી સદીના યૌવન કાળમાં રાણીબા એલિઝાબેથનું નિધન થયું અને બ્રિટનનું સિંહાસન ચાર્લ્સના હાથમાં આવ્યું ત્યારે તેણે પોતાના શપથ સમારોહમાં ડાયનાને યાદ કરી હતી. અને તાજેતરમાં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તો એવું પણ કહ્યું કે તેને ડાયનાનું ભૂત દેખાય છે.
લિઝ ટ્રસ અને ઋષિ સુનકના રાજકીય ઘમસાણમાં આ વાત દબાઈ ગઈ પણ ચાર્લ્સની મનુસ્મુતિમાં પ્રિન્સેસ ડાયનાનું પ્રકરણ ફરી ખૂલ્યું છે. જેમ સૂર્યદેવ અપોલોએ જગતમાંથી વિદાય લેતા-લેતા દેવતાઓને દેવી ડાયનાની કથિત શુદ્ધતાનું રહસ્ય જણાવ્યું હતું. શું આજે પણ ડાયનાનું ભૂત મહેલની ઊંચી દીવાલોમાં વિહરે છે? કે કિંગ ચાર્લ્સને ઘડપણમાં ડાયનાનો ભાસ થાય છે? પણ એટલું તો નક્કી છે કે આ પાપરાઝી પત્રકારોએ જો પૈસા કરતાં મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું હોત તો આજે ડાયના હયાત હોત.

RELATED ARTICLES

Most Popular