બ્રિક્સની બેઠકમાં પાકિસ્તાન ભાગ નહીં લઇ શક્યું, ભારતે ચીનની યોજના પર પાણી ફેરવ્યું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બ્રિક્સ દેશોની શિખર બેઠકમાં ભાગ લેવા ઈચ્છતા પાકિસ્તાનને મિત્ર ચીન તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. ચીન ઈચ્છવા છતાં પણ પાકિસ્તાનને આ બેઠકમાં આમંત્રણ આપી શક્યું નહોતું. ભારતનું નામ લીધા વિના પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે બ્રિક્સ દેશોમાંથી એકે પાકિસ્તાનનું આમંત્રણ અટકાવ્યું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર ભારતે પાકિસ્તાનના આમંત્રણનો વિરોધ કરતા ચીનને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.
હકીકતમાં, ચીન દ્વારા 24 જૂને બ્રિક્સ દેશોના વૈશ્વિક વિકાસ પર વર્ચ્યુઅલ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ચીન તરફથી ઘણા દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં પાકિસ્તાન પણ સામેલ હતું. જોકે, ભારતના વિરોધ બાદ પાકિસ્તાનને બેઠકમાં ભાગ લેવાની તક મળી ન હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે એક બ્રિક્સ દેશે તેમના આમંત્રણનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ચીન સાથે મળીને દ્વિપક્ષીય સંબંધો અને સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
આ અંગે પાકિસ્તાને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે , ‘એ દુઃખદ છે કે એક બ્રિક્સ સભ્યે પાકિસ્તાનની ભાગીદારી પર રોક લગાવી દીધી.’ પાકિસ્તાની મીડિયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ભારતે બ્રિક્સ સમિટમાં પાકિસ્તાનની ભાગીદારીનો વિરોધ કર્યો હતો અને અવરોધ કર્યો હતો. આ અપમાનથી ગુસ્સે થઈને પાકિસ્તાને કહ્યું કે અમને આશા છે કે ભાવિ ભાગીદારી સર્વસમાવેશકતાના સિદ્ધાંત પર આધારિત હશે અને સમગ્ર વિશ્વના વિકાસને ધ્યાનમાં રાખીને હશે. તે સંકુચિત ભૌગોલિક રાજકીય માન્યતાઓથી પણ મુક્ત રહેશે.
ભારત તરફથી પાકિસ્તાનને આ ફટકો એવા સમયે આવ્યો હતો જ્યારે ચીને સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને આતંકવાદી જાહેર કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને રોકી દીધો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.