બ્રેડ-બટર, સેન્ડવિચ, પાવભાજી, ગાર્લિક બ્રેડ વગેરે વગેરે… કંઈ કેટલાય સ્વરૂપે આપણે બ્રેડનું સેવન કરતાં હોઈએ છીએ પણ, ક્યારેય વિચાર્યું છે ખરું કે બ્રેડનો એક ટૂકડો તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે? આ સવાલનો જવાબ કદાચ નામાં જ હશે, પરંતુ હકીકતમાં આવું બન્યું છે અને એ પણ ભારતના તામિલનાડું રાજ્યમાં.
તામિલનાડુના કુડ્ડાલોર જિલ્લાના વડાલૂપ ખાતે એક બોડી બિલ્ડરનું મૃત્યુનું કારણ બન્યું છે બ્રેડનો ટુકડો.. 21 વર્ષીય એમ હરીહર સ્ટેટ લેવલનો બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટેની ટ્રેઈનિંગ લઈ રહ્યો હતો. વર્ક આઉટ દરમિયાનના બ્રેક દરમિયાન તેણે બ્રેડ ખાધો અને બ્રેડનો ટૂકડો ગળામાં ફસાઈ જતાં ગૂંગળાઈને તેનું મૃત્યુ થયું હતું.
એમ હરીહરન વડાલૂર ખાતે યોજાનારી સ્ટેટ લેવલની બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનની તૈયારી કરી રહ્યો હતો. તે જિમમાં ટ્રેઈનિંગ લઈ રહ્યો હતો અને 70 કિલો કરતાં ઓછા વેઈટ ગ્રુપ માટેની સ્પર્ધા માટે તે તૈયારી કરી રહ્યો હતો.
રવિવારની રાતે આઠ વાગ્યાની આસપાસ તે વર્ક આઉટ કરી રહ્યો હતો અને શોર્ટ રિસેસમાં તે પાઉં (બ્રેડ) ખાઈ રહ્યો હતો. આ બ્રેડનો ટૂકડો તેના ગળામાં ફસાઈ ગયો હતો, જેને કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ગૂંગળાઈને હરિહરન પહેલાં તો બેભાઈ થઈ ગયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં પહોંચતા પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.