બ્રાઝિલના જ નહીં સમગ્ર ફૂટબોલ જગતમાં ભીષ્મપિતામહ સમાન મહાન પ્લેયર પેલેનું જૈફ વયે કેન્સરને કારણે નિધન થયું હતું. બ્રાઝિલના ત્રણ વખત ફૂટબોલ વર્લ્ડ કપની ભેટ આપનાર સ્ટાર પ્લેયર પેલેનુ અવસાન થવાથી દુનિયાનાં ફૂટબોલ પ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી હતી અને સોશિયલ મીડિયા પર શ્રધ્ધાંજલિ આપી હતી. ૮૨ વર્ષના દિગ્ગજ ખેલાડીનું સાઓ પાઓલોમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.
સદીના મહાન ફૂટબોલરોમાંના એક પેલે 2021થી રેક્ટલ કેન્સરની સારવાર હેઠળ હતા. અનેક બીમારીઓને કારણે તેઓ ગયા મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના મૃત્યુની પુષ્ટિ તેમના એજન્ટ જો ફ્રેગા દ્વારા કરવામાં આવી હતી.
ફૂટબોલના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક તરીકે ઓળખાતા, પેલેએ લગભગ બે દાયકા સુધી તેમની રમત દ્વારા તેમના ચાહકોનું મનોરંજન કર્યું હતું. તેઓ બ્રાઝિલને ફૂટબોલની રમતના શિખર પર લઈ ગયા હતા અને સાઓ પાઉલોની શેરીઓથી શરૂ થયેલી સફરમાં આ રમતમાં વૈશ્વિક સિદ્ધિઓ હાંસલ કરી હતી. બ્રાઝિલે પેલેના નેતૃત્વમાં 1958, 1962 અને 1970માં વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે બ્રાઝિલ માટે 77 ગોલ કર્યા હતા. તાજેતરમાં વર્લ્ડ કપ દરમિયાન નેમારે તેના રાષ્ટ્રીય રેકોર્ડની બરાબરી કરી હતી. ફૂટબોલની વિવિધ મેચમાં તેમને ૧૨૦૦થી વધુ ગોલ કર્યા હતા, પરંતુ ફિફાએ ૭૮૪ ગોલને માન્યતા આપી હતી.
પેલેને રોઝમેરી ડોસ રીસ ચોલ્બી અને એસીરિયા સેક્ટાસ લેમોસ સાથેના તેમના લગ્નથી પાંચ બાળકો છે, અને લગ્નેતર સંબંધથી બે પુત્રીઓ છે. બાદમાં તેમણે બિઝનેસવુમન માર્સિયા સિબેલે ઓકે સાથે લગ્ન કર્યા હતા.