બહાદુરીએ બનાવી દીધા હરિસિંહ નલવા

ઉત્સવ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

ખૂબ નાની ઉંમરના હરિસિંહ ઉપ્પલે રાજ દરબારમાં માનભર્યું સ્થાન મેળવી લીધું. પરંતુ માહ્યલો રાજકારણી નહીં, સાચા નેતા અને પરાક્રમી બનવાના પિંડમાંથી ઘડાઇ રહ્યો હતો.
હજી તો મહારાજા રણજિતસિંહના વિશિષ્ટ અંગરક્ષક બન્યાને થોડા જ મહિના પસાર થયા હતા, ત્યાં એક અત્યંત ચોંકાવનારો બનાવ બન્યો. રણજિત સિંહને શિકાર પર નીકળવાનું મન થયું. સ્વાભાવિક છે કે વિશિષ્ટ અંગરક્ષક સાથે જ હોય. એ ઉંમરે બીજો કોઇ મનોમન ડરી જાય પણ હરિસિંહ તો રાજીના રેડ.
મહારાજાએ રાસરસાલા સાથે જંગલમાં પ્રવેશ કર્યો, એવો જ એક વાઘ જાણે સ્વાગત કરવા ઓચિંતો પ્રગટ થયો. તીરની ઝડપે એ સીધો ત્રાટકયો હરિસિંહ પર. ખુદ હરિસિંહ કે અન્ય કોઇને કઇ સમજવા વિચારવા કે કરવાનો મોકો ન મળ્યો. વાઘે અચાનક ત્રાટકીને હરિસિંહને પાડી દીધા. આ કિશોરને પાસેની તલવાર કાઢવાનો સમય પણ ન મળ્યો. ફાટી આંખે અને ખુલ્લા મોઢે આ દૃશ્ય જોઇ રહેલા સૌને થયું કે બચાડો નાનકડી ઉંમરમાં વાઘનો શિકાર બની જવાનો. આનાથી તદ્ન વિપરિત હરિસિંહ નહોતા. લેશમાત્ર ગભરાયા કે જરાય અસ્વસ્થ થયા. મનોમન કંઇક નક્કી કરીને તેઓ બે હાથેથી વાઘનો સામનો કરવા માંડયા. આ બાથમબાથીમાં અચાનક હરિસિંહના બન્ને વાઘના જડબા સુધી પહોંચી ગયા. હરિ સિંહે એકદમ જોશભેર વાઘને જડબાભેર ગોળગોળ ફેરવવા માંડ્યા. પછી જોશભેર જમીન પર પછાડી દીધો. પછડાટમાંથી સ્વસ્થ થાય એ પહેલા તો તેમણે વાઘ પર આક્રમણ કર્યું. એક પળમાં તલવાર કાઢીને વાઘની ડોક પર ઝિંકી દીધી. પ્રહાર એટલો શક્તિશાળી કે વાઘનું માથું ધડથી અલગ થઇ ગયું.
આ ઘટના જોનારાઓ માન શકતા નહોતા કે પોતાની નજર સામે શું બની ગયું. રણજિતસિંહ સહિતના સૌ એકદમ અવાચક બનીને ઊભા રહી ગયા. કોઇ હરિસિંહને જુએ તો કોઇક નિશ્ર્ચેત પડેલા વાઘને મહારાજા અને અન્ય સેવકો મારતે ઘોડે હરિસિંહની પાસે પહોંચ્યા ત્યારે મદદ કરવા જેવું કંઇ બચ્યું નહોતું. હરિસિંહે બે હાથ જોડીને મહારાજાનું ધ્યાન છે મરેલા વાઘ ભણી દોર્યું. આ જોઇને મહારાજા રણજિતસિંહના મોઢામાંથી નીકળી પડયું, “તૂઁ તાઁ નલવાઁગ બહાદુર હૈ.
આનો અર્થ થાય કે તું તો રાજા નળ જેવો બહાદુર છે. જેમણે “મહાભારત ધ્યાનથી વાચ્યું હશે. તેમને રાજા નળની યાદ આવી જશે. હિન્દી ફિલ્મ ‘જિંદગી ન મિલેગી દુબારાં’ અને ટી.વી. સિરિયલોમાં યુરોપની બુલ-ફાઇટ દેખાડાય છે. એ જ રીતે રાજા નળ સિંહ સાથે લડતા હતા. આવા જીવલેણ, હિંસક અને તાકાતવર જાનવર સાથે રાજા નળ લડે અને કાયમ જીતે. તેઓ સિંહને ગોળગોળ ફેરવીને ફંગોળી દેતા હતા. જેવું હરિસિંહે વાઘ સાથે કર્યું.
આ જોઇને મહારાજા રણજિતસિંહને રાજા નળ યાદ આવી ગયા. આખા કાફલામાં હરિ સિંહ ઉંમરમાં સૌથી નાના અને સૌના વહાલા હોવાથી ‘નલવાઁગ’નું અપભ્રંશ ‘નલવા’ થઇ ગયું. ત્યારબાદ આ સરદાર હરિસિંહ ઉપ્પલ કાયમ માટે હરિસિંહ નલવા તરીકે ઓળખાવા માંડ્યા. આ ઘટનાને લીધે હરિસિંહને વધુ એક વિશેષણ મળ્યું: વાઘ માર ભવિષ્યમાં ભારતના જ નહીં, વિશ્ર્વના શ્રેષ્ઠ સેના નાયક, રણનીતિજ્ઞ અને રણકૌશલકાર તરીકેની નામના રળનારા વ્યક્તિની આ તો હજી શરૂઆત હતી. આગળ જતા બ્રિટિશ શાસકો એમની સરખામણી નેપોલિયન સાથે કરવાના હતા, તો બ્રિટિશ સર હેન્રી ગ્રિફિન એમને માનભેર ‘ખાલસાજીના ચેમ્પિયન’ ગણાવવાના હતા.
હા, શીખ સામ્રાજયના નેત્ર દીપક શાસક મહારાજા રણજિતસિંહના હરિસિંહ નલવા પર ચાર હાથ હતા. આનું એક માત્ર કારણ હરિસિંહની વીરતા. વિશિષ્ટ અંગરક્ષક બનાવ્યાના એકાદ વર્ષમાં મહારાજાએ એમને લશ્કરની એક ટુકડીના સેનાનાયક બનાવી દીધા. ૧૪-૧૫ વર્ષના સેનાપતિની આગેવાની હેઠળ ૮૦૦-૮૦૦ સૈનિકોને મુકાયા. આને મહારાજાની કદરદાનીથી વધુ દૂરંદેશી કહેવાય. આવો વિશ્ર્વાસ આટલી નાની ઉંમરે કોઇએ મેળવ્યાના દાખલા ઇતિહાસમાં આસાનીથી મળવાના નથી. આમાં એમના પરાક્રમ, યુદ્ધ-કૌશલ અને વફાદારીનો સિંહ ફાળો.
મહાપરાક્રમી અને અજેય હરિસિંહ નલવાની શૌર્યસભર સફરમાં આગળ વધતા અગાઉ મહારાજા રણજિતસિંહ વિશે થોડું જાણવું પડે. આનાથી વધુ સ્પષ્ટ થશે કે કેવા વિપરિત સંજોગોમાં મહારાજાએ તેમના પર કેવી ભગીરથ જવાબદારી નાખી હતી. અને હરિસિંહ એનો નિર્વાહ કેટલી બખૂબીથી કરીને મહારાજાના શ્રદ્ધા-વિશ્ર્વાસને દીપાવીને ભારતના જ નહીં, એશિયાના રાજકીય સામાજિક અને ભૌગોલિક ઇતિહાસને નવી દિશા આપી હતી. આડકતરી રીતે તો કહી શકાય કે હરિસિંહના પ્રતાપે દુનિયા ઘણી અલગ, મહદઅંશે સારી અને સલામત બની.
મહારાજા રણજિતસિંહ (૧૩ નવેમ્બર, ૧૭૮૦-૨૭ જૂન, ૧૮૩૯) એટલે શીખ સામ્રાજયના સંસ્થાપક અને ઇ.સ.૧૭૯૯થી ૧૮૩૯ વચ્ચે પંજાબમાં લાહોરના મહારાજા. એમના વિશે જાણીતા અંગ્રેજ ઇતિહાસકાર જે. ટી. વ્હિલરનો મત જાણવા જેવો છે. જો મહારાજા રણજિત સિંહનો જન્મ એકાદ સદી અગાઉ થયો હોત તો સમગ્ર હિન્દુસ્તાન તેમના આધિપત્ય હેઠળ હોત.
પશ્ર્ચિમ પંજાબના ગુજરાંવાલા નજીકની સુકરચકિયા જાગીરના ગરાસદા મહાનસિંહને ઘરે રણજિતસિંહનો જન્મ થયો ત્યારે પંજાબ નાના-મોટા અનેક રજવાડા-જાગીરમાં વહેંચાયેલું હતું. પંજાબના રજવાડા એકતા સાધીને મજબૂત બનીને દુશ્મનોનો સામનો કરવાને બદલે અંદરોઅંદર બાખડતા હતા. આનો લાભ લઇને પશ્ર્ચિમ તરફથી અફઘાન મુસ્લિમો પંજાબને ઉધઇની જેમ કનડતા હતા. તો બીજી તરફ અંગ્રેજોની કાળી નજર ચોટેલી હતી. આ સંજોગોમાં પંજાબના મોટા ભાગના શીખ શાસકોની એક જ પ્રાથમિકતા હતી. આપણું રાજ સાચવીને બેસી રહો. નાનપણમાં શીતળાના રોગને લીધે એક આંખ ગુમાવી દેવા છતાં રણજિતસિંહમાં દૂરંદેશીતા હતા, સાથોસાથ અસલી હીરાના પારખી. માત્ર બાર વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવીને સમગ્ર રાજનો ભાર વહન કરવાને લીધે જ તેઓ નાની ઉંમરના હરિસિંહ પર વિશ્ર્વાસ મૂકી શકયા હશેને!
રણજિતસિંહની કસોટી, આકરી કસોટી, બહુ જલદી થઇ. એકાદ વર્ષમાં તો નિકંદન કાઢી નાખવાના ઇરાદે તેમના પર હુમલો થયો. પરંતુ આ બાળકે તો હુમલાખોર હસમન ખાનને મારી નાખ્યો. ૧૭૯૮માં એમના શીખ લશ્કરે લાહોર પર અકલ્પ્ય જીત મેળવી. આ સાથે રણજિતસિંહે શીખ સામ્રાજયનો પાયો નાખીને લાહોરને બનાવ્યું પાટનગર. માત્ર ૨૧ વર્ષની ઉંમરે લાહોર દરબારમાં તેઓ ગુરુ નાનકના વંશજના હસ્તે રાજ્યાભિષેક થકી સત્તાવારપણે મહારાજા બન્યા. બહુ ઓછા સમયમાં રણજિતસિંહે ઝડપભેર કેટલીક શીખ જાગીરોનો પોતાના સામ્રાજયમાં સમાવેશ કરી દીધો. આ આસાન નહોતું જ પણ રાવી અને ચિનાબ નદીઓ વચ્ચેથી આરંભાયેલા આ સામ્રાજયનો વિસ્તાર સિંધુ અને સતલજ સુધી વિસ્તારવાનો હતો.
આ શીખ સામ્રાજયની મજબૂતી અને મહારાજા રણજિતસિંહની અનેક ફતેહમાં હરિસિંહ નલવાએ એવા ગજબના પરાક્રમ બતાવ્યા કે જેને ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય.
(ક્રમશ:)

1 thought on “બહાદુરીએ બનાવી દીધા હરિસિંહ નલવા

  1. આવા લેખ વાંચ્યા પછી લાગે છે કે હજી આપણને આપણા ઇતિહાસ ની સાચી અને પૂરી જાણકારી નથી. પ્રફુલ ભાઈ thank you

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.