બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે – સમીર જોશી
છેલ્લા અમુક વર્ષોથી અને કોવિડ પછી વેપારનાં આયામો અને વેપાર કરવાની ઘણી બધી પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. સૌથી મોટો બદલ એટલે પેમેન્ટની ચુકવણી ડિજિટલ માધ્યમથી, ઘેર બેઠા તમારો સામાન આવવો અને ખરીદી ગ્રાહક જ્યાં છે ત્યાંથી અને જયારે જોઈએ ત્યારે. આનાથી મોટો બદલાવ એટલે ક્ધઝ્યુમર પ્રોડક્ટ કે સર્વિસ નહિ પણ બ્રાન્ડ ખરીદે છે. આ વાતની જાણ હોવા છતા ઘણા વેપારીઓ આ દિશા તરફ ધ્યાન નથી આપતા અને આને ખોટા ખર્ચ તરીકે જોવે છે. બ્રાન્ડ બનાવવાની આવશ્યકતા આજે પણ ઘણા વેપારીઓને નથી લાગતી. આ ભૂલ તેઓને આજે નહિ પણ નજીકના ભવિષ્યમાં જરૂરથી સમજાશે. આ વિષય પર આજે વાત કરવાનું એટલે જરૂરી લાગ્યું કારણ આ અઠવાડિયે બે એવા વેપારીઓને મળવાનું થયું (નોંધ લો વેપારીઓને અને નહિ કે બ્રાન્ડ ઓનરને) જેમાં એક પોતાના વ્યવસાયમાં ૩ પેઢીથી છે, રોજે રોજની જરૂરિયાતના ફૂડ પ્રોડક્ટ બનાવે છે, ઇ૨ઈ નો વેપાર છે; જયારે બીજો ત્રણ દાયકાથી છે અને ઇ૨ઇ ના વેપારમાં છે. બંનેના પ્રોડક્ટ લોકો જાણે છે, તેઓનું નામ સાંભળ્યું છે, વર્ષોથી પોતાની કેટેગરીમાં સ્થાન જમાવ્યું છે અને ધંધો નફામાં છે પણ તેઓ બ્રાન્ડ નથી. વાંચીને અજુક્તું લાગશે કે આટલો સફળ વેપાર અને બ્રાન્ડ શા માટે નથી. બંનેની એકજ ફરિયાદ અને ડર હતો કે તેઓ સફળ વેપાર કરી રહ્યા છે પણ તેઓ બ્રાન્ડ ના બનાવી શક્યા. ફૂડના વેપારમાં છે તે ઘરઘરાઉ નામ પણ છે, તેઓનો લોગો પણ છે, પેકેજીંગ છે છતાં પણ તેમણે કહ્યું કે તે બ્રાન્ડ નથી. બંને એ કહ્યું કે તેઓને ફાંકો હતો કે બ્રાન્ડ વગર પણ સેલ થઇ રહ્યું છે કારણ પ્રોડક્ટમાં દમ છે અને ડિસ્ટ્રીબ્યુશન મજબૂત છે. આ બંને વાતો હોવીજ જોઈએ જે પાયાની છે અને જો આ ના હોય તો બ્રાન્ડ બનાવી હોય તે પણ નિષ્ફળ જઈ શકે. વ્યવહારિક દૃષ્ટિએ તમે તેને બ્રાન્ડની કેટેગરીમાં મૂકી શકો પણ શા માટે તેમને લાગ્યું કે તેઓ બ્રાન્ડ નથી અને શા માટે તેઓને લાગે છે કે આજે આની તાતી જરૂરિયાત છે તેનાં કારણો જાણીયે.
સૌ પ્રથમ, આજનો ક્ધઝ્યુમર નવો છે. તેને પ્રોડક્ટ નહિ પણ બ્રાન્ડ સમજાય છે અને જોઈએ છે.
બીજું, તેઓ શેના દ્વારા ઓળખાય છે તેની જાણ નથી અર્થાત તેઓએ પોતાને ક્યારેય ડિફાઇન નથી કર્યા કે વ્હોટ ધે સ્ટેન્ડ ફોર અને આના હિસાબે નવી બ્રાન્ડ તેમનો માર્કેટ શેર લઇ જાય છે.
ત્રીજું, આજે વેપારના આયામો બદલાયાં છે અને અત્યાર સુધીની પદ્ધિતીથી થતો વેપાર આવનારા સમયમાં નહિ ચાલે.
ચોથું, સ્પર્ધા વધી રહી છે જેમાં મોટા માથાઓની સાથે નાના માથાઓ પણ હકથી ધંધો કરે છે. મહત્ત્વનું, નવો ખેલાડી બ્રાન્ડને મહત્ત્વ આપી પોતાનો માલ વેચે છે અને તેથી ક્ધઝ્યુમર તેને પસંદ કરે છે. આજે લિગસીને મહત્ત્વ નથી. અર્થાત જો લિગસી, બ્રાન્ડના રૂપમાં હશે તો ચોક્કસપણે તેને પ્રાધાન્ય મળશે.
પાંચમું અને મહત્ત્વનું કારણ, આજ સુધી હું જે બનાવતો હતો તે લોકોને આપતો હતો જયારે આજે બ્રાન્ડના જમાનામાં જે ક્ધઝ્યુમરને જોઈએ તે આપવું પડશે, જે નવા ખેલાડીઓ કરી રહ્યા છે. આમાં ઉત્પાદનોમાં નવીનતા, ક્ધઝ્યુમરને જોઈતી પદ્ધતિઓ જેવી કે; ઓનલાઇન ખરીદી, ડિજિટલ પેમેન્ટ, હોમ ડિલિવરી બધું આવી ગયું.
આમ મારી રીતે અને અક્કડથી થતો ધંધો વધુ સમય નહિ ચાલે. આ બંને વેપારીઓ સાવધ છે અને ખુલ્લા મને આ વાત સ્વીકારવાની હિમ્મત રાખે છે તેથી સમય વર્તે સાવધાન થઇ બ્રાન્ડ નથી બનાવી તે ભૂલ સમજી ગયા અને તે સુધારવા તૈયારી દાખવી. બીજી મોટી વાત તેઓએ સ્પર્ધાનો અભ્યાસ કર્યો અને જાણ્યું કે આજે વિદેશી કે પછી દેશી મોટી કંપનીઓ નામી બ્રાન્ડ અને નહિ કે વેપાર એક્વાયર અર્થાત ખરીદે છે. પોતે જે નવા પ્રોડક્ટ માર્કેટમાં લાવે છે તેઓને સ્થાપિત કરવામાં વાર લાગે છે જે બ્રાન્ડના કેસમાં નથી થતું. બ્રાન્ડ જો પ્રસ્થાપિત થયેલી હોય તો તેની હેઠળ આવતા બીજા પ્રોડક્ટ આસાનીથી વેચાય છે. બ્રાન્ડ આવતા તમે ક્ધઝ્યુમર અને માર્કેટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખો છો અને તેથી તમારું બ્રાન્ડ ઍક્સટેંશન પણ તે મુજબ થશે અને નહિ કે આયોજન વગરનું. ઇ૨ઇ માં પણ તમારો ગ્રાહક જે પોતે પણ વેપારી છે તે બ્રાન્ડેડ પ્રોડક્ટ વેચવાનું વિચારશે કારણ તેના માટે તેને ઓછી મહેનત લાગે છે. ઉપર જણાવેલ ઇ૨ઇ વેપારીને તેના ડિસ્ટ્રીબ્યુટરો જે વર્ષોથી તેમની સાથે વેપાર કરે છે તેમણે આ દિશા તરફ તેમનું ધ્યાન ખેંચ્યું અને કહ્યું કે જો તમે બ્રાન્ડ નહિ બનાવો તો લાંબા સમય સુધી વેપાર કરવો મુશ્કેલ થશે અને તેઓ માલ નહિ વેચે. ફક્ત લાંબા સમયના સંબંધના કારણે તેમનો માલ વેચવો મુશ્કેલ થશે. અર્થાત સંબંધ નહિ પણ બ્રાન્ડ વેપાર કરશે.
બ્રાન્ડિંગ મહત્ત્વપૂર્ણ ફક્ત તે માટે નથી કે તે ગ્રાહકો પર યાદગાર છાપ છોડે છે, પરંતુ તે તમારા ગ્રાહકોને તમારી કંપની પાસેથી શું અપેક્ષા રાખવી તે જણાવે છે. તે તમારી
જાતને સ્પર્ધકોથી અલગ પાડવાની અને તમે જે ઓફર કરો છો તે સ્પષ્ટ કરવાની એક રીત છે. તમારી બ્રાન્ડ એક વ્યવસાય તરીકે તમે કોણ છો અને તમને લોકો કઇ રીતે જોવે, તમારું પરસેપશન કેવું બનાવવું છે તે જણાવે છે. લોકો તમારું પરસેપશન બનાવે તે પહેલા તમને તમારું પરસેપશન બનાવવાની તક આપે છે.
ભાવિ બિઝનેસ જનરેટ કરવાનો પ્રયાસ કરતી વખતે બ્રાન્ડિંગ મહત્ત્વપૂર્ણ છે, અને મજબૂત રીતે સ્થાપિત બ્રાન્ડ કંપનીને ઉદ્યોગમાં વધુ લીવરેજ આપીને બિઝનેસનું મૂલ્ય વધારી શકે છે. આ મૂલ્યનો અર્થ પ્રભાવ, પ્રીમિયમ ચાર્જ કરવો અથવા માઇન્ડશેર હોઈ શકે છે. સારી બ્રાન્ડને રેફરલ બિઝનેસને મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. મજબૂત બ્રાન્ડિંગનો સામાન્ય રીતે અર્થ થાય છે કે ગ્રાહકોમાં કંપનીની સકારાત્મક છાપ છે, તેઓ બ્રાન્ડ પર વિશ્ર્વાસ કરી શકે અને તે બ્રાન્ડ સાથે વ્યવસાય કરે તેવી શક્યતા છે. એકવાર બ્રાન્ડ સારી રીતે સ્થાપિત થઈ જાય, પછી વર્ડ ઓફ માઉથ કંપનીની શ્રેષ્ઠ અને સૌથી અસરકારક જાહેરાત તકનીક હશે.
જ્યારે કોઈ કર્મચારી મજબૂત બ્રાન્ડેડ કંપની માટે કામ કરે છે અને ખરેખર બ્રાન્ડની પાછળ ઊભો રહે છે, ત્યારે તેઓ તેમની નોકરીથી વધુ સંતુષ્ટ થશે અને તેઓ જે કામ કરે છે તેનું ગૌરવ હશે. એવી બ્રાન્ડ માટે કામ કરવું કે જે પ્રતિષ્ઠિત હોય તે કંપની માટે કામ કરવાનું લોકો વધુ પસંદ કરશે. બ્રાન્ડની પ્રતિષ્ઠા આખરે ગ્રાહકોને તેનામાં રહેલા વિશ્ર્વાસ થકી છે.
એક વાત યાદ રાખજો કે બ્રાન્ડ તે આજ માટે નહિ પણ ભવિષ્ય માટે છે. જો લાંબા ગાળાની રમત રમવી હશે તો બ્રાન્ડના સહારેજ રમી શકશો. આમ, ગ્રાહકોને પહેલા કરતાં આજે બ્રાન્ડની વધુ જરૂર છે. તેને કોઈપણ બ્રાન્ડ નહીં ચાલે પણ ફક્ત તે બ્રાન્ડ જે તેને ધ્યાનમાં રાખી બની હોય અને તેના હૃદયની વાત કરે ત્યારે તે નવી બ્રાન્ડને પોતાના જીવનમાં સ્થાન આપશે. આ ઉપરાંત, બ્રાન્ડ તે પ્રોડક્ટ અને સર્વિસની પરે એ એક બિઝનેસ એસેટ છે જે પોતાનામાં નાણાકીય મૂલ્ય પણ ધરાવે છે અને વ્યવસાયની બેલેન્સ શીટ પર તેનું પોતાનું સ્થાન હોવું આવશ્યક છે કારણ કે તે કંપનીના એકંદર મૂલ્યમાં વધારો કરે છે.