બ્રહ્માંડ દર્શન – ડૉ. જે. જે. રાવલ
આકાશમાં દિવસે સૂર્ય સૌથી પ્રકાશિત છે. પછી ચંદ્ર પ્રકાશિત છે. પછી શુક્ર પ્રકાશિત છે. પછી વ્યાઘનો તારો પ્રકાશિત છે. પછી બીજા ગ્રહો અને તારા પ્રકાશિત છે.
આંખ ઝાંખામાં ઝાંખા તારાને જોઈ શકે તે તારાની તેજસ્વિતાનો આંક છ મેગ્નિટ્યૂડ ગણવામાં આવે છે. આ આંક ૨૩૦૦ વર્ષ પહેલાં વિખ્યાત ગ્રીક ખગોળવિદ હીપાર્કસે નક્કી કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે આટલી બધી સદીઓ પસાર થઈ ગઈ તો પણ હીપાર્કસનો તારાની આ તેજસ્વિતાનો આંક આજે પણ ચાલુ છે, આજે પણ વપરાય છે.
પાણિનીનું વ્યાકરણ અને પાણિનીનાં અલ્ગોરિથમ તો આજથી ૨૬૦૦ વર્ષ પહેલાં સર્જાયા હતાં તે પણ આજ સુધી હેમખેમ ચાલુ છે. ધરતીકંપનો રીકટર સ્કેલ માત્ર ૧૦૦ વર્ષ જ જૂનો છે.
હીપાર્કસના તારાની તેજસ્વિતાના આંક પ્રમાણે પાંચ મેગ્નિટ્યૂડ વચ્ચે તફાવત ૧૦૦ ગણી તેજસ્વિતાનો હોય છે. હીપાર્કસના મેગ્નિટ્યૂડ સ્કેલ પર જેમ જેમ મેગ્નિટ્યૂડ વધે તેમ તેમ તારો વધારે અને વધારે ઝાંખો હોય. ધરતીકંપના રિક્ટર સ્કેલ પર જેમ જેમ મેગ્નિટ્યૂડ વધે તેમ તેમ ધરતીકંપની તીવ્રતા વધે. રિક્ટર સ્કેલ પર એક મેગ્નિટ્યૂડ વધે તો ૩૩ ગણી વધારે ઊર્જા ધરતીના ભૂગર્ભમાંથી બહાર પડે.
હબલ અંતરીક્ષ દૂરબીન સૂર્ય કરતાં ૧૦૦૦ અબજ અબજ ગણા ઝાંખા તારાને જોઈ શકે છે. જૂઓ હબલ અંતરીક્ષ દૂરબીનની કેટલા બધાં ઝાંખા તારા જોવાની ક્ષમતા છે. માટે જ હબલ દૂરબીને ખગોળવિજ્ઞાનની સીમાને દૂર દૂર લઈ જવામાં મોટું યોગદાન આપ્યું છે. નેપ્ચ્યુન, પ્લૂટોનાં ઝાંખામાં ઝાંખા ઉપગ્રહોનાં ચિત્રો લઈ મોકલ્યાં છે. હબલ ટેલિસ્કોપે માત્ર એક કલાકના એક્સપોઝરમાં આટલા ઝાંખા તારાના આપણને દર્શન કરાવ્યા છે. હબલ દૂરબીને સળંગ એક કે વધારે સપ્તાહના એક્સ્પોઝર લીધાં છે અને ઝાંખામાં ઝાંખી મંદાકિનીઓ (લફહફડ્ઢશયત ગેલેક્ષીઓ)ને આપણી આંખ સમક્ષ ધરી દીધી છે. માટે ખગોળવિજ્ઞાન અને વિજ્ઞાન અને ટૅક્નોલોજીની બીજી શાખાઓમાં પણ આગળ છે.
ભારતના યુવાન વિજ્ઞાનીઓ ટેલેન્ટેડ છે, પણ તેમને પ્લેટફોર્મ મળવું મુશ્કેલ છે. આવા સંશોધનોનાં કાર્યોમાં બે ચાર વિજ્ઞાન અને ખગોળવિજ્ઞાનની સંસ્થાઓમાં પચાસ, સો વિદ્યાર્થીઓ કાર્ય કરે તે પૂરતું નથી, તે માટે મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની બીજી હરોળ તૈયાર કરવી ઘટે.
હવે નાસાએ હબલ અંતરીક્ષ દૂરબીન કરતાં પણ પચાસગણું વધારે શક્તિશાળી જેમ્સ વેબ દૂરબીન અંતરીક્ષમાં તરતું મૂક્યું છે. આ દૂરબીન એક લાખ અબજ અબજ ગણા ઝાંખા તારાને આપણી દૃષ્ટિ મર્યાદામાં લાવશે. આ આપણી ફરતેની ક્ષિતિજ જેવું છે. ક્ષિતિજ આપણા દૃશ્યવિશ્ર્વની મર્યાદા બાંધે છે, પણ તેની પેલે પાર પણ દુનિયા છે. જેમ જેમ આપણે વધારેને વધારે ઊંચાઈએ ચઢીએ તેમ તેમ આપણી ક્ષિતિજનો વિસ્તાર વધતો જાય છે. તેવી જ રીતે આપણે જેમ જેમ શક્તિશાળી અને વધારે શક્તિશાળી દૂરબીનો બનાવી તેમનો ઉપયોગ કરીએ તેમ તેમ આપણી દૃષ્ટિમર્યાદામાં અબજો અને અબજો ઝાંખા તારા આવે અને આપણને વિશાળ અને વિશાળ વિશ્ર્વના દર્શન કરાવે.
એટલે કે આપણે બ્રહ્માંડમાં કેટલે ઊંડે સુધી જોઈ શકીએ. કેટલા વિસ્તૃત વિશ્ર્વને જોઈ શકીએ તેનો આધાર આપણે કેટલા શક્તિશાળી દૂરબીનથી વિશ્ર્વને જોઈએ છીએ તેની પર છે. એટલે કે આ બ્રહ્માંડને તમે કેટલા શક્તિશાળી દૂરબીન દ્વારા જુઓ છો તેના પર તેનો આધાર છે. આ રીતે જોઈએ તો બ્રહ્માંડ એક માયા છે. બ્રહ્માંડમાં દરેકે દરેક વ્યક્તિ, જીવંતવસ્તુનું બ્રહ્માંડ અલગ અલગ હોય છે. તમે ક્યા પ્લેટફોર્મ પરથી બ્રહ્માંડને જુઓ છો, તેના પર તેનો આધાર છે. બ્રહ્માંડની એક જ વ્યાખ્યા થઈ શકે નહીં તે સાપેક્ષ છે.
કોઈ પણ તારો ઝાંખો દેખાય પણ તે હકીકતમાં ઝાંખો છે, તે કહી શકાય નહીં. તે ખૂબ જ પ્રકાશિત હોઈ શકે છે, પણ તે એટલો દૂર છે કે તે ઝાંખો દેખાય છે.
બધા જ તારાની તેજસ્વિતાની સરખામણી કરવા ખગોળવિજ્ઞાનીઓએ એક નવી સ્કીમ શોધી કાઢી છે. તેઓ દરેક તારાને ૩૨.૫ પ્રકાશવર્ષના અંતરે મૂકી તેની તેજસ્વિતા જુએ છે. તેને એબ્સોલ્યૂટ (નિરપેક્ષ) મેગ્નિટ્યૂડ કહે છે. આ બ્રહ્માંડમાં શું સત્ય અને શું અસત્ય તેની ખબર પડવી મુશ્કેલ છે. કોઈ તારો આપણે જોઈએ, પણ હકીકતમાં તેનો વિસ્ફોટ થઈ ગયો હોય પણ ત્યાંથી પ્રકાશને આપણા સુધી આ માહિતી લઈ આવતા કેટલાંય વર્ષો, કેટલીયે સદીઓ કે સહસ્રાબ્દીઓ લાગે. ત્યાં સુધી આપણે તે તારાને ઈન્ટેક સાજો-નરવો જોતા રહીશું.
ઝાંખા તારા કેટલા ઝાંખા તેનો આધાર આપણે તેમને નરીઆંખે જોઈએ છીએ કે દૂરબીન વડે અને કેવી શક્તિશાળી દૂરબીન વડે જોઈએ છીએ તેના પર છે.
જો આપણે ઉપરોક્ત શક્તિશાળી દૂરબીનને ચંદ્ર પર લઈ જઈને તારાદર્શન કરીએ તો આપણે એક અબજ અબજ અબજ (એક પછી ૨૭ શૂન્ય) ગણા ઝાંખા તારા જોઈ શકીએ. માટે જ ખગોળવિજ્ઞાનીઓ ચંદ્ર પર કોલોની સ્થાપી વેધશાળા ખોલવાની તમન્ના રાખે છે, જેથી તેઓ અબજ અબજ અબજ ગણા ઝાંખા તારાને જોઈ શકે જે હકીકતમાં ઘણા પ્રકાશિત હોય છે. નરીઆંખે બે ચાર મંદાકિનીઓ (લફહફડ્ઢશયત) દેખાય છે, પણ ઉપરોક્ત દૂરબીનો વડે આકાશદર્શન કરીએ તો હજારો અને હજારો મંદાકિનીઓ આપણને દેખાય એ રીતે વિશ્ર્વના વ્યાપનો અંદાજ
કાઢવો અઘરો છે.
આ બ્રહ્માંડ ઘણું રમણીય છે. સાતમી સદીમાં ભિન્નમાળ (ત્યારે તે ગુજરાતમાં હતું) થઈ ગયેલા કવિ માધે તેની શિરુપાલવધની રચનામાં કહ્યું છે કે ક્ષણે ક્ષણે યત્નવતા મુપૈતિ/તદેવ રૂપં રમણીયતીયા: અર્થાત્ ક્ષણે ક્ષણે જે નવિનતા ધારણ કરે તે જ સાચી રમણીયતા ગણાય. બ્રહ્માંડદર્શન આવી રમણીયતી છે. બ્રહ્માંડદર્શન સાપેક્ષ છે, નિરપેક્ષ નથી, માટે જ તે મિથ્યા છે. માત્ર બ્રહ્મન જ નિરપેક્ષ છે. આ અર્થમાં જગત્ગુરૂ શંકરાચાર્યે કહ્યું છે કે બ્રહ્મસત્ય, જગત મિથ્યા. જ્યાં સુધી જગતની માયાના દર્શન થાય ત્યાં સુધી તે સત્ય છે. જેવી તેની માયા સમજાઈ જાય જગત મિથ્યા થઈ જાય.