બ્રહ્માંડ દર્શન – ડો. જે. જે. રાવલ
નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે તાજેતરમાં ૧,૧૫૦ પ્રકાશવર્ષ દૂર એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે. જેના પર પાણીની વરાળ હોવાના અણસારો મળ્યાં છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ નાસાનું ખૂબ જ મહત્ત્વાકાંક્ષી સ્પેસ ટેલિસ્કોપ છે. તેનો ખર્ચ ૧૦૦૦ અબજ રૂપિયાનો થયો છે. તે લાગ્રાંજ-૨ બિંદુએ સ્થિર રહીને બ્રહ્માંડનો અભ્યાસ કરે છે. ખગોળ વિજ્ઞાનીઓને આશા છે કે જેમ્સ વેબ બ્રહ્માંડના હજુ સુધી નહીં શોધાયેલાં બ્રહ્માંડના ગૂઢ રહસ્યો પર પ્રકાશ પાડશે. આ પહેલા નાસાએ હબલ સ્પેસ દૂરબીનને અંતરીક્ષમાં પૃથ્વી ફરતે તરતું મૂકયું છે જેને ઘણી મોટી મોટી શોધો કરી તેના અસ્તિત્વ અને ઉપયોગને સાબિત કર્યાં છે તેને લગભગ ૩૫ વર્ષ ઘણી સફળ કામગીરી કરી છે. જેમ્સ વેબ તેનાથી નવી પેઢીનું છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ લગભગ પૃથ્વીની સપાટીથી ૫૦૦ કિ.મી. ના અંતરે રહીને કાર્ય કરે છે, જ્યારે જેમ્સ વેબ પૃથ્વીની સપાટીથી ૧૮ કરોડ કિ. મી. દૂર રહીને કાર્ય કરે છે.
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે જે આ નવો ગ્રહ શોધ્યો છે જેના પર પાણીની વરાળ હોવાના એંધાણ છે, આવી બાબત આપણને બહુ રાજી રાજી કરે છે અને એમ ધારી લેવા પ્રોત્સાહિત કરે છે કે બ્રહ્માંડમાં પૃથ્વી જેવો ગ્રહ છે અને બ્રહ્માંડમાં આપણી આકાશગંગા મંદાકિનીમાં આવા કેટલાય ગ્રહો હશે જ. અને ત્યાં પૃથ્વી પર જેવું જીવન છે તેવું જીવન કદાચ હોઇ શકે. એટલે કે બ્રહ્માંડમાં કદાચ આપણે એકલા નહીં હોઇએ. બીજા ગ્રહ પર આપણાથી ઉતરતું કે ચઢિયાતું કે આપણા જેવું જીવન હોઇ શકે છે. પણ હાલ સુધી બ્રહ્માંડમાં બીજા કોઇ ગ્રહ પર આપણા જેવું જીવન મળી આવ્યું નથી. સ્પેસ એજનો અંતિમ ધ્યેય બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન છે કે નહીં? તે શોધવાનો છે, ત્યાં જઇને તેમના વિશે જાણવાનો છે. આપણે ત્યાં અંતરીક્ષયાન મોકલીએ એ પહેલાં આપણે ગ્રહનો પૂરેપૂરો અભ્યાસ કરવો પડશે. તેનો ધરી ભ્રમણ સમય, પરિભ્રમણ સમય, તેનું વાયુમંડળ, ચુંબકીય ક્ષેત્ર, જમીન, તેની ધરી વાંકી છે કે નહીં? તેનો પિતૃતારો કેવો છે વગેરે તેના દરેકે દરેક પાસાનો અભ્યાસ પૃથ્વીસ્થિત ટેલિસ્કોપ, હબલ સ્પેસ ટેલિસ્કોપ કે જેમ્સ વેબ ટેલિસ્કોપથી કરવો પડશે. આ બધું તો દૂરથી થાય, પણ ત્યાં કલાકના ૫૦,૦૦૦ કિ. મી. ની ઝડપવાળા માનવ રહિતના અંતરીક્ષયાનને પહોંચવું હોય તો ૨૮૨ લાખ (૨.૮૨ કરોડ) વર્ષ લાગે. તો એ યાનના ઇંધણનું શું? અંતરીક્ષની અતિ વિષમ પરિસ્થિતિમાં યાનનું શું? અને તેને એટલા બધા વર્ષ કોણ ટ્રેક કરે? અને જયારે તે યાન ત્યાં પહોંચે ત્યારે પૃથ્વી પરના વિજ્ઞાનીઓ, માનવીઓ અને જીવનનું શું? જો ત્યાં માનવસહિત યાન જાય તો કેટલી બધી તકલીફ પડે? અંતરીક્ષમાં જનાર માનવીના જીવનનું શું? તેના ખોરાક અને મનની સ્થિતિનું શું? આટલા બધા લાંબા સમય માટે ઍસ્ટ્રોનોટની એકલતાનું શું? આ કાંઇ અઠવાડિયું, પંદર દિવસ, મહિનો કે વર્ષ નથી, ખાસા ૨૮૨ લાખ વર્ષ છે. આપણી નજીકનો તારા મિત્ર (આલ્ફા સેન્ટૌસી) આપણાથી સવા ચાર વર્ષ દૂર છે. ત્યાં અંતરીક્ષયાનને જતાં એક લાખ વર્ષ લાગે. અંતરીક્ષયાનની ઝડપ વધારી વધારીને કેટલી વધારો? પ્રકાશની ઝડપથી લગભગ નજીકની ઝડપ, તો પણ આપણાથી સૌથી નજીકના તારાએ જવા. સવા ચાર વર્ષ લાગે અને નવા શોધાયેલ ગ્રહ પર જવા ૧૧૫૦ વર્ષ લાગે. આ દર્શાવે છે કે નજીકના તારાના ગ્રહ પર કે દૂરના તારાનાં ગ્રહ પર જવું અશક્ય છે. આપણે તો આવા ગ્રહને દૂરબીનમાંથી દૂરથી જ જોવા માટે સમર્થ છીએ. આપણા સૂર્યમંડળની બહાર ૫૦૦૦ ગ્રહો શોધાયાં છે, પણ શું કામના? આપણે પૃથ્વી પર જ સુમેળથી રહેવું જોઇએ. તે આપણાથી થશે નહીં માટે ૧૦૦ વર્ષમાં આપણે આપણો જ નાશ કરી બેસવાના છીએ. તેમાં શંકા નથી. એવાં ચિહ્નો દેખાય જ છે. દૂરના ગ્રહ પર માનવી રહેતા હોય અને તે પૃથ્વી પર આવવા પ્રયત્ન કરે જે ઉપર મુજબની સ્થિતિ જ થાય. માટે બાહ્ય સંસ્કૃતિમાંથી પૃથ્વી પર માનવી આવે છે, આવતા હતાં, આવ્યા છે કે આવશે, એ વાતમાં કાંઇ દમ લાગતો નથી.
વિજ્ઞાનીઆએે “ડેડાલસ નામનો પ્રોજેક્ટ કર્યો છે. તેને અંતર્ગત ત્યાં કેટલાય કુટુંબો રહી શકે ત્યાં બાળકો જન્મે, ત્યાં શાળા, મહાશાળા બધું હોય, ત્યાં બાળકો ઉછરે. આ ડેડલસને નજીકના તારાએ પહોંચતા એક
લાખ વર્ષ લાગે. ત્યાં ૪૦૦૦મી પેઢી પહોંચે. આમાં કોણ કોને ઓળખે? પૃથ્વી પર પણ ૪૦૦૦ પેઢી બદલાઇ ગઇ હોય. તો અતિ દૂરની તારાની તો વાત જ ક્યાં કરવી? આવા ડેડાલસ જેવા યાનની રચના, તેના ઇંધણની વ્યવસ્થા, તેમાં રહેલા માનવીઓના જીવન વગેરે વાત સમજમાં આવે નહીં તેવી છે. માઇન્ડ બોગલીંગ છે. એનો અર્થ એવો નથી કે અંતરીક્ષ ખેડાણ ન કરવું જોઇએ. કરવું જ જોઇએ. તેનાથી પૃથ્વી પરના માનવીના જીવનને ઘણી સુવિધા મળી છે અને મળતી રહેશે. પણ બીજા ગ્રહ પર જવાની વાત હાસ્યાસ્પદ છે.
પૃથ્વી પર બહારથી આવતાં લઘુગ્રહોનો ખતરો છે, દુષ્કાળ, અતિવર્ષા, ત્સુનામી, ભયંકર વેપન્સ અને યુદ્ધનો ખતરો છે, ઊર્જાનો વસ્તીવધારાનો પ્રકૃતિ અને પર્યાવરણનો, આતંકવાદ, માનવીના મગજમાં વધતી જતી વિકૃતિનો ખતરો છે અને તેને પૃથ્વી છોડવી પડે એમ છે, તો જાયે તો જાયે કહાં? માટે આપણે પૃથ્વીને સંભાળીને બેસવું જોઇએ અને સૂર્યમંડળનું સારી રીતે ખેડાણ કરવું જોઇએ, અને સહકારથી સુંદર જીવન જીવવું જોઇએ. આ જ પૃથ્વી પર સુખી થવાનો માર્ગ છે.
નાસાએ શોધેલ આ નવા ગ્રહનું નામ ઠઅજઙ-૯૬ ઇ છે. તે ખૂબ જ ગરમ હોવાથી તેનું વાયુમંડળ ફૂલી ગયું છે, વિસ્તરી ગયું છે. આ ગ્રહનું ફળ ગુરુગ્રહ કરતાં અડધું છે તેમ છતાં તે સાઇઝમાં ગુરુગ્રહ જેવડો જ છે. તેનું ઉષ્ણતામાન ૫૩૭ અંશ સેલ્સિઅસ છે. તેના પિતૃતારાથી તેનું અંતર બુધનું સૂર્યથી જે અંતર છે તેનાથી ઓછું છે. આ ગ્રહ તેના પિતૃતારા ફરતે પૃથ્વીના ત્રણ દિવસમાં પરિક્રમા કરી લે છે. જ્યારે આ ગ્રહ તેના પિતૃતારા અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તેના પિતૃતારાનો પ્રકાશ એ ગ્રહને ધસીને આવે છે. આ ગ્રહને વાયુમંડળ છે, તેથી તેના પિતૃતારાનો પ્રકાશ ગ્રહના વાયુમંડળને વીંધીને આવતો હોવાથી તેના વાયુમંડળ વિશે બધી જ માહિતી આપે છે. ગ્રહને વાયુમંડળ છે કે નહીં તે આવા સંયોગથી જાણવામાં આવે છે.
તાજેતરમાં નાસાએ જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા ખેંચાયેલી બ્રહ્માંડની પ્રથમ તસ્વીરો બહાર પાડી. આ બ્રહ્માંડની હાલ સુધી લેવાયેલી ઉત્કૃષ્ટ તસવીરો છે. તે એક મંદાકિનીઓના ઝૂંડની તસવીર છે. તેમાં સેંકડો મંદાકિનીઓ પ્રકાશિત ધાબીરૂપે નજરે પડે છે. આ મંદાકિનીઓનું ઝૂંડ તો વિશાળ બ્રહ્માંડને ટાંચણીનાં ટોપકા જેટલો જ ભાગ છે. દરેકે દરેક મંદાકિનીમાં સરેરાશ ૫૦૦ અબજ તારા છે. આપણી નજીકની દેવયાની તારાવિશ્ર્વ (મંદાકિની)માં ૨૦૦૦ અબજ તારા છે. દરેકે દરેક તારો સરેરાશ ૧૫ લાખ કિ. મી. ની જગ્યા રોકે છે અને બે તારા વચ્ચેનું સરાસરી અંતર ૪૫૦૦ અબજ કિ. મી. છે. આવડી મોટી મંદાકિનીઓ અહીં જેમ્સ વેબે લીધેલા છાયાચિત્રમાં મંદાકિનીઓના ઝૂંડની સભ્યો છે. આ મંદાકિનીઓનું ઝૂંડ આપણાથી સૌથી વધારેના અંતરે છે, અને તેને આપણે પ્રથમવાર જોઇએ છીએ.

Google search engine