આ હોલીવૂડ સ્ટાર ભારતના પ્રેમમાં પડ્યો

ફિલ્મી ફંડા

હોલીવૂડ સ્ટાર બ્રાડ પીટ ઘણા દેશોમાં ફરી ચુક્યા છે ત્યારે તેમને ભારત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ભારત એક અદ્ભુત દેશ છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી તે સતત બદલાતું રહે છે. આવા વિવિધતાસભર દેશો બહુ ઓછા છે. મારા મનમાં ઉત્તર ભારતના પ્રવાસની યાદો આજે પણ તાજી છે. હું ત્યાં એવા સ્થળોએ ગયો છું જ્યાં દિવસ દરમિયાન પણ અંધારું હોય છે. મંદિરોમાં ઘંટડીઓ વાગી રહી છે અને વારાણસીનો અનુભવ અલૌકિક રહ્યો છે. મેં મારા જીવનમાં વારાણસી જેવું સ્થળ આખી દુનિયામાં ક્યારેય જોયું નથી અને અત્યાર સુધી મેં જે વિશ્વ પ્રવાસોની મુલાકાત લીધી છે, તેમાં આ શહેર મારા માટે ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે.

બ્રાડ પીટની આગમી ફિલ્મ ‘બુલેટ ટ્રેન’ ભારતમાં રિલીઝ થવાની છે. ડેવિડ લીચ દિગ્દર્શિત ફિલ્મ ‘બુલેટ ટ્રેન’ મારિયા બીટલ પર આધારિત છે, જે કોટારો ઇસાકા દ્વારા લિખિત જાપાની નવલકથા છે, જે બુલેટ ટ્રેન નામથી અંગ્રેજીમાં પ્રકાશિત થઈ હતી. ફિલ્મની વાર્તા એવી છે કે જીવનથી કંટાળી ગયેલી એક પ્રશિક્ષિત ખૂની પોતાના હેન્ડલર બુલેટ ટ્રેન પર લેડી બગને બ્રીફકેસ લેવા મોકલે છે. આ ટ્રેન ટોક્યોથી ક્યોટો જઇ રહી છે અને આ મિશનને નિષ્ફળ બનાવવા માટે, ટ્રેનમાં જ લગભગ અડધો ડઝન હત્યારાઓ છે. આ ફિલ્મમાં બ્રાડ પિટ ઉપરાંત સાન્દ્રા બુલોક પણ જોવા મળશે, જેમાં જોય કિંગ ઉપરાંત એરોન ટેલર જોન્સન, બ્રાયન તારી હેનરી, એન્ડ્રુ કોઝી, હિરોકી સનાડા, માઇકલ શેનોન અને અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળશે.

ફિલ્મ ‘બુલેટ ટ્રેન’ પર ભારતના લોકોની નજર એટલે પણ છે કારણ કે ભારતમાં પણ થોડા સમયમાં બુલેટ ટ્રેન ચાલુ થવાની છે ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં તેની સિકવલ બનાવી જોઈએ. ત્યારે તેમને જણાવ્યું હતું કે આ સવાલનો સાચો જવાબ તો ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકો જ આપી શકે છે. પરંતુ, હું વહેલી તકે ભારત પાછા આવવા આતુર છું અને બુલેટ ટ્રેન વિશે મને ખબર નથી પરંતુ મને ત્યાં દોડતી ટુકટુક (રિક્ષા)માં સવારી કરવી ગમે છે. હું આશા રાખું છું કે મારી આ યાત્રા ટૂંક સમયમાં જ થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.