મુંબઈના જુહુમાં બીઆર ચોપરાનો 25,000 ચોરસ ફૂટનો ફેમિલી બંગલો ₹ 183 કરોડમાં વેચાયો

ફિલ્મી ફંડા

મુંબઇઃ બોલીવુડના અગ્રણી ફિલ્મ નિર્માતાઓમાંથી એક એવા બીઆર ચોપરાનો બંગલો બીઆર હાઉસ 183 કરોડ રૂપિયામાં વેચાઇ ગયો છે. 25,000 ચોરસ ફૂટનો બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે. 5 નવેમ્બર 2008ના રોજ બી. આર. ચોપરાનું નિધન થયું હતું.
જાણકારી મુજબ BR હાઉસ કે. રાહેજા કોર્પ દ્વારા ₹182.76 કરોડમાં ખરીદવામાં આવ્યું છે અને કંપની પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિકસાવવાની યોજના બનાવી રહી છે. બીઆર હાઉસ સી પ્રિન્સેસ હોટેલની બરાબર સામે આવેલું છે.
તેમના પુત્ર રવિ ચોપરાની પત્ની અને બીઆર ચોપરાની પુત્રવધૂ રેણુ રવિ ચોપરાએ એક લોકપ્રિય રિયલ એસ્ટેટ ડેવલપરને મિલકત સોંપી હોવાનું કહેવાય છે. કંપનીએ સોદાની નોંધણી માટે લગભગ રૂ. 11 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. 12 નવેમ્બર, 2014માં રવિ ચોપરાનું નિધન થયું હતું.
બીઆર ચોપરાનો જન્મ 22મી એપ્રિલ 1914ના રોજ અવિભાજિત પંજાબમાં થયો હતો, બલદેવ રાજ ચોપરાની ફિલ્મોમાં રસ એક ફિલ્મ પત્રકાર તરીકે શરૂ થયો હતો. ભારતના ભાગલા પછી, તેઓ દિલ્હી અને ત્યારબાદ મુંબઈ ગયા જ્યાં તેમણે સિને હેરાલ્ડ જર્નલ માટે ફિલ્મ સમીક્ષાઓ લખવાની તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
1949 માં તેમણે તેમની પ્રથમ ફિલ્મ કરવતનું નિર્માણ કર્યું, જે ફ્લોપ સાબિત થઈ. જોકે, 1951માં તેમણે ફરી એકવાર ફિલ્મ અફસાનાના નિર્માતા અને દિગ્દર્શક તરીકે પોતાનું નસીબ અજમાવ્યું જે બોક્સ ઓફિસ પર મેગા હિટ સાબિત થઈ. 1955 માં, તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ બીઆર ફિલ્મ્સ બનાવ્યું. આ પ્રોડક્શન હાઉસ માટે તેમની પ્રથમ ફિલ્મ નયા દૌર અત્યંત સફળ રહી હતી.
ફિલ્મ નિર્માતા બી. આર. ચોપરાની કેટલીક નોંધપાત્ર ફિલ્મો ધૂલ કા ફૂલ (1959), વક્ત (1965) અને નયા દૌર (1957), કાનૂન (1958), હમરાઝ (1967), ઇન્સાફ કા તરાઝુ (1980) અને નિકાહ (1982) છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.