Homeઉત્સવછોકરાનું ગદ્ધા પૂંછ: લીધી વાત મૂકવી નહીં

છોકરાનું ગદ્ધા પૂંછ: લીધી વાત મૂકવી નહીં

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

આજના સમયમાં તો અશક્ય છે , પણ દરેક મા – બાપ પોતાના સંતાન આજ્ઞાકારી હોય એવી અપેક્ષા રાખતા આવ્યા છે. જો હોય તો એમાં ગર્વ અનુભવે અને ન હોય તો નસીબને દોષ દે એવું સામાન્યપણે જોવા મળ્યું છે. મા – બાપની આજ્ઞા માનવી અને ટેક રાખવી (પ્રતિજ્ઞાબદ્ધ રહેવું) એ બે ગુણ વખાણવા લાયક છે, પણ શેમાં ટેક રાખવી ને શેમાં નહીં એનું વિવેકભાન પણ હોવું જોઈએ. એ ન હોવાથી કેવી બૂરી વલે થાય છે એ નાનકડી કથા પરથી સ્પષ્ટ થઈ જશે. ગુજરાતના એક ગામનો ડાહ્યો – સમજુ કણબી મરણપથારીએ હતો ત્યારે તેણે પોતાના એકમાત્ર પુત્રને બોલાવી કહ્યું કે ‘વહેલું – મોડું મોત તો સૌને આવે જ છે. મને ચિંતા સતાવે છે કે તું મારું નામ ઉજાળી નહીં શકે, પણ મારું નામ બોળીશ.’ બાપની વ્યથા સાંભળી બેટો બોલ્યો કે ‘નિશ્ર્ચિંત રહો, હું તમારું નામ ઉજાળીશ. સંતોષથી તમારો જીવ ગતિ પામે એ માટે તમારે જે કહેવું હોય એ કહો, હું એનું તંતોતંત પાલન કરીશ’. આ સાંભળી રાજી થયેલા પિતાએ પુત્રને કહ્યું કે ‘કોઈ પણ ટેક રાખવી એ મનુષ્યનું સર્વોત્તમ ભૂષણ છે. ‘જેણે રાખી ટેક તેને મળ્યા અનેક’ એવી કહેવત છે. આપણો વ્યવસાય ખેતીનો છે એટલે જે કામ કરવાનું ધાર્યું હોય એ કરે જ છૂટકો કરવો. અધૂરું મૂકેલું કામ પછી પૂરું નથી થતું. માટે લીધી વાત મૂકવી નહીં એવી ટેક રાખજે. પુત્રએ વચન આપ્યું અને પિતાએ નિરાંત જીવે દેહ છોડ્યો. બાપની શિખામણ અમલમાં મૂકવા બેટો અધીરો હતો. ચોમાસામાં ઢોર મોલ ચરી જતા દેખાતા તેને તગેડી મૂકવા પુત્ર તેની પાછળ દોડ્યો, પણ કાદવ પર લપસી પડ્યો. જોકે, તરત તેણે ગધેડાનું પૂંછડું પકડી લીધું. પૂંછડું પકડાયું એટલે ચોંકી ગયેલા ગધેડાએ નાસવા માંડ્યું, પણ ઘસડાતા હોવા છતાં છોકરાએ પૂંછડું હાથમાંથી ન છોડ્યું. મૂંઝાયેલા ગધેડાએ લાતાલાત શરૂ કરી. ખૂબ વાગ્યું, લોહી સુધ્ધાં નીકળ્યું, પણ બાપની આજ્ઞા ‘લીધી વાત મૂકવી નહીં’ મનમાં રાખી પૂંછડાને વળગી રહ્યો. મૂકે તો બાપનું નામ બોળાય ને! છોકરાની બેહાલી જોઈ ભેગા થયેલા લોકોએ એને સમજાવ્યો કે ભાઈ, પૂંછડું છોડી દે. તો જવાબ મળ્યો કે ‘મારા બાપનું નામ બોળવા કરતા મરવું બહેતર છે.’ છોકરો સમજાવવાથી પણ ન માણ્યો ત્યારે લોકોએ જબરદસ્તી કરી એના હાથમાંથી પૂંછડું છોડાવ્યું અને ગાંડા કાઢવા બદલ ઘણો ઠપકો આપ્યો. કોઈની શિખામણના શબ્દોના અર્થને વળગી રહેવું યોગ્ય નથી. એ શિખામણનો હેતુ અને પરિણામ જાણવા જોઈએ. આંધળું અનુકરણ કરવાથી કેવી અવદશા થાય એ ઉપરની કથા પરથી સમજાઈ ગયું હશે.
———
ANIMAL IDIOMS
Man is a Social Animal- માણસ સામાજિક પ્રાણી તરીકે ઓળખ ધરાવે છે. અલબત્ત પ્રાણી અને માણસમાં સૌથી મહત્ત્વનો ફરક છે બુદ્ધિનો. આજે આપણે પ્રાણી સાથે સંકળાયેલા કેટલાક રૂઢિપ્રયોગ વિશે જાણીએ. પ્રાણી જગત ભાષામાં પણ કેવું વણાઈ ગયું છે એનો ખ્યાલ આવશે. પહેલો પ્રયોગ છે Fly on the wall. ફલાય એટલે માખી અને વોલ એટલે ભીંત. ભીંત પરની માખી મોટેભાગે નજરમાં ન આવે એ રીતે તમે કંઈ જોતા હો કે સાંભળતા હો એના પર કોઈનું ધ્યાન ન પડે એ માટે આ રૂઢિપ્રયોગ વપરાય છે.They’re discussing the plan now. I’d love to be a fly on the wall so I could hear what they were saying. અત્યારે યોજનાની ચર્ચા એ લોકો કરી રહ્યા છે. ચૂપચાપ ઊભા રહી એ મને સાંભળવા મળે તો સારું. મધમાખી અત્યંત વ્યસ્ત જીવ છે અને Bee’s knees એટલે શ્રેષ્ઠ કે ઉચ્ચ ગુણવત્તા ધરાવતું. કોઈ વ્યક્તિ માટે પણ આ પ્રયોગ વાપરી શકાય છે.This chocolate cake is the bee’s knees. You have to try it!આ ચોકલેટ કેક ઊંચી ગુણવત્તા ધરાવે છે, ખાઈ જુઓ એટલે ખબર. મધમાખીનો જ અન્ય એક રૂઢિપ્રયોગ છેTo make a beeline. હેતુપૂર્વક નિશ્ર્ચિત દિશામાં ઝડપથી આગળ વધવું એ એનો ભાવાર્થ છે. I’ve wanted to meet my brother for ages, so as soon as I saw him, I made a beeline for him. વર્ષોથી મારા ભાઈને મળવાની તાલાવેલી હતી. એટલે એ સામે દેખાતા દોડીને એને મળવા ગયો. Sitting duck એટલે એવી વ્યક્તિ જેના પર બધા તૂટી પડતા હોય. એવી પરિસ્થિતિ જેમાં કોઈ નુકસાન પહોંચાડી શકે.If we leave the shop doors unlocked it’ll be a sitting duck. જો દુકાનના દરવાજા ઉઘાડા રહેવા દેશું તો કોઈ હાથફેરો કરી નુકસાન પહોંચાડી દેશે.To smell a rat પ્રયોગમાં ગંધનો આડકતરો અર્થ છે ખરો પણ ઉંદરની કોઈ વાત નથી. કોઈ વાત કે ઘટનામાં શંકા પડવી કે કંઈ મેલું રમાયું હોવાની ગંધ આવવી એ માટે To smell a rat પ્રયોગ વપરાય છે.I am not going to invest in this lucrative scheme, because I smell a rat. આ અત્યંત આકર્ષક યોજનામાં હું આર્થિક રોકાણ નહીં કરું, કારણ કે મને એમાં શંકા પડે છે. આજનો છેલ્લો રૂઢિપ્રયોગ છે Ants in your pants. આનો શબ્દાર્થ હસાવી દે પણ એનો ભાવાર્થ છે નર્વસ થવાથી કે રોમાંચ અનુભવવાથી ચેનથી બેસી ન શકવું કે અસ્વસ્થ થઈ જવું.I’m so nervous about this job interview- I can’t sit still! ઈન્ટરવ્યૂ આપવાનો હોવાથી હું બહુ નર્વસ છું, નિરાંત જીવે બેસી પણ નથી શકતો. કીડી ચટકા ભરે જેવો જ અર્થ છે ને.
——–
नवसे पुत्र होती….
મહારાષ્ટ્રનું રાજકારણ સતત ચર્ચામાં રહે છે. આપણે રાજકારણની ચર્ચા નથી કરવી પણ થોડા દિવસો પહેલા મુખ્ય પ્રધાન માનતા પૂરી કરવા ગુવાહાટી ગયા હતા એ સંદર્ભમાં ભાષાની વાત કરવી છે. મરાઠીમાં માનતા એટલે नवस आणि नवस फेडणयासाठी એટલે માનતા પૂરી કરવી. ૨૦૦૪માં  नवरा माझा नवसाचा નામની ફિલ્મ આવી હતી. માનતા પૂરી કરવા પતિ – પત્ની મુંબઈથી ગણપતિ પુળે નામના સ્થળે જાય છે એ પ્રવાસ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે. કહેવાતા બાબાઓને કારણે માનતા – નવસ ક્યારેક અંધશ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કરી લે છે એ સંદર્ભમાં સંત શિરોમણી તુકારામ મહારાજે અભંગમાં ધારદાર વાત કરી છે. અભંગમાં મહારાજ કહે છે नवसे कन्या-पुत्र होती। मग का करणे लागे पती જો માનતા માનવાથી જ જો સંતાન (દીકરો કે દીકરી)ની પ્રાપ્તિ થવાની હોય તો પછી લગ્ન કરી પતિને જીવનમાં સ્થાન આપવાની જરૂર જ શું છે એવો સવાલ જાહેરમાં મહારાજ ભાન ભૂલેલા સમાજને કરે છે. તુકારામના અભંગમાં સમયનું મહત્ત્વ પણ પ્રભાવી રીતે વ્યક્ત થાય છે. કાર્ય તત્પરતા અને સમયની સાચવણી જીવનમાં કેવી ને કેટલી જરૂરી છે એ વિશે મહારાજ કહે છે ‘मढे झाकुनिया करिती पेरणी, कूणबियाची वाणी लवलाहे. तयापरी करी
स्वहित करी स्वहित आपुले, जयासी फावले नरदेह.
કુણબી (મુખ્યત્વે ખેતીવાડી કરતી મહારાષ્ટ્રની એક જાતિ) લોકો સમયને બહુ માન આપે છે, એનું મહત્ત્વ સમજે છે. ખેતરમાં વાવણીનો સમય હોય ત્યારે ઘરે ગમે એટલી મુશ્કેલી હોય તો પણ વાવણીનું કામ પૂરું કર્યા વિના ઘેર નહીં જવાનું અને વાવણીના સમયનો આદર કરવા પર ભાર આપવામાં આવ્યો છે. વાત એ હદે છે કે જો વાવણીના સમયે ઘરમાં કોઈનું અવસાન થઈ ગયું હોય તો પણ વાવણીનું કામ રેઢું મૂકીને કોઈ ઘરે દોડીને આવે નહીં. વાવણી પતી જાય ત્યાં સુધી મૃતદેહ ઢાંકીને રાખવાનો. ખેતરમાં કામ પૂરું થયા પછી જ ઘરે પાછા ફરતા લોકો એ મૃતદેહના અંતિમ સંસ્કાર કરે. સમય કેટલો મૂલ્યવાન છે એ આ અભંગ મારફત બહુ સચોટ રીતે સમજાય છે.
——–
विशिष्ट मुहावरे
ઘણી વાર એવું બને કે કોઈ નામ કે વિશેષણ એની પાછળની કથાને કારણે રૂઢિપ્રયોગનું સ્વરૂપ ધારણ કરી લે. તીસમારખાં એવો જ એક પ્રયોગ છે.तीसमार खां याने बडा बहादुर ऐसा अर्थ है. इसके संदर्भ में एक कथा का
उल्लेख है.
કામકાજ વિનાનો એક બ્રાહ્મણ પત્નીના કહેવાથી ધન કમાવા નીકળ્યો હોય છે. ઘરમાં ધાન્ય તો હતું નહીં, પણ પત્નીએ ગમે એમ કરીને લાડુ બનાવી આપ્યા. એક રાત્રે બ્રાહ્મણ વાટમાં નીંદર લઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી ત્રીસ ચોરનું એક ટોળું પસાર થયું. ચોરની નજર બ્રાહ્મણની પોટલી પર પડી અને ભૂખ લાગી હતી એટલે ચોરી લીધા અને વહેંચીને ખાઈ લીધા. અનાયાસે એ લાડુમાં કોઈ ઝેરી વસ્તુ ભળી ગઈ હતી અને એટલે લાડુ ખાધા પછી ત્રીસે ત્રીસ ચોર મૃત્યુ પામ્યા. આ ખબર રાજા સુધી પહોંચી અને રાજા બહુ રાજી થયો. તરત તેણે ચોરનો ખાત્મો બોલાવનારની તપાસ કરાવી. બ્રાહ્મણે તક ઝડપી લઈ પોતે આ ચોરને મોતને ઘાટ ઉતાર્યા છે એવું રાજાને કહ્યું. ખુશ થઈને રાજાએ બ્રાહ્મણને પ્રધાન બનાવી દીધો અને તીસમારખાંનો ઈલકાબ આપ્યો. સંભવ છે કે તીસમારખાં શબ્દનો અર્થ દરબારમાં કોઈને સમજાયો નહીં હોય એટલે બુદ્ધિશાળી વ્યક્તિ એવો અર્થ બેસાડી દીધો. છેવટે ઈલકાબ તો રાજાએ આપ્યો હતો એટલે એ માં મેળવનાર વ્યક્તિ બુદ્ધિવાન હશે એવું માની લેવામાં આવ્યું હશે. પછી કાળક્રમે કોઈ કામ કર્યા વિના કે રતિભાર કામ કરી મહારથી સાબિત થતી વ્યક્તિ માટે કટાક્ષમાં तीसमार खां શબ્દ પ્રયોગનો વપરાશ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular